ભરોસાની ભેંસ હવે પાડો નહિ જણે, આ એક ડોઝથી પશુપાલકોના જીવનમાં ખુશીઓ આવી
Animal Care : પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયાઃ વાછરડી કે પાડી જન્મથી રખડતા પશુઓ, આખલાઓ ઉપર પણ અંકુંશ આવશે
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન મહત્વનો વ્યવસાય છે. પશુપાલનનું આ મહત્વ સમજાયા પછી વધુને વધુ લોકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવતા થયા છે ત્યારે પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપવાના આનુવંશિક ગુણો ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર ખુબ અગત્યનો છે. પરંતુ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે ફક્ત વધુ દૂધ આપવાના આનુવંશિક ગુણો ધરાવતા સારી ઓલાદના પશુઓ રાખવા તેટલું જ પૂરતું નથી, પરંતુ સારી ઓલાદના પશુઓ મેળવ્યા બાદ તે માદા પશુઓમાં સફળ ગર્ભધારણ થાય એ જરૂરી છે. તેથી પશુસંવર્ધનમાં ગર્ભધારણ પાયાની મહત્વની બાબત ગણાય છે.
ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પશુધનની ઓલાદોની સુધારણા માટે જુદા જુદા વિસ્તારોમાં પશુપાલન ખાતા દ્વારા પશુ સંવર્ધન ફાર્મની સ્થાપના કરવામાં આવેલી છે. ઉત્તર ગુજરાતમાં ગાય અને ભેંસની ઓલાદ સુધારણા તથા કૃત્રિમ બીજદાનની જરૂરિયાતને પહોંચી વળવા ઉચ્ચ ગુણવત્તાવાળા થીજવેલ વીર્યના ડોઝ (ફ્રોઝન સીમેન ડોઝ)ના ઉત્પાદન માટે અતિઆધુનિક ટેકનોલોજી ધરાવતી લેબોરેટરી પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ કાર્યરત છે. આ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આપવામાં આવતા સેસ્ક્સડ સીમેન ડોઝથી ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મે તેવા સંશોધનને સફળતા મળી છે. સેક્સસ્ડ સીમેન ઇન્સ્ટિટ્યુટ દ્વારા સારી નસલના આખલાના વીર્યમાંથી સ્ત્રી (X) અને પુરુષ (Y) બંનેના રંગસૂત્ર છુટા પાડવામાં આવે છે અને બાદમાં માદા રંગસૂત્રો (X) ગાયના ગર્ભમાં ફલિત કરવા માટે મુકવામાં આવે છે.
નાયબ પશુપાલન નિયામક ડો. જે. પી. મજેઠીયાના કહેવા અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં જુન-૨૦૨૧ પછી સેક્સસ્ડ શોર્ટેડ સીમેનના ડોઝ મુકવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં ખુબ સારું પરિણામ મળ્યું છે. કુલ- 969 જેટલી ગાયો અને ભેંસોમાં આ ડોઝનું બીજદાન કર્યા પછી 109 માદા અને 10 નરનો જન્મ થયો છે. એટલે કે જિલ્લામાં 90 ટકા કિસ્સામાં ગાયને વાછરડી અને ભેંસને પાડી જન્મી છે. તેમણે કહ્યું કે, વાછરડો અને પાડો જેવા નર પશુને ઉછેરવાનો ખર્ચ પણ વધી જતો હોય છે. જ્યારે આ ડોઝ મુકાવવાથી મોટાભાગે વાછરડી કે પાડી જ જન્મતી હોવાથી એના ઉછેર થકી એ મોટી બનીને ગાય કે ભેંસ બને છે. એના લીધે પશુપાલકોને બહારથી પશુઓ ખરીદવા પડતા નથી અને દૂધાળા પશુઓ વધવાથી દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જેના લીધે ગ્રામ્ય કક્ષાએ, જિલ્લા અને રાજ્ય તથા દેશ લેવલે દૂધ ઉત્પાદન વધારો થાય છે.
દેશી ગાય રાખતા પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના પશુપાલક માધુભાઇ સોમાભાઇ સાળવીનું કહેવું છે કે અત્યાર સુધી ગાયને અમે દેશી ડોઝ મુકાવતા હતા. પરંતું આ વખતે પશુપાલન ખાતાના ચંદ્રકાંતભાઇના કહેવાથી ગાયને સેસ્ક્સડ સીમેન ડોઝનું બીજદાન કરાવ્યું હતું. જેથી ગાયએ વાછરડીને જન્મ આપ્યો છે. જેનાથી ત્રણ વર્ષમાં સારી ઓલાદની એક બીજી ગાય તૈયાર થઇ જાય છે. જેનાથી પશુ નિભાવ ખર્ચમાં ઘટાડો થયો છે. વાછરડો જન્મે તો તેને ખુલ્લો મુકવો પડે અથવા મહાજનમાં મુકવો પડે એ નોબતમાંથી પણ છુટકારો મળ્યો છે.
ઘનિષ્ટ પશુ સુધારણના ઉપકેન્દ્રના ચંદ્રકાંતભાઇ પટેલનું કહેવું છે કે, સેસ્ક્સડ સીમેન ડોઝ મુકવાથી ગાય કે ભેંસમાં ફક્ત માદાનો જ જન્મ થાય છે. જેનાથી નિભાવ ખર્ચ પણ ઘટે છે. વાછરડી કે પાડી જન્મથી રખડતા પશુઓ, આખલાઓ ઉપર પણ અંકુંશ આવશે. પશુપાલકોમાં જાગૃતિ આવતા ધીમે ધીમે તેઓ પોતાના પશુઓને સેસ્ક્સડ સીમેન ડોઝ મુકાવતા થયા છે. પશુપાલન ખાતાના પ્રચાર-પ્રસારના લીધે પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે અને તેનો સીધો ફાયદો પશુપાલકોને થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે