ગાંધીનગરમાં કામથી જવાના હોય તો સાવચજો, સરકારી ઓફિસના સમયમાં થયો છે ફેરફાર
Vibrant Gujarat Global Summit 2024 : વાઈબ્રન્ટના કારણે સચિવાલયના સમયમાં કરાયો ફેરફાર... બુધવારે વાઈબ્રન્ટના કારણે સરકારી કચેરી મોડી શરૂ થશે...સવારે 10.30ના બદલે 12 કલાકે થશે શરૂ... આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં RTO 5 દિવસ માટે બંધ રહેશે... ગ-રોડ પણ જાહેર કરાયો પ્રતિબંધ
Trending Photos
Gandhinagar News : વાયબ્રન્ટના કારણે સચિવાલયના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. બુધવારે સચિવાલયના સમયમાં ફેરફાર રહેશે. તો ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. વાઈબ્રન્ટના કારણે સરકારી કચેરી મોડી શરૂ થશે. સરકારી કચેરી સવારે 10:30ના બદલે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વાઈબ્રન્ટના કારણે પહેલીવાર સચિવાલયના સમયમાં ફેરફાર કરાયો છે.
આ અંગેના પરિપત્રમાં જણાવાયું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - ૨૦૨૪નો શુભારંભ વડાપ્રધાનના હસ્તે તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ થનાર છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ્સ, હેડ્સ ઓફ ગવર્મેન્ટ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેનાર છે. આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની ચહલ - પહલ રહેશે. આ પરિપેક્ષ્યમાં ઉક્ત જણાવેલ મહાનુભાવોને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તથા હેલીપેડ એકઝીબીશન ગ્રાઉન્ડ, સેક્ટર - ૧૭, ગાંધીનગર તરફ જવાના રસ્તામાં ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ પી. ઓની સલામતીને ધ્યાને લેતા તા.૧૦/૦૧/૨૦૨૪, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે ૧૦:૩૦ ના સ્થાને બપોરે ૧૨:૦૦ વાગ્યાનો રહેશે.
5 દિવસ ગાંધીનગર આરટીઓ બંધ રહેશે
તો ગાંધીનગરમાં જો આરટીઓનું કામ હોય તો ખાસ સાચવજો. કારણ કે, વાઈબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં RTO 5 દિવસ માટે બંધ રાખવામા આવનાર છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત હોઈ વીવીઆઈપી મહેમાનો આવવાના છે. તેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે RTO બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી 800 જેટલા વાહન ચાલકોની લીધેલી એપોઈમેન્ટ રિ-શિડ્યૂલ કરાશે. તેમજ ગ-રોડ પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.
વાઈબ્રન્ટ ગુજરાત માટે ગાંધીનગરમાં ધમધમાટ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8-10 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. 9મી જાન્યુઆરીએ, સવારે 9:30 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે બેઠક કરશે. બપોરે 3 વાગ્યે તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે