નવસારી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી : કર્મચારીઓ 5 કિલોનો હથોડો ટ્રેક પર ભૂલી ગયા, ટ્રેન આવતા જ ઉછળ્યો

Railway Update :  તેજસ સુપર ફાસ્ટ ટ્રેન આવી ચઢતા કર્મચારીઓ અંદાજે 5 કિલો વજનની લોખંડનો હથડો ટ્રેક નજીક જ ભૂલી ગયા હતા... અન્ય ટ્રેન આવતા જ હથોડો ઉછળ્યો અને એક કર્મચારીને વાગ્યો 
 

નવસારી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી : કર્મચારીઓ 5 કિલોનો હથોડો ટ્રેક પર ભૂલી ગયા, ટ્રેન આવતા જ ઉછળ્યો

Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારી રેલવે સ્ટેશને રેલ્વે કર્મીઓની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. ગત રોજ રેલ્વે ટ્રેકના સમારકામ વખતે તેજસ સુપર ફાસ્ટ ટ્રેન આવી ચઢતા કર્મચારીઓ અંદાજે 5 કિલો વજનની લોખંડનો હથડો ટ્રેક નજીક જ ભૂલી ગયા હતા. જેમાં ટ્રેનની ઝપેટમાં આવતા હથોડો ઉછળીને પ્લેટફોર્મ ઉપર ઉભેલા રેલવે કર્મીને જ છાતીના ભાગે વાગતા ગંભીર રીતે ઘવાયો હતો. જેને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

નવસારી રેલવે સ્ટેશન પાસે ગત રોજ સવારના સમયે રેલ્વે ટ્રકનું રૂટિન મેન્ટન્સ કામ ચાલી રહ્યું હતુ. દરમિયાન તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન આવવાની જાહેરાત થતા જ મેન્ટન્સ કરતા રેલ્વે કર્મચારીઓ ટ્રેક પરથી ખસી ગયા હતા અને ટ્રેન પ્લેટફોર્મ નં. 2 નજીકના ટ્રેક પરથી તેજ ગતિએ પસાર થઈ હતી. પરંતુ મેન્ટન્સ કરતા કર્મીઓ ટ્રેક નજીક જ અંદાજે 5 કિલો વજનનો લોખંડનો હથોડો ભૂલી ગયા હતા. 

કર્મચારીઓની બેદરકારીને કારણે ટ્રેક નજીક રહેલો લોખંડનો હથોડો ટ્રેનની ઝપેટમાં આવતા ઉંચે ઉછળ્યો હતો અને પ્લેટફોર્મ પર ઉભેલા રેલ્વે કર્મચારી 41 વર્ષીય કમલેશ સોનકરને છાતી અને હાથમાં જોરમાં વાગ્યો હતો. મોટો હથોડો વાગતા કમલેશ ત્યાં જ બેહોશ થઈ ઢળી પડ્યો હતો. જેથી તેની સાથેના અન્ય કર્મીઓ તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. 

આ ઘટનામાં કમલેશના છાતીની ડાબી તરફની પાંસળી તૂટી ગઈ હોવાનું નિદાન થયુ હતું. જેથી તેને વધુ સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે વલસાડ રેલવે પોલીસ મથકે હથોડો ઉછળીને રેલવે કર્મીને વાગ્યાની નોંધ કરવામાં આવી છે. જેને લઇને રેલ્વે પોલીસે તપાસ આરંભી છે. આમ, નવસારી રેલવે સ્ટેશન પર કર્મચારીઓની મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે. જો આ હથોડા પરથી ટ્રેન પસાર થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news