ભૂપેન્દ્ર ચૂડાસમાએ હાઈકોર્ટની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો, આજે કોર્ટમાં માફી માંગી
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે થયેલી ઇલેક્શન પિટીશન મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે હાઇકોર્ટમાં હાજર થયા હતા. પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે આજે દલીલ થઈ હતી, અને કોર્ટના આદેશને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂડસમા કોર્ટમાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર ચૂડાસમાએ હાઈકોર્ટની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેની માફી તેમણે કોર્ટમાં માંગી હતી.
કોર્ટના આદેશને પગલે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા હાઇકોર્ટમાં જુબાની આપવા હાજર થયા હતા. હાઇકોર્ટે જુબાની માટે ભૂપેન્દ્ર ચુડાસમા સામે સમન્સ ઈશ્યુ કર્યું હતું. પોતે ગુજરાતીમાં જવાબ આપીશ તેવી ચુડાસમાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. ચૂડાસમાએ કોર્ટમાં કહ્યું હતું કે, સોગંધનમાનું મારા આસિસ્ટન્ટે તૈયાર કર્યું હતું. કોર્ટમાં માફી માંગીને તેમણે કહ્યું હતું કે, કાયદામંત્રી હોઉં તો પણ કોર્ટ અને કાયદાની મર્યાદા મારે જાળવવી જોઈએ.
શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે