Gujarat Elections 2022 : ચૂંટણી પહેલા રૂપિયા વહેંચાયા, videoમાં આપના કાર્યકરે મત માટે રૂપિયાની લ્હાણી કરી

Gujarat Elections 2022 : મત માંગવા માટે પાર્ટીનો છેલ્લો હથકંડો એટલે રૂપિયાની વહેંચણી... ભાવનગરથી સામે આવ્યો વીડિયો

Gujarat Elections 2022 : ચૂંટણી પહેલા રૂપિયા વહેંચાયા, videoમાં આપના કાર્યકરે મત માટે રૂપિયાની લ્હાણી કરી

Gujarat Elections 2022 નવનીત દલવાડી/ભાવનગર : ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે છેલ્લો રસ્તો એટલે રૂપિયાની વહેંચણી. મતદારોને દારૂની લાલચથી લઈને તમામ પ્રકારની વસ્તુઓની લાલચ અપાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિધાનસભાના આપના કાર્યકરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના મત પૈસા આપી ખરીદી થતી હોવાનું ખૂલ્યું છે. આ વીડિયો મત માટે રૂપિયા અપાતા હોય તેવું સામે આવ્યું છે. 

બન્યુ એમ હતું કે, ભાવનગર પંથકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોઈ ચિંતન વાઘાણી નામનો કાર્યકર ગારિયાધાર વિધાનસભાના કોઈ ગામમાં બેસી લોકો સાથે વાતચીત કરી રહ્યો છે. આ ચર્ચામાં મત આપવાની વાત પણ થઈ રહી છે. જેમાં શખ્સ બોલી રહ્યો છે કે, ‘પૂરા મત પડશે તો પૂરી રકમ આપવામાં આવશે, નહિ તો જેટલા મત પડ્યા હશે તેની ગણતરી કરતા બાદ રકમ આપશે. આ વીડિયો પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે મતદારોને મનાવવા રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે. 

જોકે, આ વીડિયો ક્યારનો કે ક્યાં ગામનો છે એની જાણકારી નથી મળી. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોની ઝી 24 કલાક કોઈ પુષ્ટિ નથી કરતું. જોકે, આ વીડિયો અનેક સવાલો પેદા કરે છે, કે શું આપ પાર્ટી મત મેળવવા માટે આ પેંતરા અપનાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ઉમેદવારો રૂપિયા આપવાના પેંતરા અપનાવે છે. ગામડાઓમાં મતદારોને રૂપિયા આપી રીઝવવાનો પ્રયાસ કરાય છે. 

આ વિશે ભાવનગર ભાજપ શહેરના પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ભાજપ આ રીતે ક્યારેય રૂપિયાની વહેંચણી કરતુ નથી. અમને લોકોનુ સમર્થન મળ્યું છે. આવો વીડિયો મારા ધ્યાને આવ્યો નથી, પંરતુ આ વીડિયો અમારા કાર્યકર્તાનો છે. આપને લોકોને મત ખરીદવા છે તેથી તેઓ આવું કરે છે. 

ભાવનગર જીલ્લાની 7 બેઠકો પર 66 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગમાં આવતીકાલે મતદાન યોજાનાર છે. ભાવનગર જિલ્લાના 1868 મતદાન મથકો પર કુલ 18,31,892 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે, ત્યારે આજે મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કુલ 1868 મતદાન મથકો માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગર પૂર્વ-પશ્ચિમ અને ગ્રામ્ય માટે ભાવનગર શહેરમાં અલગ અલગ ત્રણ મથકો પર જયારે અન્ય ચાર વિધાનસભામાં તેના મુખ્ય સ્થળેથી ઈવીએમ અને સાહિત્યની ફાળવણી કરવામાં આવી હતી. આ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન 8858 ચુંટણી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ 5000 થી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ સહિતનો કુલ 17,136 લોકો પોતાની ફરજ નિભાવશે. ત્યારે આજે તમામ સાતેય મથકો પર જે તે મતદાન મથકના જવાબદાર અધિકારીઓ પોતાનું ઈવીએમ અને જરૂરી સાહિત્ય લેવા આવી પહોચ્યા હતા. જ્યાં તેને જરૂરી માર્ગદર્શન પર આપવામાં આવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત સાથે જે તે મતદાન મથક પર રવાના કરવામાં આવ્યા હતા. આ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાસ જિલ્લામાં 1868 પૈકી 400 જેટલા બુથ સંવેદનશીલ છે, જેના પર ખાસ આર્મ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news