મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા

Rescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત

મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા

Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પૂરમાં ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતા અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જેને તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ખાનગી બસમાં ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા. આ બસના શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોળિયાકથી ૧ કિમિ દૂર આવેલા માલેશ્રી નદીના કોઝવે કે જેમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તેમ છતાં બસ ચાલકે તેમાંથી બસ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જેથી બસ કોઝવે પર થોડું અંતર કાપી બંધ પડી ગઈ હતી અને પાણીનો પ્રવાહ વધતા બસ ધસડાઈને અડધી કોઝવે પર અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી. 

આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા અને તંત્રને જાણ કરતા કલેક્ટર, કમિશનર, ધારાસભ્ય સહિતના લોકો અને રેસ્ક્યુની ટીમ ત્યાં દોડી ગઈ હતી. તંત્ર દ્વારા પ્રથમ એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉતારવામાં આવ્યો હતો, જે બસના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં તો સફળ રહ્યું. પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી ઉતરી જતા તમામ મુસાફરો બસ બાદ ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા. જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા એનડીઆરએફની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 

પાણીના ભારે પ્રવાહમાં એનડીઆરએફ ની ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. ઘટનાના 8 કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતા કોઝવેની બીજી સાઈડ અંતર ઓછું હોય સ્થાનિક પોલીસ સ્ટાફ અને રેસ્ક્યુ ટીમના લોકો દ્વારા ૪ જેટલા શ્રદ્ધાળુઓને બીજી સાઈડથી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા 25 મળી કુલ 29 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ સમયે 108 એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમને હાજર રાખી તમામ શ્રદ્ધાળુઓની આરોગ્ય ચકાસણી ત્યાં જ કરવામાં આવી હતી. 

તમામ શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય હોય તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આવતીકાલે શ્રદ્ધાળુઓના પરિજનો સાથે વાત થયા બાદ તમામને પરત મોકલવા અંગેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી તમામ લોકોને સલામત બહાર કાઢવામાં તમામ જરૂરી ઉપાયો સાથે માર્ગદર્શક બન્યા હતા. અંતે 8 કલાક એટલે કે રાત્રીના 3 કલાકે તમામ ફસાયેલા શ્રધ્ધાળુઓને સલામત બહાર કાઢવામાં સફળતા મળતા તંત્રએ રાહત અનુભવી હતી,

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news