ભાવનગરમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોકેટકોપ એપની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી

જમુનાકુંડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભાવનગરના ઘોઘરોડ પોલીસે જમુનાકુંડ વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે. 
ભાવનગરમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોકેટકોપ એપની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી

નવનીત દલવાડી/ભાવનગર :જમુનાકુંડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભાવનગરના ઘોઘરોડ પોલીસે જમુનાકુંડ વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે. 

મકાન માલિક ધાર્મિક કામે બહારગામ હતા

શહેરના શિશુવિહાર નજીક જમુનાકુંડ વિસ્તારમાં પ્લોટ નં.૨૬૦૮ માં રહેતા સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણી ધાર્મિક કામ અર્થે બહારગામ ગયા, તે દરમ્યાન કોઈ ઈસમો તેના બંધ રહેણાંકના મકાનમાં પાછળના ભાગેથી ગ્રિલના સહારે ઉપર ચડી અગાસીનો દરવાજો તોડી અંદર ઘૂસ્યા હતા. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી કરી નાસી છૂટયા હતા. બંધ મકાનમાં ચોરી થયા ની જાણ થતા એ.એસ.પી સફિન હસન સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરોને જાણે કે પોલીસ કે કાયદાની કોઈ બીક ના રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મકાન માલિક બહારગામ ગયા હોય તેવા મકાનોને તસ્કરો પોતાનું નિશાન બનાવી રહ્યા છે. શિશુવિહાર વિસ્તારના જમનાકુંડ નજીકના એક મકાન ને પણ તસ્કરોએ આ જ રીતે નિશાન બનાવી લાખોની ચોરી ને અંજામ આપ્યો હતો.

ઘરફોડ ચોરી થતાં શકમંદોને પોલીસે પકડ્યા

શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થતા પોલીસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી ચોરી કરતા શકમંદોની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી જેમાં શકમંદ પ્રભુદાસ અને અહેમદ અલ્તાફભાઇ સેતાની પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. જેમાં અન્ય ત્રણ ઇસમોના નામો ખુલ્યા હતા.  

ગુનાહિત ઇતિહાસ ધરાવતા પકડાયેલ આરોપીઓ

  •  પ્રભુદાસ તળાવ, જનતાનગર મફતનગર માં રહેતો ૩૧ વર્ષીય અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ અગાઉ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જુગારના ગુનામાં ઝડપાઈ ગયો હતો.
  • દાંતીયા વાળી શેરી, દિવાનપરા વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષીય અહેમદ અલ્તાફભાઇ સેતા પણ અગાઉ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો.
  • મૂળ ભાવનગરના જનતાનગર મફતનગરનો અને હાલ સુરત રહેતો ૩૦ વર્ષીય મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ઘરોફોડ ચોરી તથા ઘોઘારોડ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
  • જનતાનગર મફતનગર વિસ્તારનો ૨૧ વર્ષીય મંહમદજુબેર જાહીદભાઇ શેખ અગાઉ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં લુંટ તથા ખુનની કોશીષના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
  • કુંભારવાડા ગુ.હા.બોર્ડ કર્વાટર માં રહેતો આફતાબ મહમહહનીફભાઇ સેતા પણ અગાઉ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાય ગયો હતો.

પોકેટકોપ એપની પણ મદદથી સફળતા મળી

ચોરી ડિટેકટ કરવા માટે પોકેટકોપ ખુબ જ ઉપયોગી સાબિત થઇ હતી. પોકેટકોપ એપ દ્વારા વ્યકિત સર્ચ વિકલ્પથી એપ. ના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પથી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણતરીના મિનિટમાં મળી જવા પામી હતી. જેના કારણે ગુનો ઉકેલવામાં ઝડપથી સફળતા મળી. 

નેત્ર તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ 

ચોરીના ગુનાના કામે પોલીસે ભાવનગર શહેરમાં લગાવવામાં આવેલ નેત્રમ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ મહત્વનો સાબિત થયો. મહત્વની જગ્યાએ તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર CCTV કેમેરાઓ તેમજ ANPR કેમેરાઓની મદદથી ગુનેગારોએ ઉપયોગમાં લીધેલ રૂટ તેમજ જરૂરી મહત્વની માહિતી મળી હતી. 
તેમજ આ ગુનામાં LCB શાખા ના ટેકનીકલ સોર્સની મદદ પણ લેવામાં આવી હતી 

ઘોઘરોડ પોલીસના જાંબાઝ પોલીસ જવાનો

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આઇ.સોલંકી તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ, ભરતભાઇ, વિશ્વદિપસિંહ, પોલિસ, કોન્સ. જયદિપસિંહ, દશરથસિંહ, ફારૂકભાઇ, હરપાલસિંહ, અનીલભાઇ સોલંકી, નિલેશભાઇ, જયદિપસિંહ, રાજેન્દ્રભાઇ, નરેન્દ્રસિંહ, અજયસિંહ ચંદ્રસિંહ, કેવલ સાંગા, રાજેશભાઇ, કિશોરભાઇ એ અલગ-અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news