ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, અને ભાવનગરમાં ચાતુર્માસ કાર્યક્રમમા ઉમટ્યા હજારો લોકો

ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, અને ભાવનગરમાં ચાતુર્માસ કાર્યક્રમમા ઉમટ્યા હજારો લોકો
  • ભાવનગરમાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોની ભીડ જોવા મળી
  • મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મૂક્યા

નવનીત દલવાડી ભાવનગર :ભાવનગર શહેરના દાદાસાહેબ દેરાસર ખાતે આચાર્ય વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ પસંગે જૈન સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો, દાદાસાહેબ દેરાસરના બાજુમાં આવેલ ખુલ્લા ડોમમાં ધાર્મિક ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 1000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. એકઠા થયેલા લોકોમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થઇ બાજુ બાજુમાં બેઠેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા.

લોકોએ સરકારી ગાઈડલાઈન નેવે મૂકી

એક તરફ સરકાર દ્વારા મેળાવડા અને સામાજિક પ્રસંગોમાં સીમિત સંખ્યામાં લોકો સાથે કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના હજુ આપની વચ્ચેથી ગયો નથી, અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ધાર્મિક પ્રસંગોમાં માત્ર 100 લોકો સાથે આયોજન કરવા સરકાર દ્વારા મંજૂરી મળી છે. જ્યારે ભાવનગરમાં યોજાયેલા ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોની ભીડ જોવા મળી હતી. જ્યાં મોટાભાગના લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.

ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે એકઠા થયા હતા લોકો

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસંઘ દ્વારા કાળાનાળા પાસે આવેલા દાદાસાહેબ જૈન દેરાસર ખાતે પૂજ્ય તત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય ભગવંત વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા સાથે ચાતુર્માસ પ્રવેશ કરવાના હોય તે પ્રસંગે ધાર્મિક ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી.

એકઠા થયેલા લોકોએ નિયમોનો ભંગ કર્યો

મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મૂક્યા હતા. એક બાજુ સરકાર લોકોને કોરોના સંક્રમણથી બચવા મોટી મોટી જાહેરાતો કરે છે, ત્યારે અહીં સરકારની ગાઈડલાઇન ભંગ થઈ રહી છે ત્યારે આખરે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news