એકબાજુ પસાલાલ, ને બીજી બાજુ 25 કરોડ ક્ષત્રિયો છે, તોય ત્રાજવું એ બાજુ નમાવો છે, શરમ આવવી જોઈએ
Rupala Controversy : ક્ષત્રિય સમાજનો ધર્મરથ પાલનપુર પહોંચ્યો હતો, જ્યાં શ્રી રાજપુત કરણીસેના અને ક્ષત્રિયો દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું
Trending Photos
Gujarat Politics અલકેશ રાવ/બનાસકાંઠા : ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ ગઈકાલે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામા આવ્યું હતું . જે દાંતા, વડગામ થઈને મોડી સાંજે પાલનપુર પહોંચ્યો હતો અને પાલનપુરના ગણેશપુરા ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા રાત્રિ સભાને સંબોધવામાં આવી હતી. જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આપીલ કરી હતી.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પસરોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી. પરંતું તેમની ટિકિટ રદ ન થતા ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ વિવિધ શક્તિપીઠોથી કાઢવામાં આવ્યા છે. જેને લઈને બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવી હતી. અને અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જે ધર્મરથ ભાજપ વિરોધ મતદાન કરવાનો પ્રચાર કરતો કરતો દાંતા અને વડગામ થઈને પાલનપુર પહોંચ્યો હતો. જ્યાં રસ્તામાં વિવિધ જગ્યાએ આ ધર્મ રથનું શ્રી રાજપુત કરણીસેના અને ક્ષત્રિયો દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જોકે આ ધર્મરથ મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરી પાલનપુરના ગણેશપુરામાં રાત્રી સભાનું આયોજન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારે અમને રાત્રે 9.30 વાગ્યે બોલાવ્યા હતા. પણ અમે રાત્રે અમે અઢી વાગ્યે પહોંચ્યા આખી સરકાર અમારી રાહ જોઇને બેસી રહી, અમે એમને કીધું કે તમે અમને આખું સ્વર્ગ આપો તો ય અમારે લેવાનું થતું નથી. અમને તો ખાલી પસાકાકા આપો. રાજકોટમાં એમનું નામ પરસોત્તમ છે. પણ પરસોતમ તો ભગવાન રામનું નામ છે. મર્યાદા પરસોત્તમ આવી ભૂલ ન કરે એને તો પસાકાકા કહેવું પડે. એમને શું શું ધંધા કર્યા છે એ અમને બધી ખબર છે. છતાં એકપણ ક્ષત્રિય સમાજનો આગેવાન તેમના વિરુદ્ધ નથી બોલ્યો. આ ચૂંટણી ચાલુ થાય એટલે જુઓ પસાલાલનું શું શું આવે .છે આપણે નથી લાવવાના પણ જેને લાવવાનું છે એતો લાવશે ને. એટલે જ અમે ભુપેન્દ્ર પટેલ અને પાટીલને કહ્યું કે એકબાજુ પસાલાલ છે અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો છે. તોય તમે ત્રાજવું એ બાજુ નમાવો છો, તો તમને શરમ આવવી જોઈએ. અમારા અલ્ટીમેટમ બાદ પણ કઈ ન થયું એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા અમે ગુજરાતમાં 10 ધર્મ રથ નીકળ્યા છે.
જોકે આજે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મળીને ભાજપની સાથે હોવાની વાત ઉપર કરણસિંહએ કહ્યું કે, ભાજપની વિચારધારા સાથે જોડાયેલો ક્ષત્રિય ભાજપ સાથે જાય એ સ્વભાવિક છે. પણ 28 એપ્રિલે બારડોલી ખાતે સાંજે 4 વાગ્યે દક્ષિણ ગુજરાતની 21 ક્ષત્રિય સામાજિક સંસ્થાઓનું મહા સંમેલન રાખ્યું છે. એટલે ક્ષત્રિયો અત્યારે એમની સાથે છે એ મુદ્દો જ ઉડી જશે. પાટીલ સાહેબ પણ જોઈ લેશે કે 25 હજાર ક્ષત્રિયો આવ્યા એટલે કોઈ બોલાવે અને ક્ષત્રિયો જાય એ એમનો વિષય છે. અમારી સંકલન સમિતિ, કોર સમિતિ અને સામાજિક સંસ્થાઓનો એક પણ આગેવાન જાય નહીં અત્યારે હર્ષભાઈ સંઘવી અત્યારે ફરી રહ્યા છે. અમારો કોઈ આગેવાન ગયો નથી અને જશે પણ નહીં. અમે સંમેલન કર્યું અને 7 લાખ ક્ષત્રિય સમાજનું સંમેલન કર્યું. પણ ભાજપે રૂપાલાની ટિકિટ ન કાપી. એક બાજુ એકલા રૂપાલા અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો તો પણ ભાજપે જીદ ન છોડી. અમે 1980 થી 80 ટકા સમાજ ભાજપના વોટર છીએ પણ ભાજપે અમારી વાત ન માની, એટલે અમારે આંદોલન કરવું પડ્યું. અમે તેમના વિરોધમાં મતદાન થાય એ માટે વિરોધ કરીશું. ભાજપની સભા હોય સંમેલન હોય કાર્યાલનું ઉદ્ઘાટન હોય અમે શાંતિથી વિરોધ કરીશું જ અમારી સાથે તમામ સમાજ છે.
ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધર્મરથની સાથે નીકળી છે અને આક્રોશ વ્યક્ત કરી રહી છે. મહિલા ક્ષત્રિય આગેવાનોએ પણ રૂપાલા સામે રોષ પ્રગટ કર્યો હતો અને કહ્યું હતું કે પરસોતમ રૂપાલાએ ફક્ત ક્ષત્રિય સમાજની મહિલાનું નહિ પણ તમામ સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે એના કારણે અમારે આંદોલન કરવું પડ્યું અને ક્ષત્રણીયો ઘરની બહાર કદી નથી નીકળી તો આજે અમારે ઘરની બહાર નીકળવું પડ્યું છે.અમે હવે ભાજપ સરકારને બતાવી દઈશું..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે