“તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા

આરોપીઓએ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઈમબ્રાંચના નામે ભટારના વેપારી દક્ષેશ પારેખ પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા.

 “તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા

પ્રશાંત ઢીવરે/સુરત: “તમે મુંબઈથી તાઈવાન પાર્સલ મોકલ્યુ છે તેમાં એમડી ડ્રગ્સ છે તથા ચાર જેટલા ક્રેડિટ કાર્ડ અને ચાર કિલો કપડા છે.” તેમ કહીને સુરતના કાપડના વેપારી દક્ષેસ પારેખને કલાકો સુધી સાયબર એરેસ્ટ કરીને 23.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં સાયબર ક્રાઈમ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તેમાં બનાવટી સીબીઆઈ અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈના અધિકારી બતાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાં બેંકમાં ફ્રોડ નામે એકાઉન્ટ ખોલાવનાર તથા નાણા ઉંચકનારા ચાર આરોપીઓ પકડાયા છે. 

આરોપીઓએ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઈમબ્રાંચના નામે ભટારના વેપારી દક્ષેશ પારેખ પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરીયર પેકિંગનું કામ કરતા 24 વર્ષીય નેવિલ મહેશ હેડાઉ, હીરા મજૂરી કરતા 23 વર્ષીય મહેશ પ્રવિણ સંધ્યા, 21 વર્ષીય ધ્રુવ પરસોતમ વેકરીયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે. 

આરોપી નેવીલ હેડાઉએ લોન લેવા માટે સગા માસાના નામનું બેંક ખાતું ખોલાવ્યું હતું. પછી તે બેંક ખાતુ 10 હજારમાં મહેશ સંધ્યાને વેચી દીધું હતું. મહેશે આ ખાતુ આગળ ધ્રુવ વેકરીયાને આપી 65 હજાર લીધા હતા. જયારે ધ્રુવ પાર્થનો સાગરિત છે અને તેને 0.25 ટકા કમિશન બેંક ખાતા પર મળતા હતા. બિલ્ડર પાર્થ જોધાણીને 1 ટકો કમિશન મળતું હતું જેથી તે આગળ સુરતમાં એક શખ્સને બેંક ખાતું આપી દેતો હતો. ટોળકીએ વેપારી દક્ષેશ પારેખને મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ફોન કરી વેપારીનું પાર્સલ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા સીઝ કરાયું છે. જેમાં 200 ગ્રામ એમડી હોવાનું કહી 23.30 લાખ રૂપિયા પડાવ્યા હતા. 

હાલમાં આ સ્કેમ સ્કાય પે મારફત થયું છે ત્યારે બનાવટી ક્રાઈમ બ્રાન્ચ ઈન્સપેકટર અને સીબીઆઈના ડેપ્યુટી કમિશનરને શોધવા માટે સાયબર ક્રાઈમે પોલીસની ટીમ દોડતી કરી હોવાની વિગત જાણવા મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news