'કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' અંતર્ગત બાબુ બોખિરિયાની ધરપકડ કરવા મોઢવાડિયાની માગ

ગુજરાતના પુર્વ સહકાર મંત્રી બાબુ બોખીરીયાએ પોરબંદર દૂધ ઉત્પાદક કંપનીને રૂ.48 કરોડનું નુકસાન કરાવ્યું હોવાના આરોપ સાથે સમગ્ર કૌભાંડમાં તેમના પરિવારની સંડોવણી હોવાનો પણ મોઢવાડિયાનો આક્ષેપ 

'કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' અંતર્ગત બાબુ બોખિરિયાની ધરપકડ કરવા મોઢવાડિયાની માગ

ગૌરવ પટેલ/અમદાવાદઃ અમુલના ખાનગીકરણની કામધેનુ પેટર્નનું ત્રીજું ચેપ્ટર ખોલતાં અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું છે કે, બાબુ બોખીરીયા જ્યારે રાજ્યના સહકાર મંત્રી હતા ત્યારે તમણે પોતાનાં પુત્રો, પરિવાર અને ભાગીદારો માટે પોરબંદર જિલ્લા દુધ ઉત્પાદક સંઘના ખર્ચે અને જોખમે કામધેનુ કંપની ઉભી કરી હતી, જેના કારણે પોરબંદર દુધ સંધને 48 કરોડનું નુકસાન થયું છે.  

તેમણે વધુમાં જણાવ્યું કે, કામધેનુ કંપનીના કાયદેસરના માલિક દિલિપ ઓડદરા અને વિનોદ સોની છે, પરંતુ તેના પડદા પાછળના માલિક બાબુ બોખીરીયાના પુત્ર આકાશ રાજશાખા અને પૃથ્વી રાજશાખા છે. 

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, કામધેનુ ઉભી કરવા માટે કંપની પાસે કોઇ મુડી ન હતી. એ સમયે આ બંને પુત્રોની માલિકીની રાજશાખા હોટલ કંપનીની 30 હજાર ચોરસ મીટર જમીન અને પોરબંદરના 4232 ચોરસ મીટરના કુલ 29 પ્લોટ બેંકમાં ગીરવી મકવામાં આવ્યા હતા. સાથે જ પોરબંદર સંઘ પણ કામધેનુ કંપનીને લોન આપવા માટે બેન્કમાં ગેરન્ટર બન્યું હતું. આટલા પુરાવા આવ્યા બાદ તેમને બેન્કમાંથી લોન મળી હતી. 

મોઢવાડીયાએ આક્ષેપ કર્યો કે, જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોંખડે સંઘમાં ડાયરેક્ટર હોવા છતાં મૌન રહ્યા હતા. પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના કૌભાંડ અંગે મૌન રહેવા બદલ મનોજ લોખંડેને ત્રણ જિલ્લાના રજીસ્ટ્રાર તથા ત્રણ અન્ય જગ્યાઓ મળીને કુલ 6 જગ્યાનો વધારાના ચાર્જનો શીરપાવ મળ્યો. આથી મોઢવાડિયાએ આ કૌભાડમાં પોરબંદર જિલ્લા રજીસ્ટ્રાર સામે પણ પગલાં લેવા માગ કરી છે. 

આ સમગ્ર કૌભાડમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદ હોવાનો આક્ષેપ પણ મોઢવાડીયાએ કર્યો છે. તેમણે માગણી કરી છે કે, દસ દિવસમાં તેમના પત્રને અનુલક્ષીને પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ, બાબુ બોખીરીયા અને જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડે સામે કાવતરૂં રચવાનો અને ઉચાપતનો કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવે. 

આ સાથે જ અર્જુન મોઢવાડીયા મુખ્યમંત્રીને પત્ર લખી બાબુ બોખીરીયાના રાજીનામની પણ માગ કરશે. કેમકે, કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટરેસ્ટ અંતર્ગત તેમને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news