ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, હવે આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હવે ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. આ અંગેની વિગત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ આપી છે. 
 

ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, હવે આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

અતુલ તિવારી, અમદાવાદઃ વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઇન ડિગ્રી કોર્ષ શરૂ કરાશે. 10 પીજી અને 3 યુજીના અભ્યાસક્રમમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે.

આ અભ્યાસક્રમમાં મળશે ઓનલાઇન ડિગ્રી
યુજીનાં કોર્ષમાં બી.સી.એ, બી.એ. અને બી.કોમ. જેવા અભ્યાસ માટે ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે. પીજીનાં કોર્ષમાં ફોરેન્સિક, સાઇબર સિક્યોરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઇન ડિગ્રી આપવામાં આવશે.

ઓનલાઇન ડિગ્રી આપતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે ગુજરાત યુનિવર્સિટી
સમગ્ર વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બનશે જે ઓનલાઇન ડિગ્રી આપતા કોર્ષ શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ 100 સંસ્થામાં સ્થાન ધરાવતી દેશની સંસ્થાઓ ઓનલાઇન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરી શકે છે. ઓનલાઇન ડિગ્રીના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ જોડાશે, એમણે ક્યારેય ફિઝિકલ હાજરી આપવાની જરૂર નહીં પડે.

વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન, અભ્યાસ, પરીક્ષા ઓનલાઇન જ આપવાની રહેશે તેમજ ડિગ્રી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓનલાઇન ડિગ્રી માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ માટેની તમામ ગાઈડલાઈન જાહેર કરાશે.

ગુજરાત યુનિવર્સિટી દેશની 100 ટોચની સંસ્થામાં સ્થાન ધરાવે છે, જેના કારણે આ પ્રકારનો ઓનલાઇન ડિગ્રી કોર્ષ શરૂ કરવાની પરવાનગી મળી છે. વિદ્યાર્થી કોઇપણ સ્થળેથી અભ્યાસ સાથે જોડાઈ ડીગ્રી મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ જુદા જુદા અભ્યાસનો લાભ લઈ ઓનલાઇન ડીગ્રી મેળવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news