અમરાઈવાડી દુર્ઘટનાઃ આશાબેને નિભાવેલો પડોશીધર્મ જાણી તમે પણ કરશો સલામ

અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા રાહત-બચાવની કામગીરી પૂરજોશમાં ચાલુ છે, હજુ પણ કાટમાળ નીચે 3 વ્યક્તિ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બે મહિલાનાં મોત નિપજ્યાં છે અને 5 વ્યક્તિ ઘાયલ થયા છે, જેમની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 

અમરાઈવાડી દુર્ઘટનાઃ આશાબેને નિભાવેલો પડોશીધર્મ જાણી તમે પણ કરશો સલામ

અમદાવાદઃ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 2 મહિલાનાં મોત થયાં છે. કાટમાળ નીચે દટાયેલામાંથી 5 લોકોને બહાર કાઢીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે. 

અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં ધરાશાયી થયેલી આ મકાન 100 વર્ષ જુનું હતું. આ મકાનની ત્રણ દિવાલો કકડભૂસ થઈને તુટી પડી હતી. ત્રણ માળના મકાનામાં સુરી પરિવારના 12 સભ્યો રહેતા હતા. આ ઉપરાંત એક પરપ્રાંતિય પરિવાર પણ આ મકાનમાં ભાડે રહેતો હતો. કુલ 12 સભ્યોમાંથી બે સદસ્ય બહાર ગયા હતા, જ્યારે બાકીના 10 વ્યક્તિ આ ઘરમાં હાજર હતા.

મકાન તુટી પડ્યું ત્યારે 10 વ્યક્તિ કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જેમાંથી 7 વ્યક્તિને બહાર કઢાયા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન બહાર કાઢવામાં આવેલા 7 વ્યક્તિમાંથી બે મહિલાના મૃતદેહ હતા અને 5 વ્યક્તિ જીવીત હતા, જેમને નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આશાબેને નિભાવ્યો પડોશીધર્મ
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ આ મકાનની એક દિવાલ તુટી પડી હતી. મકાનની એક દિવાલ તુટી પડતી જોઈને સામે રહેતા પડોશી આશાબેન તુરંત જ પોતાના ઘરમાંથી દોડ્યા હતા અને આ ઘરમાં રહેતા લોકોને બહાર દોડી જવા માટે તેમણે બૂમ પાડી હતી. આ સાથે જ તેમણે ઘરમાં રહેલા વૃદ્ધાને બચાવવા માટે તેમનો હાથ પકડીને બહાર લાવતા હતા. એ દરમિયાન જ મકાનની બીજી બે દિવાલો તુટી પડતાં પડોશી આશાબેન અને વૃદ્ધા તેના નીચે દટાઈ ગયા હતા. 

કમનસીબે આશાબેન અને વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ફાયરવિભાગે જ્યારે આવીને રાહત-બચાવની કામગિરી આરંભી ત્યારે તેમને આ બે મહિલના મૃતદેહ હાથ લાગ્યા હતા. આશાબેનનો પડોશી ધર્મ જોઈને સ્થાનિક લોકોની આંખમાં આંસુ આવી ગયા છે અને હરકોઈ તેમને સલામ મારી રહ્યા છે. 

હજુ પણ 3 લોકો દટાયેલા છે
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાટળમાળમાં હજુ પણ સુરી પરિવારના 3 વ્યક્તિ દટાયેલા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, મકાન માલિક પિતા અને પુત્ર હજુ પણ કાટમાળમાં દટાયેલા છે. તેઓ જ્યારે બહાર દોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે જ તેમના પર મકાન તુટી પડ્યું હતું અને તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં જર્જરિત મકાન અને પાણીની ટાંકીઓ તુટી પડવાની અનેક ઘટનાઓ જોવા મળી છે. તેમ છતાં તંત્ર દ્વારા આગોતરી કામગીરી કરવામાં ન આવતી હોવા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ નગરપાલિકામાં અનેક જૂના અને જર્જરિત મકાનો આવેલા છે ત્યારે કોર્પોરેશન માત્ર નોટિસ આપીને રાહત અનુભવતું હોય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news