વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ શાહની જાહેરાત; આગામી ત્રણ મહિનામાં જાહેર થશે રાહત પેકેજ

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ અમિત શાહની જાહેરાત; આગામી ત્રણ મહિનામાં શુ કરી શકીએ એ અંગે નિર્ણય લઈશું અને મદદ માટે જરૂરી પેકેજ જાહેર થશે

વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ શાહની જાહેરાત; આગામી ત્રણ મહિનામાં જાહેર થશે રાહત પેકેજ

ઝી બ્યુરો/જખૌ: કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની સ્થિતિનું નિરીક્ષણ કરવા આજે કચ્છની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ માંડવી તાલુકાના કાથડ ગામના અસરગ્રસ્ત ખેડૂતોને સાથે વાતચીત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો તેમણે માંડવીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ સગર્ભા માતાઓ તેમ જ વરિષ્ઠ વડિલોના ખબરઅંતર પૂછ્યા હતા. જખૌના આશ્રયસ્થાનની પણ મુલાકાત લીધી હતી તેમ જ ભૂજ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

શાહે કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે મળીને આ વાવાઝોડા સામે બધી જ એજન્સીઓએ લીધેલા પગલાંઓનું ઝિરો કેઝ્યુઆલિટી સાથેના ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક સફળ મોડેલ તરીકે ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા સૂચવ્યું હતું. કચ્છમાં અસરગ્રસ્ત ખેડૂતોના બાગાયતી પાકો અને વૃક્ષોને થયેલા નુકસાનમાંથી બેઠા કરવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા માટે પણ પ્રેરક સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રીની આ સમગ્ર મુલાકાતમાં સાથે રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છની સમગ્રતયા પરિસ્થિતિની સમીક્ષા કરી અને ઝીરો કેઝ્યુઆલ્ટી અભિગમ સાથે પૂર્વ તૈયારીઓ કરવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. તેમણે વાવાઝોડા પછીના સંજોગોમાં પુનર્વસન અને પુનઃસ્થાપન કામગીરીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. તેમણે અસરગ્રસ્ત લોકોને રોકડ રકમ/આર્થિક સહાય પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭૨ કલાકમાં સ્થિતિ પૂર્વવત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આવી વિનાશક કુદરતી આપત્તિ સામે ગુજરાતના લોકોએ કરેલા સામૂહિક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન અને તૈયારીઓથી માનવ અને પ્રાણીઓના જીવન અને સંપત્તિને ઓછામાં ઓછું નુકશાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી, સમયસૂચકતાને પરિણામે ઝીરો કેજ્યુલિટી સાથે વાવાઝોડાનો સામનો કરવામાં આપણે સફળ રહ્યા. સમગ્ર આપતિ વ્યવસ્થાપનની આ મુહિમ દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સરકારના સતત સંપર્કમાં રહી જરૂરી પગલાંઓ લેવામાં સહાયક બન્યું હતું.

શાહે ઉમેર્યું હતું કે આપત્તિની ચેતવણીને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર તંત્રને સચેત, ચુસ્ત દુરસ્ત કરી સ્વયં મોડી રાત સુધી મોનીટરીંગ કર્યું. પીએમ મોદીએ સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જરૂરી સૂચનો કર્યા અને આવશ્યક પગલાંઓ લેવા તાકીદ કરી. ગુજરાત સરકારે અગાઉથી આયોજન કર્યું હતું અને સંવેદનશીલ લોકો, માછીમારો, સોલ્ટ-પાન કામદારોને સલામત સ્થળોએ ખસેડ્યા હતા. IMDની ચેતવણીઓ મુજબ માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમનો સામાન, બોટ સલામત સ્થળોએ મૂકવામાં આવી હતી અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો સતર્ક રહ્યા હતા તથા સુરક્ષા માટે ટીમો તૈયાર કરી હતી.

અમિત શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓ, NDRFની 19 ટીમો, એરફોર્સ, આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમોએ પણ રાજ્ય સરકારને સક્રિયપણે સહકાર આપ્યો હતો.પુન: સ્થાપન પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને જનજીવન ખૂબ ઝડપથી રાબેતા મુજબ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે સમગ્ર દિવસ દરમ્યાન શાહે અસરગ્રસ્ત વિસ્તારોના એરિયલ નિરીક્ષણ સહિત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ એજન્સીઓ દ્વારા થઈ રહેલ પુનઃ સ્થાપન પ્રક્રિયાની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. શાહે તમામ પ્રાથમિક સુવિધાઓ ખૂબ ઝડપથી પૂર્વવત થાય તે માટે તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી.

અમિત શાહની પ્રેસ LIVE:

  • સીએમ અને મેં સાથે જખૌ જ્યાં બીપરજોય લેન્ડ થયું ત્યાંથી લઈને બે તાલુકાના લોકોની મુલાકાત કરી
  • સગર્ભા માતાઓ, ખેડૂતોને મળ્યા
  • બચાવકાર્યમાં લાગેલા SDRF અને NDRF ના જવાનોને મળ્યો
  • કચ્છમાં આવીને ધારાસભ્ય, સાંસદ, અધિકારીઓ સાથે હાઈબ્રીડ મોડમાં બેઠક કરી, રિવ્યુ લીધો
  • બીપરજોયના સમાચાર 6 તારીખે આવ્યા, ત્યારે અનેક આશંકાઓ તમામના મનમાં હતી
  • આજે સંતોષ સાથે કહું છુ કે પીએમ, સીએમ અને ગામડાના સરપંચ સાથે જનતાના સહયોગથી ઓછામાં ઓછું નુકસાન ભોગવવામાં સફળ થયા
  • ગુજરાતના સીએમ અને અધિકારીઓ સહિત ભારત સરકારના કેટલાક સચિવ અને મારા તેમજ સીએમને લેવલ પર સતત કોંફરન્સ અને સૂચનાઓનું આદાન પ્રદાન થતું રહ્યું
  • જનતા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી બહાર આવ્યા
  • 140 KMH પર સાયક્લોન લેન્ડ થયું, આજે રિવ્યુ બાદ પણ કોઈનો જીવ નથી ગયો એનો સંતોષ છે
  • મુખ્ય સચિવથી લઈને ગામડાના તમામ તહેસીલદારોને અભિનંદન કે તમામને બહાર કાઢવામાં આવ્યો
  • આ ટીમ વર્કનું ઉદાહરણ છે
  • તમામ રાજનૈતિક પક્ષ અને NGO દ્વારા સમયસર મળેલી સૂચના મુજબ કામ કરીને એક ઉદાહરણ સરકારે પૂરું પાડ્યું
  • સરકારે દરેક તહેસીલમાં જવાબદારી અધિકારીઓની નક્કી કરી
  • જેના પરિણામે જાનહાની નથી, માત્ર 47 લોકો ઇજાગ્રસ્ત છે, એમાં પણ ચિંતાજનક ઇજા ક્યાંય નથી
  • 234 પશુઓના મોત ચોપડે નોંધાયા
  • ગુજરાત સરકાર આ સફળતા બદલ અભિનંદનને આભારી છે
  • પુરા તંત્રને સચેત કરી, રાત્રે 1 વાગ્યા સુધી નજર રાખી
  • નાનામાં નાની વાતને ધ્યાને લઈ કામ કર્યું
  • મીડિયામાં આવ્યું કે લાઈટ ગુલ થઈ, પણ સ્પષ્ટતા કરું કે 50 કિમિ કરતા વધુ તેજ હવા ચાલે તો લાઈટ કાપવી
  • 3400 ગામમાં વીજ કાપ હતો, 1600 ગામમાં વીજળી રિસ્ટોર થઈ
  • 20 તારીખની સાંજે 6 વાગે બાકીના ગામમાં વીજળી રિસ્ટોર થશે એવો મને વિશ્વાસ આપવવામાં આવ્યો છે
  • 1206 સગર્ભા બહેનોનું ધ્યાન તંત્ર તરફથી રાખવામાં આવ્યું
  • 707 સફળ પ્રસુતિ આ ત્રણ દિવસમાં થઈ, સંવેદના સાથે બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવાય
  • 1,08,208 જેટલા લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા
  • આ આંકડો સાંભળીને નવાઈ લાગી, ગુજરાતમાં કોઈ ઘર છોડીને જતું નથી હોતું પણ સરકારે સારું કામ કર્યું
  • 73 હજાર પશુઓને સલામત જગ્યાએ લઈ જવાય
  • 3,27,000 વૃક્ષોને સયમસર ટ્રીમિંગ કર્યું, જેના કારણે ઓછામાં ઓછા વૃક્ષોનું નુકસાન
  • 4317 હૉર્ડિંગ અગાઉ જ ઉતારી લેવાયા હતા
  • 21,585 બોટ સમુદ્રમાં હતી, જે તમામ પરત લાવવામાં સફળ રહ્યા 
  • NDRF ની 19, SDrF ની 13 અને રિઝર્વ બે બટાલિયને કામ કર્યું
  • આર્મી, BSF, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, સ્ટેટ પોલીસે અભિનંદનને પાત્ર કામ કર્યું
  • વીજળી સપ્લાય માટે 1133 ટીમ કાર્યરત અને અન્ય 400 ટીમ કાલથી જોડાશે
  • સ્થાનિક 7600 લોકોનો સ્ટાફ કાર્યરત છે
  • મીઠાના અગર અનેક અહીં છે, અગરિયા ભાઈઓ પ્લાન્ટ પર હતા તેમને પણ સુરક્ષિત કરાયા હતા
  • રાજ્ય અને કેન્દ્ર સરકારે બીપરજોયનો સામનો સારી રીતે કર્યો, એકપણ મોત નથી થયા, એ સફળતા છે, એક ઉદાહરણ પૂરું પાડ્યું છે
  • સાયક્લોન માટે ગાઈડલાઈન જે બનાવી, એનું ઇમ્પીમેન્ટેશન થયું એટલે સફળ રહ્યા
  • પીએમ ગુજરાતના છે, જ્યારે પણ સાયકોલન આવે એટલે તેઓ પોતે ચિંતિત રહીને ધ્યાન પણ રાખતા હોય છે
  • સાર્વજનિક જીવનમાં 40 વર્ષથી છું, વાવાઝોડા પછી પહેલીવાર હસતા ચહેરા જોવા મળ્યા છે
  • સૌથી પહેલા વિસ્થાપીતોને તેમના ઘરે રિસ્ટોર કરીશું, સહાયતા માટે નિયમ મુજબ નિર્ણય લઈશું
  • મુદ્રામાં ખારેકને થયેલી નુકસાન અંગે તેમના એક્સપર્ટને બોલાવીને આગામી ત્રણ મહિનામાં શુ કરી શકીએ એ અંગે નિર્ણય લઈશું અને મદદ માટે જરૂરી પેકેજ જાહેર થશે
  • મદદ માટે તમામ નિયમો નક્કી અગાઉ જ થયેલા છે, એની ટીમ સર્વે કરશે અને નિર્ણય લેશે
  • ઓડીશા અને બંગાળ સરકારે અગાઉ પણ વાવાઝોડા સામે સારું કામ કર્યું છે
  • પીએમ અગાઉ સીએમ હતા, અહીં ભૂકંપ જોયો છે, એટલે કામનો અનુભવ છે
  • છેલ્લા 9 વર્ષમાં આપત્તિઓ સામે કેન્દ્ર સરકારે સારું કામ કર્યું છે
  • એકપણ વ્યક્તિનું મોત ના થવું એ સરકારની સિદ્ધિ છે
  • બોટમાં નુકસાન થાય તો એમને પણ મદદ કરીશું
  • પ્રાથમિક સર્વે હાલ થયો નથી, પ્રક્રિયા શરૂ છે
  • ટીમ વર્કને કારણે ખૂબ સારૂ કામ કર્યું છે, અને પરિણામ સામે છે
  • BSF ની ચિંતા મારા પર મૂકો ત્યાં જે પણ સમસ્યા હશે, હું જોઈ લઈશ : અમિત શાહ
  • બે દિવસમાં તમામ લોકોને એમના ઘરે મોકલવાનું લક્ષ્ય છે
  • 20 તારીખ સુધીમાં વીજળી રિસ્ટોર કરવાનો લક્ષ્ય છે

અસરકારક સંચાર વ્યવસ્થા ઊભી કરી નાગરિકોને અવગત કર્યા
વાવાઝોડુ ત્રાટકે તે પહેલાં જ, ગુજરાત સરકારના માહિતી વિભાગે ૧૩ જૂનથી અત્યાર સુધીમાં રાજ્યના ૬ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૬૫ લાખ મોબાઇલ ફોન વપરાશકર્તાઓને મુખ્યમંત્રીનો વૉઇસ સંદેશ (OBD – આઉટબાઉન્ડ ડાયલિંગ) મોકલ્યો હતો. આ વોઈસ મેસેજમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને લેવાઈ રહેલા સુરક્ષા પગલાંની વિગતો હતી. તેવી જ રીતે, મુખ્યમંત્રીની જનતાને અપીલ લગભગ ૬૫ લાખ મોબાઇલ ધારકોને પ્રસારિત કરવામાં આવી હતી, અને આવા અન્ય પાંચ સંદેશાઓ, જેમાં વાવાઝોડા પહેલાના ટેક્સ્ટ સંદેશાઓ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં કંટ્રોલ રૂમના ફોન નંબરો અને વોટ્સએપ વિડિયો સંદેશાઓ દ્વારા ટેલિવિઝન કમર્શિયલ મોકલવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર (૦૭૯-૨૩૨-૫૧૯૦૦) પણ જારી કર્યો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ GSWAN ટેલિફોન હોટલાઇન સાથે જોડાયેલા હતા. કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લામાં હેમ રેડિયો સ્ટેશનો સ્થાપવામાં આવ્યા હતા અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે Jio, BSNL, Vodafone વગેરેને કોમ્યુનિકેશન માટે પર્યાપ્ત પાવર બેકઅપ રાખવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) એ પણ ટીવી કમર્શિયલ, રેડિયો અને અખબારની જાહેરાતો દ્વારા નાગરિકોને વાવાઝોડા દરમિયાન 'શું કરવું અને શું નહીં' પ્રસારિત કરવા માટે માહિતી વિભાગ સાથે સંકલન કર્યું.

ગુજરાત પોલીસે અવિરત સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરવા માટે સેટેલાઇટ ફોન અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. હોસ્પિટલો, સ્થળાંતર કેન્દ્રો વગેરે જેવા મહત્વના સ્થળોએ વાયરલેસ સેટ મૂકવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રયાસોથી જામનગર અને જૂનાગઢમાં સંદેશાવ્યવહાર માટે વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે. અસરગ્રસ્ત થયેલા ૧૨૬૦ કોમ્યુનિકેશન્સ ટાવર્સમાંથી ૯૭૪ ટાવર્સના રિસ્ટોરેશનની કામગીરી પ્રગતિમાં છે.

જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો
પ્રભારી મંત્રીઓ, સચિવો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ વાવાઝોડા પહેલા લોકોને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. ક્ષતિગ્રસ્ત વીજળી, સંદેશાવ્યવહાર, પાણી પુરવઠો અને પરિવહનને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રોએ યુદ્ધના ધોરણે કામ કર્યું.

આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી
વાવાઝોડા દરમિયાન રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૦૦૫ તબીબી ટીમો કાર્યરત હતી. ૨૪૬ '૧૦૮ એમ્બ્યુલન્સ' અને ૩૫૭ સરકારી એમ્બ્યુલન્સ સહિત કુલ ૬૦૩ એમ્બ્યુલન્સ અસરગ્રસ્ત લોકોની સેવા માટે સતત કાર્યરત હતાં. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૮૫૧ ક્રિટિકલ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા વિસ્તારોમાં કુલ ૧૯૭ ડીજી સેટ પણ પૂરા પાડવામાં આવ્યાં હતાં. 

રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સની સંપૂર્ણ જોગવાઈ સુનિશ્ચિત કરી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓની તમામ હોસ્પિટલો ૧૦૦% ડીઝલ જનરેટરથી સજ્જ હતી જેથી અવિરત તબીબી સેવાઓ સુનિશ્ચિત કરી શકાય. વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓની સૂચિ પણ તૈયાર કરી છે, જેમાં તેમની અપેક્ષિત ડિલિવરીની તારીખોનો સમાવેશ થાય છે, જેથી સમયસર અને યોગ્ય સંભાળની સુવિધા મળી શકે. ૧૨૦૬ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી. કટોકટી દરમિયાન ૭૦૭ સફળ બાળજન્મ થયા હતા.

અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત
ઊર્જા વિભાગ દ્વારા પી.જી.વી.સી.એલ., યુ.જી.વી.સી.એલ. અને જેટકોના ૭૬૦૦થી વધુ કર્મચારીઓની ૧૧૩૩ ટીમો ૩૭૫૧ ગામોમાં સક્રિય કરવામાં આવી હતી. સાથેસાથે વીજ-પુરવઠો રિસ્ટોર કરવા માટે ૧ લાખ વીજપોલ ઉપરાંત ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ અને કન્ડક્ટર્સ જેવા અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ કરાયા હતા. જેટકો દ્વારા ૭૧૪ સબસ્ટેશન્સની વિશેષ ટીમો મૂકવામાં આવી હતી, જેમની ત્વરિત કામગીરીના કારણે વીજ-પુરવઠો ખોરવાઈ જવાના કિસ્સા એકદમ ઓછા થઈ શક્યા હતા. ઉપરાંત કરંટને કારણે જાનહાનિ થવાના બનાવો પણ નીવારી શકાયા હતા. 

આ ટીમોની ખડેપગે કામગીરીને લીધે ૧૬૦૦થી વધુ ગામો અને જામનગર, ભૂજ, માંડવી, મુન્દ્રા, અંજાર તથા ગાંધીધામ જેવા મહત્વના શહેરી વિસ્તારોમાં વીજ-પુરવઠો ફરી પૂર્વવત થયો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જ્યાંજ્યાં વાવાઝોડાને લીધે વીજસપ્લાયને અસર થઈ હતી ત્યાં વોટર વર્ક્સ, હોસ્પિટલ્સ અને સરકારી કચેરીઓ સહિતના મહત્વના સ્થળોનો વીજ-સપ્લાય પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ
માર્ગ અને મકાન વિભાગે જરૂરી વસ્તુઓથી સજ્જ ૧૩૨ ટીમો કાર્યરત કરી હતી. આ ટીમો ૩૨૮ JCB, ૨૭૬ ડમ્પર, ૨૦૪ ટ્રેક્ટર, ૬૦ લોડર અને ૨૩૪ અન્ય સાધનો સાથે અસરગ્રસ્ત રસ્તાઓના સમારકામ માટે કામ કરી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૨૬૩ રસ્તાઓ પરથી ૭૭૯૬ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી
વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવનને કારણે જાનમાલના નુકસાનને ટાળવા માટે સાવચેતીના પગલા તરીકે અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા ૮ જિલ્લામાંથી ૪૩૧૭ જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. તે સિવાય અસરગ્રસ્ત વીજળીના થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, પાવર કટ વિસ્તારો અને ક્ષતિગ્રસ્ત મકાનોને પુનઃસ્થાપિત કરવા સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે.

ઉખડી ગયેલા વૃક્ષોનો વનવિભાગ દ્વારા નિકાલ
રાજ્યના વન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઉખડી ગયેલા વૃક્ષોને દૂર કરવા માટે 237 ટીમો તૈનાત કરી હતી. આ ટીમોએ વાવાઝોડાની શરૂઆતથી અત્યાર સુધીમાં રસ્તાઓ પરથી ઉખડી ગયેલા કુલ 3021 વૃક્ષોને દૂર કર્યા છે. વાવાઝોડા દરમિયાન ભારે પવનોને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લાખ 27 હજારથી વધુ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વન વિભાગે વાવાઝોડા બિપરજોયની અસરથી વન્યજીવોને બચાવવા માટે જરૂરી સાવચેતીના પગલાં પણ લીધા હતા. એશિયાટીક લાયન ઝોનમાં બચાવ, ઝડપી કાર્યવાહી અને પડી ગયેલા વૃક્ષોને હટાવવા માટે કુલ ૧૮૪ ટીમો વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવી હતી. કચ્છ અભયારણ્ય વિસ્તારમાં જરૂરી સાધનો સાથે ૧૩ ઓપરેશનલ ટીમો અને ૬ ખાસ વન્યજીવ બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી.

ભારતીય હવામાન વિભાગ સાથે સંકલન
ગુજરાત સરકાર ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી અને વાવાઝોડાના માર્ગ વિશે અદ્યતન માહિતી મેળવી હતી. ગૃહ વિભાગ હેઠળના રાજ્યનું પોલીસ દળ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર વ્યવસ્થા પર સતત નજર રાખી રહ્યું છે.

સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી સહકાર
આ સંકટમાં મોટી સંખ્યામાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ રાજ્ય સરકારની સાથે ઉભી છે. તેઓએ અસરગ્રસ્તોને મોટા પ્રમાણમાં ફૂડ પેકેટ અને જરૂરી પુરવઠો પૂરો પાડ્યો છે. ગુજરાતે સમયાંતરે અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે. જો કે, ગુજરાત હંમેશા આવા સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર આવવામાં સફળ રહ્યું છે. આ વખતે પણ ગુજરાત અને ગુજરાતની જનતા જનાર્દને સજ્જતા અને સમયસર પગલાં સાથે વાવાઝોડા બિપરજોયની અસર ઘટાડવામાં સફળતા મેળવી છે. ગુજરાતે ફરી એકવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news