ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે થરાદમાં કહેલા આ શબ્દો સાચા ઠર્યા...

Shankar Chaudhary New Speaker : ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે નિમાયેલા શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે નિમાયેલા જેઠા ભરવાડ વચ્ચે સામ્યતા એ છે કે, બંને રાજ્ય સરકાર ક્ષેત્રના મોટા ચહેરા છે 

ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે થરાદમાં કહેલા આ શબ્દો સાચા ઠર્યા...

Shankar Chaudhary New Speaker : રાજ્યમાં મંત્રીમંડળના શપથગ્રહણ બાદ હવે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી પણ કરી દેવાઈ છે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને પસંદ કરાયા છે. ઉત્તર ગુજરાતના સમીકરણો સાચવવા શંકર ચૌધરીની પસંદગી કરાઈ છે. સહકાર ક્ષેત્રના બે અગ્રણીઓને મોટી જવાબદારી સોંપાઈ છે. ગુજરાત વિધાનસભા 2022 ના પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહનાં શબ્દો સાચા ઠર્યા છે. આ બંને નિમણૂંકમાં કેટલાક સમીકરણો ધ્યાનમાં લેવાયા છે. કયા છે આ સમીકરણ, જોઈએ આ અહેવાલમાં...

વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે થરાદમાં કહેલા આ શબ્દો સાચા ઠર્યા છે. થરાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શંકર ચૌધરીની મોટા માણસ તરીકે એટલે કે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે પસંદગી કરાઈ છે. થરાદમાં શંકર ચૌધરીના સમર્થનમાં અમિત શાહે સભા સંબોધી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, અમે તેમને મોટું સ્થાન આપીશું. એ સમયે જ તેઓએ તેઑએ શંકર ચૌધરીને લઈને મોટો સંકેત આપ્યો હતો. 

શંકર ચૌધરીને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાશે, એ વાત હવે સાચી સાબિત થઈ છે. આ ઉપરાંત શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ છે. આ બંનેમાં સામ્યતા એ છે કે તેઓ રાજ્યના સહકાર ક્ષેત્રમાં મોટા ચહેરા છે. 

શંકર ચૌધરીની વિધાનસભાના અધ્યક્ષ પદે પસંદગી પાછળ ઘણા કારણો જવાબદાર છે. આ વખતની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન અભૂતપૂર્વ રહ્યું છે. શંકર ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. રાજ્ય સરકારમાં મંત્રી તરીકેનો પણ તેમને અનુભવ છે. તેમની પસંદગી કરીને ભાજપે જ્ઞાતિના સમીકરણો સાધવાનો પણ પ્રયાસ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાય નિર્ણાયક સ્થિતિમાં છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીને જોતાં ઉત્તર ગુજરાતમાં ઓબીસી વોટબેંકને ધ્યાનમાં રાખીને પણ શંકર ચૌધરીની પસંદગી કરાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનE મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના ત્રણ જ મંત્રીઓ હોવાથી સ્પીકર પદે ઉત્તર ગુજરાતના ચહેરાને મૂકીને સંતુલન સાધવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત શંકર ચૌધરી ઉત્તર ગુજરાતના સહકાર ક્ષેત્રમાં મોટું નામ છે, તેઓ બનાસ ડેરીના અધ્યક્ષ છે. જેની સાથે લાખો પશુપાલકો જોડાયલા છે. 

મહત્વનું છે કે રાજ્ય સરકારના બંધારણીય પદોમાં વિધાનસભા અધ્યક્ષનું પદ રાજ્યપાલ અને મુખ્યમંત્રી બાદ ત્રીજા ક્રમે આવે છે. અધ્યક્ષ બાદ કેબિનેટ મંત્રીઓનો ક્રમ આવે છે. ગૃહ મંત્રી અમિત શાહે આ મોટા પદના સંકેત ચૂંટણી પ્રચાર દરમિયાન જ આપી દીધા હતા. 

તો આ તરફ શહેરાથી ધારાસભ્ય જેઠા ભરવાડને વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ આપીને ભાજપે મધ્ય ગુજરાતને સાધવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પંચમહાલની શહેરા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પંચમહાલ ડેરીના ચેરમેન પણ છે. 

વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી સંખ્યામાં બેઠકો જીતીને ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાની રાહ આસાન બનાવી છે, ત્યારે પદાધિકારીઓની પસંદગીના સમીકરણ ભાજપને ક્યાં કેટલા ફળે છે, તે જોવું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news