અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અકસ્માત વીમો લેવાયો, બીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અકસ્માતના સંજોગોમાં 3 થી 6 કરોડનું વળતર વીમા કંપની ચૂકવશે, બે દીવસ માં કુલ 6,69,094 યાત્રિકો એ દર્શન નો લાભ લીધો, બીજા દિવસે 4,67,562 પ્રસાદનાં પેકેટનું વિતરણ કરાયું

અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અકસ્માત વીમો લેવાયો, બીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચુકી છે. ચાલીને આવતા ભક્તોના ગાડરિયા પ્રવાહથી અંબાજી તરફ જતા માર્ગો પર 'જય અંબે'નો નાદ ગુંજી રહ્યો છે ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા 6 કરોડનું વળતર મળી રહે તેવો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો છે. ગુરૂવારે મેળાના બીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા હતા. 

આ અંગે વિગતો આપતા મંદીર ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે. મંદીર તરફથી તેમની સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમ છતાં મંદીર ટ્રસ્ટે આ વખતે અકસ્માત વીમો પણ લીધો છે. જેના કવર મુજબ જો અંબાજી પરિસરના 20 કિમીના વિસ્તારમાં કોઈ દુર્ઘટના સર્જાય તો રૂ.3 થી 6 કરોડનું વળતર વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે. મેળો 7 દિવસ ચાલે છે, પરંતુ વીમાનું કવચ 21 દિવસનું છે. 

ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બીજા દિવસે અંબાજી ખાતે 4,18,850 ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો હતો. બે દિવસમાં કુલ 6,69,094 શ્રદ્ધાળુ અંબાજી આવી ગયા છે. બીજા દિવસે 4,67,562 પ્રસાદનાં પેકેટનું વિતરણ કરાયું હતું અને 60,212 શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો.

 

અંબાજીના ભંડારા અને ગાદીની બીજા દિવસે રૂ. 22,92,808ની આવક થઈ હતી. વિવિધ બેન્કોમાં રૂ.39,25,978ની આવક થઈ હતી. આમ બે દિવસની કુલ આવક રૂ. 1,11,19,498 થવા જાય છે. ગુરૂવારે માતાજીને ભાવિક ભક્ત દ્વારા 110 ગ્રામ સોનાની ભેટ આપવામાં આવી હતી. અંબાજીથી બીજા દિવસે 92,386 જેટલા ભક્તોએ સરકારી બસ સેવાનો લાભ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news