58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી

58 વર્ષીય દેવેન્દ્રભાઈએ ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો, 113 દિવસ કોરોનાની સારવાર લીધી
  • દેવેન્દ્રભાઈએ 113 દિવસ બાદ કોરોનાને હંફાવ્યો હતો.
  • 90 દિવસ દેવેન્દ્ર પરમાર આઈસીયુમાં હતા
  • તેઓએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડ્યો છે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ગુજરાતમાં સૌથી વધુ દિવસ કોરોનાની સારવાર લેનાર 58 વર્ષના દર્દી દેવેન્દ્રભાઈ પરમારના હાલચાલ પૂછ્યા હતા. આ દર્દીને આજે 113 દિવસની કોરોના સારવાર બાદ રજા અપાઈ હતી. આમ, તેઓ ગુજરાતમાં સૌથી વધુ દિવસ કોરોનાની સારવાર લેનારા દર્દી બન્યા છે. જોકે, તેઓએ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) નો પણ રેકોર્ડ તોડ્યો છે. ભરતસિંહ સોલંકીએ 101 દિવસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હતી. 

113 દિવસ આઈસીયુમાં રહ્યા 
સોલા સિવિલના તબીબોની મહેમતથી 58 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમાર આખરે મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. 28 ઓગસ્ટના રોજ ધોળકાના દેવેન્દ્ર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 113 દિવસ બાદ ડિસ્ચાર્જ થતા આરોગ્ય મંત્રી નીતિન પટેલે તેમની મુલાકાત કરી હતી. સાથે જ નાયબ મુખ્યમંત્રીએ દર્દીની સારવારમાં રોકાયેલા તમામ હોસ્પિટલ સ્ટાફની મુલાકાત લઈને તેઓને અભિનંદન આપ્યા હતા. દેવેન્દ્રભાઈએ 113 દિવસ બાદ કોરોનાને હંફાવ્યો હતો. જેના બાદ તેઓ આજે ડિસ્ચાર્જ થયા હતા. 90 દિવસ દેવેન્દ્ર પરમાર  આઈસીયુમાં હતા. 

આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ પ્રસંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, દેશમાં સૂચક કહી શકાય એવો કિસ્સો આજે બન્યો છે. સૌથી લાંબો સમય સારવાર લેનાર દર્દીને આજે સાજા કરીને તેઓને રજા આપવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાંના તમામ સ્ટાફ અને તબીબોને અભિનંદન છે. 28 ઓગસ્ટના રોજ તેઓને ધોળકાથી રિફર કરવામાં આવ્યા હતા. તેમના પત્ની ઇન્દુબેન પણ આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે. તેથી તેઓ કોરોનાની ગંભીરતા જાણતા હતા. એક તબક્કે તેઓને 75 લીટર ઓક્સિજન પ્રતિ મિનિટે આપવો પડતો હતો. તેમના ફેફસા ખૂબ જ નબળા થઈ ગયા હતા. ધીમે ધીમે તેઓની સ્થિતિ સુધરતી ગઈ. પરિવાર અને સ્ટાફને આખરે સંતોષ થયો. હજીપણ તેઓને મિનિટનો 4 લીટર ઓક્સિજન લેવો પડે છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે તેનો આ ઉત્તમ નમૂનો છે. મેડિકલની એક સક્સેસ સ્ટોરી તરીકે આ કિસ્સો નોંધાશે. હું દેવેન્દ્રભાઈ અને તમામ તબીબો અને સ્ટાફને અભિનંદન આપું છું. માનવ જીવનને રૂપિયા સાથે સાંકળી શકાય નહિ. જો આજ સારવાર ખાનગી હોસ્પિટલના જનરલ વોર્ડમાં પણ થયો હોત તો 30 લાખનો ખર્ચ થયો હોત. અહીંયા એકપણ પૈસો ખર્ચ્યા સિવાય તેઓને સારવાર આપવામા આવી છે. મીડિયા અમને પૂછે છે કોરોના માટે કેટલો ખર્ચ થયો. અમે હજી ટોટલ કર્યું નથી અને કરવા માંગતા પણ નથી. અમારી પ્રાથમિકતા દર્દીને સારવાર આપવાની છે. અભય ભારદ્વાજ આ બાબતમાં કમભાગી નિવડ્યા હતા. આપણે તેઓને પણ લાંબા સમય સુધી સારવાર આપી હતી. 

  • 14223 દર્દી સોલામાં દાખલ થયા
  • 6640 પોઝિટિવ મળ્યા હતા
  • 13000 થી વધુ દર્દી સાજા થઈ ઘરે ગયા
  • 12722 સેમ્પલ લીધા હતા

સોલા સિવિલમાં 450 લોકોએ વેકસીનની ટ્રાયલ લીધી છે. જેમાં એકપણ વ્યક્તિને હજી સુધી કોઈ આડ અસર કે અન્ય શારીરિક તકલીફ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી 101 દિવસની સારવાર કરાવીને મ્હાત આપી હતી. જેમાં તેઓ 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news