'માં અંબે' માટે અમદાવાદના ભોલે ગ્રુપે બનાવી 23 તોલાની સોનાની ચરણ પાદુકા, 28 ઓગસ્ટે અંબાજીમાં કરશે અર્પણ

અમદાવાદના ભોલે ગ્રુપ દ્વારા અંબાજી યાત્રાધામ ખાતે માં અંબાના મંદિરમાં 231 ગ્રામ સોનાની ચરણ પાદુકા બનાવી અર્પણ કરવામાં આવશે. 

'માં અંબે' માટે અમદાવાદના ભોલે ગ્રુપે બનાવી 23 તોલાની સોનાની ચરણ પાદુકા, 28 ઓગસ્ટે અંબાજીમાં કરશે અર્પણ

અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે માં અંબેના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરાશે. 
જય ભોલે ગ્રુપ, અમદાવાદ દ્વારા માં અંબાને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી માં અંબાની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે. હાલ 181 ગ્રામની ચાંદીની ચરણ પાદુકાના અંબાજી મંદિર ખાતે દર્શન થાય છે.

ગર્ભગૃહમાં સ્થાપિત થશે સોનાની ચરણ પાદુકા
ચાંદીની પાદુકાને બદલે હવે સોનાની ચરણ પાદુકા ગર્ભગૃહમાં સ્થાપિત થશે. 28 ઓગસ્ટના રોજ ભાદરવી એકમના દિવસે માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરાશે. અંબાજી મંદિર ખાતે ભક્તો દ્વારા વર્ષોથી સોના ચાંદીના અનેક આભૂષણો માં અંબાને અર્પણ કરવામાં આવતા હોય છે, જેમાં વધુ એક સોનાની ચરણ પાદુકાનો સમાવેશ થશે. 

શું બોલ્યા ભોલે ગ્રુપના સભ્ય દીપેશ પટેલ
સોનાની ચરણ પાદુકા અર્પણ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે જય ભોલે ગ્રુપના મેમ્બર દીપેશ પટેલે કહ્યું કે, અમારા ગ્રુપ દ્વારા દેશના 1700 કરતા વધુ મંદિરોમાં ઘડિયાળ લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે જ્યારે અમે ગયા ત્યારે અમે જોયું કે માં અંબાનું આખું મંદિર સુવર્ણનું હતું. માતાજીનો થાળ સોનાનો છે, માતાજીના દાગીના, શણગાર બધું જ સોનાનું છે, માત્ર એક ચરણ પાદુકા જ ચાંદીની હતી. અમને આ ચાંદીની ચરણ પાદુકાને બદલે સોનાની ચરણ પાદુકા માં અંબાના ચરણોમાં અર્પણ કરવાનો વિચાર આવ્યો હતો.

જેના માટે અમે કલેક્ટર સાથે મુલાકાત કરી, વિચારો રજૂ કરી, સંમતિ લીધી હતી. હાલ જે ચાંદીની પાદુકા છે એની સાઇઝ મુજબ જ અમે 3 જુદી જુદી ડિઝાઇન ચરણ પાદુકાની તૈયાર કરી છે. ત્રણેય ડિઝાઇનની ચિઠ્ઠી અમે માતાજીના ગર્ભગૃહમાં મૂકી, આખરે સાથીયા, ઓમ અને શંખની આકૃતિ સાથે અમે તૈયાર કરેલી ડિઝાઇન માટે અમે પરવાનગી મળી છે. શરૂઆતમાં 200 ગ્રામની સોનાની પાદુકા બનાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ ડિઝાઇન બનતા બનતા આખરે લગભગ 12 લાખ રૂપિયાના ખર્ચે 23 તોલાની ચરણ પાદુકા તૈયાર થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા નીલકંઠ મંદિર ખાતે આ સોનાની ચરણ પાદુકા, 52 ગજની ધજા અને શ્રીયંત્ર ભક્તો દર્શન કરી શકે એ માટે મૂકવામાં આવ્યા છે. જય ભોલે ગ્રુપ દ્વારા 28 ઓગસ્ટે અંબાજી મંદિર ખાતે આ ચરણ પાદુકા સાથે 52 ગજની ધજા, શ્રીયંત્ર અને તમામ શક્તિપીઠની મહીમા વર્ણવતી આરતી પણ લોન્ચ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news