ગાડી લે-વેચ કરતા પહેલા સાવધાન! દલાલનો સંપર્ક કરતા હોય તો માંડી વાળજો, વાંચી લો આ આંખ ઉઘાડનારો કિસ્સો!

સામાન્ય રીતે લોકો પોતાની કાર વેચવા કે જૂની કાર ખરીદવા જે તે સ્થાનિક દલાલનો સંપર્ક કરતા હોય છે. તેમાં પણ સ્થાનિક વિસ્તારમાં જ વર્ષોથી કાર લે વેચનુ કામકાજ કરતો કોઈ વ્યક્તિ હોય તો લોકો તેના પર જલ્દી વિશ્વાસ મૂકતા હોય છે.

ગાડી લે-વેચ કરતા પહેલા સાવધાન! દલાલનો સંપર્ક કરતા હોય તો માંડી વાળજો, વાંચી લો આ આંખ ઉઘાડનારો કિસ્સો!

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે એક એવા ભેજાબાજની ધરપકડ કરી છે કે જે ગાડી લે વેચનું કામ કરતો પણ તેને છેલ્લા બે વર્ષમાં એવું તો કામ કર્યું કે આ ભેજાબાજ પાસેથી ગાડી લેનારા અને ગાડી ખરીદનારા બંને પસ્તાઈ રહ્યા છે. તો કોણ છે આ ભેજાબાજ અને એવું તો શું કારસ્તાંન કર્યું કે પોલીસે ધરકપકડ કરી.

સામાન્ય રીતે લોકો પોતાની કાર વેચવા કે જૂની કાર ખરીદવા જે તે સ્થાનિક દલાલનો સંપર્ક કરતા હોય છે. તેમાં પણ સ્થાનિક વિસ્તારમાં જ વર્ષોથી કાર લે વેચનુ કામકાજ કરતો કોઈ વ્યક્તિ હોય તો લોકો તેના પર જલ્દી વિશ્વાસ મૂકતા હોય છે. આવીજ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક કાર બ્રોકર પર લોકોએ વિશ્વાસ મૂક્યો પણ તેમને મળ્યો વિશ્વાસઘાત. 

પોલીસ ગીરફતમાં ઉભેલા આ બંને શખ્સોનું નામ પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો છે. પિયુષ પટેલ વર્ષોથી અમદાવાદ અને મહેસાણા ખાતે કાર લે વેચ નું કામકાજ કરતો હતો. પિયુષ પટેલ વિસનગર ખાતે એક વાળામાં કાર લે વેચનો ધંધો કરતો હતો. પિયુષ પાસે સારી કન્ડીશનમાં જૂની કાર મળી જતી હોવાથી લોકો તેના પર વિશ્વાસ કરતા હતા. થોડા સમયમાં લોકોનો વિશ્વાસ કેળવી પિયુષને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી અને પિયુશે તેના માણસ બકા સાથે મળીને લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું શરૂ કર્યું

પિયુષ પટેલ અમદાવાદ તથા મહેસાણા ખાતે ફોર-વ્હીલ ગાડી લે-વેચનો અગાઉ ધંધો કરતો હતો જ્યાં તેણે ગાડી લે-વેચના માર્કેટમાં વિશ્વાસ સંપાદન કર્યો હતો. આજથી બે વર્ષ અગાઉ ગ્રાહકોના વિશ્વાસનો લાભ લઇ પિયુષ મુળ ગાડી માલીકને તેની ગાડીના પૈસા નહી ચુકવી અન્ય વ્યક્તિને વેચી દેતો હતો. પિયુષ ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઉંચા ભાવે ગાડી મેળવી તેને પોતાના ખાતામાં પુરતુ બેલેંસ ન હોવા છતા ચેક આપતો અને ખરીદનાર ગ્રાહકને નીચા ભાવે ગાડી વેચી મારતો હતો. સાથે જ OLX પર ગાડી વેચનાર અને ખરીદનાર બન્નેનુ સંકલન કરાવડાવી વેચનારને ઉંચો ભાવ જણાવી ખરીદનારને નીચો ભાવ જણાવી એકબીજાને અંધારામાં રાખી ખરીદનાર પાસેથી રૂપિયા મેળવી લેતો હતો.

પોલીસે છેતરપિંડીની ફરિયાદો બાદ પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકાની ધરપકડ કરી છે. પોલીસે પિયુષ પાસેથી મર્સિડીઝ બેન્ઝ, મારૂતી અર્ટીગા અને બીએમડબલ્યુ સહિતની ગાડીઓ મળી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પિયુષ વિરૂદ્ધ અમદાવાદના સોલા હાઇકોર્ટ, સેટેલાઇટ, નારણપુરા, બોપલ, રાજકોટનાં એ.ડિવીઝન પોલીસ સ્ટેશન, ગાંધીનગરનાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને કાર લે વેચમાં આશરે 76 લાખ રૂપિતાની છેતરપીંડી કરી છે.

લોકોનો વિશ્વાસ કેળવ્યા બાદ પિયુષ પટેલે અનેક કાર લે વેચ કરી હતી જે બાદ રૂપિયા ની લેતીદેતીમાં ગોટાળા કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી. હાલતો પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકા ની ધરપકડ કરી વધુ તપાસ કરી છે. ત્યારે તપાસના અંતે આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ અને અન્ય કોઈ કાર માલિક ભોગ બનનાર છે કે નહિ તે સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news