અમદાવાદમાં બેંકના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, ખરેખર છે જાણવા જેવી છે સ્ટોરી

કલર મર્ચન્ટ બેંકની સેટેલાઈટ બ્રાંચના મેનેજર, એજન્ટ, 2 સબ એજન્ટ સહિત 5 જણાંએ એક શ્રમજીવીના નામે રૂ.8 લાખની લોન લઈ લીધી હતી. જો કે ભાંડો ફૂટી જતા શ્રમજીવીને રૂ.4.50 લાખ આપી લોન ભરવા માટે રૂ.8 લાખની ટોપ અપ લોન લેવડાવી હપ્તાની ઉઘરાણી માટે ત્રાસ આપતા કંટાળીને યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પાંચેય વિરુદ્ધ દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અમદાવાદમાં બેંકના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, ખરેખર છે જાણવા જેવી છે સ્ટોરી

ઉદય રંજન/અમદાવાદ: એક યુવકે બેંકના મેનેજર સહિતના એજન્ટોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલી કલર મર્ચન્ટ બેંકના એજન્ટે યુવકને મોર્ગેજ લોન અપાવી તેની સાથે ઠગાઈ કરી હતી. યુવકે લીધેલી લોનની સામે દોઢ ગણી રકમ ચૂકવી દીધા છતાં પણ અવારનવાર પૈસાની ઉઘરાણીઓ કરવામાં આવતા કંટાળીને યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે મામલે વેજલપુર પોલીસે 6 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે.

એજન્ટોએ બેંકમાં જમા ન કરાવી બારોબાર ઉચાપત કરી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા સંદીપ પરમાર નામના યુવકે 11મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે મામલે તેના ભાઈ કુલદીપ પરમાર એ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2013માં ફરિયાદી અને તેઓના ભાઈને પૈસાની જરૂરિયાત હોય તેવો જજીસ બંગલો ખાતે સીટ કવરનું કામ કરતા હોય તેઓના શેઠ લાલાભાઇ મારફતે કલર મર્ચન્ટ બેંકના એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરા સાથે સંપર્ક થયો હતો અને તેઓએ મકાનના દસ્તાવેજો ઉપર 8:30 લાખ રૂપિયાની લોન કરાવી હતી જેમાંથી માત્ર સાડા પાંચ લાખ રૂપિયા જ ટુકડે ટુકડે આપવામાં આવ્યા હતા. બાકીના પૈસા અલગ અલગ બહાના હેઠળ કાપી લીધા હોવાની વાત કરી હતી. જે લોનના હપ્તા મૃતક અને તેઓના ભાઈઓ દ્વારા સમયસર એજન્ટોને રોકડમાં ચૂકવવામાં આવતા હતા, પરંતુ એજન્ટો દ્વારા તે પૈસા બેંકમાં જમા ન કરાવી બારોબાર ઉચાપત કરવામાં આવતી હતી.

સંદીપ પરમારે કર્યો આપઘાત
બેંકમાંથી અવારનવાર ફોન અને ધમકીઓ આવતા રકમ ચૂકવવા માટે સંદીપ પરમારે લોન ઉપર 8 લાખની ટોપઅપ લોન લીધી હતી અને તેમાંથી પણ અમુક જ રકમ તેઓને મળી હતી. જે બંને લોનના સમયસર હપ્તા તેઓ દ્વારા ચૂકવવામાં આવતા હોવા છતાં પણ કલર મર્ચન્ટ બેંકના મેનેજર અતુલ શાહ, એજન્ટ ચિંતન શાહ તેમજ તેનો માણસ સુરેશભાઈ અને સબ એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરા દ્વારા અવારનવાર હપ્તા અને લોનની રકમ ચૂકવવા બાબતે ધમકીઓને ત્રાસ આપવામાં આવતા સંદીપ પરમારએ આપઘાત કર્યો હતો.

એક આરોપી જામીન પર છૂટ્યો હોવાની હકીકત
આપઘાત કરનાર સંદીપ પરમારે અગાઉ અગાઉ આર્થિક ગુના નિવારણ શાખામાં આ આરોપીઓ સામે અરજી પણ કરી હતી. જોકે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કે ફરિયાદ નોંધવામાં ન આવતા અંતે સંદીપ પરમારે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલ તો આ મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે આ ગુનામાં સામેલ એક આરોપી જેલમાં અને એક આરોપી જામીન પર છૂટ્યો હોવાની હકીકત સામે આવી છે.

આ રીતે કેટલા નિર્દોષ લોકોને શિકાર બનાવ્યા?
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે અગાઉ નારણપુરા તેમજ આર્થિક ગુના નિવારણ શાખા સહિત અલગ અલગ 8 પોલીસ મથકોમાં ફરિયાદ થઈ હોય પોલીસે ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી. જોકે આ બેંકના સબ એજન્ટો અને એજન્ટો દ્વારા હજુ પણ અનેક લોકો સાથે આ પ્રકારે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોય આ કેસમાં વેજલપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. તેવામાં આરોપીઓ પકડાયા બાદ જ ખબર પડશે કે તેઓએ આ રીતે કેટલા નિર્દોષ લોકોને શિકાર બનાવ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news