ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થામાં હવે ભણવું મોંઘુ પડશે, ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરાયો

Gujarat Vidhyapith Fee Hike : ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે

ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થામાં હવે ભણવું મોંઘુ પડશે, ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરાયો

Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : ગાંધીજીએ સ્થાપેલી શૈક્ષણિક સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ ફી વધારા મામલે વિવાદમાં ઘેરાઈ છે. યુજી, પીજી અને ડિપ્લોમા કોર્સની ફીમાં ચાર ગણો વધારો કરાયાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ ઉઠ્યો છે. વિદ્યાર્થીઓએ કુલનાયક અને કુલસચિવને ઈમેલ કરી ફી વધારા બાબતે વિરોધ નોંધાવ્યો. તેમજ ફી વધારો પાછો ખેંચવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે. ઇમેઇલ કરી, સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી ફી વધારો પાછો ખેંચવા વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું છે. જો કે સમગ્ર મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરત જોશી દ્વારા કહેવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. 

ગૂજરાત વિદ્યાપીઠના મેનેજમેન્ટ દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અલગ અલગ અભ્યાસ ક્રમની ફીમાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ મામલે કુલનાયક ભરત જોશીએ જણાવ્યું કે, ગઈકાલથી જે વિદ્યાર્થીઓ ત્રીજા અને પાંચમા સત્રમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના ઈ-મેઇલ મળ્યા છે કેટલાક વિદ્યાર્થીઓના ઈ-મેઇલ જોયા છે. ફી વધારો નવા પ્રવેશ માટે જ લાગુ પડશે. ઈમેઇલ કરનાર વિદ્યાર્થીઓ બીજામાંથી ત્રીજા અને ચોથામાંથી પાંચમામાં સેમેસ્ટરમાં જનાર છે, એમને ફી વધારો લાગુ નહીં પડે. વિદ્યાર્થીઓએ કરેલા ઇમેઇલ એક જ ફોર્મેટમાં છે એટલે એમને જે કોઈએ માર્ગદર્શન આપ્યું હશે તે મુજબ તેમણે ઇમેઇલ કર્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન ફી ભરવા જશે એટલે તેમને ખ્યાલ આવશે કે તેઓએ બિનજરૂરી અને ખોટા ઇમેઇલ કર્યા હતા. 

ફી વધારો કરવા અંગે કુલનાયક ભરત જોશીએ કહ્યું કે ફાઇનાન્સ કમિટીમાં ફી અંગે મુકાયેલી વિગતો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા જુદા જુદા કોર્સમાં 10% થી 15% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે કેટલાક કોર્સ એવા પણ છે જેમાં 10% કરતાં પણ ઓછો ફી વધારો કરાયો છે. 

શા માટે કરાયો ફીમાં વધારો 
તેઓએ વધુમાં કહ્યું કે, ગુજરાત વિદ્યાપીઠમાં લાંબા સમયથી ફી વધારો નહતો કરાયો. લાંબા સમય બાદ હવે જે ફી વધારો કરવામાં આવ્યો છે તેમાં ઘટાડાની કોઈ શક્યતા રહેતી નથી. ગુજરાત વિદ્યાપીઠને પગાર અને પેંશન સિવાય યુજીસી તરફથી કોઈ પ્રકારની ગ્રાન્ટ વર્ષ 2018 થી મળતી નથી. ગૂજરાત વિદ્યાપીઠના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે માત્ર ઇન્ટરનલ રિસીપ્ટ જ એકમાત્ર વિકલ્પ છે, એટલે ફી વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. 

તો ગુજરાત વિદ્યાપીઠના ઓડિયો વિઝ્યુલ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિતેશ ડોંગાએ કહ્યું કે, બે થી ત્રણ ગણા જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એક વર્ષની ફી 5,400 રૂપિયા હતી પરંતુ અત્યારે ફી વધારો થયા બાદ બે સેમિસ્ટરની ફી 20,000 રૂપિયા થઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તેમજ અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. જો આ ફી ઘટાડવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ પાસે આંદોલન સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અગાઉ વિદ્યાપીઠમાં રહેવા માટે પણ સસ્તુ મળી રહેતું હોવાથી મોટી સંખ્યામાં લોકો અભ્યાસ માટે આવતા હતા પરંતુ હોસ્ટેલ ફીસમાં પણ મોટો વધારો કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news