અમદાવાદની નવી ઓળખ 'ભૂવાનગરી', જાણો એક બે નહીં સમગ્ર ગુજરાતમાં ક્યાં કેવા પડ્યો છે જીવલેણ ભૂવા
શહેરની અનેક ઓળખ છે તેમાં એક ઓળખ ભૂવાનગરી તરીકેની પણ છે. વરસાદની ઋતુ શરૂ થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટના શરૂ થઈ જાય છે. અમદાવાદમાં લોકોનું રોડ પર ચાલવું મૂશ્કેલ બની ગયું છે. જીં..હાં... અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાનો એક ભાગ કઈ રીતે બેસી જાય છે અને સ્વિમિંગ પુલ બની જાય છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: શહેરની અનેક ઓળખ છે તેમાં એક ઓળખ ભૂવાનગરી તરીકેની પણ છે. વરસાદની ઋતુ શરૂ થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટના શરૂ થઈ જાય છે. અમદાવાદમાં લોકોનું રોડ પર ચાલવું મૂશ્કેલ બની ગયું છે. જીં..હાં... અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાનો એક ભાગ કઈ રીતે બેસી જાય છે અને સ્વિમિંગ પુલ બની જાય છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ભૂવા પડવાનો સીલસીલો યથાવત છે. ભૂવાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વસ્ત્રાલના મેટ્રો રૂટ પર વધુ એક ભૂવો પડ્યો છે. AMCની બેદરકારીના કારણે ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. જો અહીંથી વાહન પસાર થયું હોત તો શું થયું હોત? તંત્રના વાંકે બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ છે.વરસાદી પાણી નિકાલ થયા બાદ હજુ પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. કારણ કે શહેરમાં ‘ખાડા રાજને કારણે અકસ્માત થવાની ભિતી સેવાઈ રહી છે.
આજે ઝી 24 કલાક દ્વારા શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. આજે અમે તમારા માટે એક રિપોર્ટ લઈને આવ્યા છીએ. જેમાં તમારા શહેરની સ્થિતિનો ચિતાર જોવા મળશે. તમે વીડિયોમાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના વસ્ત્રાલ વિસ્તારના છે. જ્યાં એક વિશાળકાળ ભૂવો પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એકાએક આખો રોડ જમીનમાં સમાઈ ગયો. સદનશિબે કોઈ જાનહાની થઈ ન હતી. તો થોડા દિવસ પહેલા પડેલા વરસાદમાં શાહીબાગ વિસ્તારમાં આખી કાર ભૂવામાં ખાબકી હતી. આ દ્રશ્યોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન અમદાવાદ તરફ દોર્યું હતું. તો ત્રીજા દ્રશ્યો જુહાપુરા વિસ્તારના છે. જ્યાં એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ નીચે બેસી ગયો અને તેમાં એક્ટિવાનો પાછળનો ભાગ સમાઈ ગયો. આ ત્રણેય દ્રશ્યો અમદાવાદને તેની નવી ઓળક ભૂવાનગરી તરીકે આપી રહ્યા છે.
અમદાવાદમાં કોર્પોરેશનની આબરુના ધજાગરા
કોર્પોરેશનની આબરુના ધજાગરા ઉડ્યા છે અને પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખૂલી ગઈ છે. વસ્ત્રાલના મેટ્રો રૂટ પર વધુ એક મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાનો લાઈવ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. AMCની બેદરકારીના કારણે ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે. મુખ્ય માર્ગ પર આવેલી ગટરની ચેમ્બરની બાજુમાં જ ભૂવો પડ્યો હતો. ભૂવો પડતાં સ્થાનિકો દ્વારા જ બેરિકેટિંગ કરીને માર્ગ બંધ કરાવ્યો હતો. વસ્ત્રાલનાં મેટ્રોનાં પિલર નંબર 128 અને 129 વચ્ચે ભૂવો પડ્યો છે. મુખ્ય માર્ગ પર આવેલી ગટરની ચેમ્બરની બિલકુલ બાજુમાં ભૂવો પડ્યો એ સમયે સ્થાનિક દુકાનદારોએ વીડિયો બનાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે ભૂવો પડ્યો એ જગ્યાએથી 100 મીટર દૂર થોડા સમય પહેલા ખોદકામ કરાયું હતું, અને પાણી ભૂવો પડ્યો તેની બિલકુલ પાસેની ગટરની ચેમ્બરમાં છોડવામાં આવ્યું હતું. AMC ની બેદરકારીને કારણે આ ભૂવો પડ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. ભૂવો પડતા જ સ્થાનિકોએ બરિકેટિંગ કરી માર્ગ શરૂઆતમાં બંધ કરાવ્યો હતો, ત્યારબાદ કોર્પોરેશનની ટીમ દ્વારા માર્ગ પર બેરિકેટિંગ કરાયું છે.
અમદાવાદ શહેરમાં ખાડારાજ... દાણીલીમડા વિસ્તારમાં ખખડધજ બન્યા રસ્તા.. જુઓ ZEE 24 કલાકનો ખાસ અહેવાલ#Ahmedabad #AhmedabadRain #Monsoon2022 #Potholes #Road #AMC @AmdavadAMC @CollectorAhd @AMC_Complaints @AtulTiwari90 pic.twitter.com/BS786EEJLL
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2022
ભારે વરસાદમાં અમદાવાદ શહેર બન્યું ખાડાવાદ
દાણીલીમડામાં મુખ્ય માર્ગ ઉપર પણ ખોડો પડ્યો છે. છીપા સોસાયટી પાસે ખાડો પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન દેખાઈ રહ્યા છે. રસ્તા વચ્ચેના ખાડાઓ વાહનચાલકો માટે અકસ્માત નોતરી શકે છે.
ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. અચાનક ભુવો પડતા એક્ટિવા સાથે યુવક ખાબક્યો હતો. ફતેવાડી કેનાલ પાસે લબ્બેક પાર્ક નજીક આ ઘટના બની છે. 2000 મિમી વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભુવો પડ્યો હોવાની માહિતી છે. ભુવો પડતા યુવક પડ્યો તે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સદનસીબે ભુવામાં પડેલા યુવકને કોઈ ઈજા થઈ નથી. યુવક પસાર થતો હતો ત્યારે એક્ટિવાનો પાછળનો ભાગ બેસી ગયો અને યુવક કઈ સમજે એ પહેલાં જ એક્ટિવા સાથે 15 ફૂટ કરતા વધુ ઊંડા ભુવા પડ્યો. આ અંગે AMCના અધિકારીએ કહ્યું કે, એકાએક ભુવો પડ્યો અને કોઇ ચિહ્નો જણાયા ન હતા.
આ ખાડા અને ભૂવાથી ભાંગી જશે અમદાવાદીઓના હાડકા ને મણકા... જવાબદાર કોણ?
પ્રિ-મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ, ખરાબ રસ્તાઓનું સમારકામ ક્યારે?#Ahmedabad #AhmedabadRain #Monsoon2022 #Potholes #Road #AMC @AmdavadAMC @CollectorAhd @AMC_Complaints@Khyatinews @DrJuhiPatel pic.twitter.com/YMyazQYLaB
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2022
નારોલ ચોકડી તરફ પણ ઘાતકી ખાડો
અમદાવાદમાં નારોલ ચોકડી તરફ પણ ઘાતકી ખાડો પડ્યો છે. કાશીરામ ટેક્સટાઈલથી BRTS બસ સ્ટોપ રોડ પર ખાડો પડ્યો છે. વરસાદી પાણી ભરાય એવી સ્થિતિમાં આ ઘાતકી ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. આ ખાડાઓ બાદ એવું જોવા મળી રહ્યું છે કે AMC પાસે ઘાતકી ખાડાનું પુરાણ કરવાનો કોઈ સમય નથી. માત્ર ખાડા પર AMC કરી રહ્યું છે બેરિકેટિંગ. શું કોઈ દુર્ઘટના ઘટે તેનો ઇંતેજાર કરી રહ્યું છે તંત્ર? શહેરમાં વરસાદ પડ્યો એવામાં કુદરતી આપત્તિના નામે હાથ ખંખેરી લેતા તંત્રને આવા ઘાતકી ખાડાઓ વિશે કોઈ માહિતી નથી? આવા ઘાતકી ખાડાઓમાં શહેરીજનો પડે અને તેમને વાગે તો તેની જવાબદારી સ્વીકારશે તંત્ર? મીડિયા આવા ખાડા બતાવે ત્યારબાદ જ તંત્ર સફાળું જાગીને કામગીરી કરે એવી આદત તંત્રની ક્યારે બદલાશે.
ઈસનપુરમાં રસ્તા પર પડ્યા ખાડા
મહત્વનું છે કે, અમદાવાદમાં પડેલા વરસાદે અનેક ઘાતકી ખાડાઓને જન્મ આપ્યો છે. વરસાદને કારણે એકતરફ અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ તૂટ્યા, અનેક ભૂવા પડ્યા છે. બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર ઘાતકી ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું. ઇસનપુર વિસ્તારમાં જીવણ પાર્ક પાસે મુખ્ય માર્ગ પર ખાડો પડ્યો છે. ગટરનાં ટાંકણાનું બેલેન્સ પણ રોડ સાથે બરોબર નાં હોવાથી વાહનચાલકો માટે ખાડો સમસ્યા બન્યો છે. અનેક કિસ્સાઓમાં આવા ઘાતકી ખાડા જીવલેણ સાબિત થાય છે. વરસાદી પાણી ભરાય ત્યારે આવા ખાડાઓ અંગે વાહનચાલકોને ખ્યાલ હોતો નથી અને વાહન સાથે પડવાને કારણે વાગતું પણ હોય છે. શું આવા ખાડાઓમાં પુરાણ કરી સમથળ કરવાનો તંત્ર પાસે નથી સમય?
શ્યામલ ચારરસ્તાની આસપાસ વરસાદી પાણી ભરાવવાના દ્રશ્યો
બીજી બાજુ અમદાવાદમાં આવેલા શ્યામલ ચારરસ્તાની આસપાસ વરસાદી પાણી ભરાવવાના દ્રશ્યો શહેરીજનો માટે સામાન્ય વાત છે પરંતુ શિવરંજની બ્રીજની આસપાસ કેટલાક ઘાતકી ખાડા રાહદારીઓનું દર્દનાક સ્વાગત રીતે કરી રહ્યા છે. શિવરંજની ચારરસ્તા તરફથી શ્યામલ બ્રીજની નીચે જવા માટે જે માર્ગ બનેલો છે, તેના વળાંક પર અડધો ફૂટ કરતા વધુ ઊંડો ખાડો તો પડ્યો જ છે સાથે આરસીસીનો ભાગ તૂટી જવાને કારણે એ એકમાત્ર ખાડાની પાસે તૂટેલા સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે
અહીં વરસાદી પાણી સતત ભરાતું હોય છે અને માર્ગ પર ભરાતા પાણીને કારણે વાહનચાલકો અડધો ફૂટ પડેલા ખાડાથી અજાણ હોય છે. જો કોઈ વાહનચાલક આ ઘાતકી ખાડામાં પડે તો શું સ્થિતિ થઈ શકે એ દ્રશ્યો જોઈને સમજવું મુશ્કેલ નથી. માર્ગ પર બહાર દેખાઈ રહેલા સળિયા વાગે તો શું સ્થિતિ થાય વાહનચાલકોની સમજવું મુશ્કેલ નથી. આવા રોડ પરની સ્થિતિ જોઈને એકવાર તો ચોક્કસ છે કે શહેરીજનો વરસાદની સીઝનમાં ભગવાન ભરોસે જ છે. શહેરના મુખ્ય માર્ગ પર ક્યારે કેટલો ઊંડો ખાડો આવશે, ક્યારે કયા માર્ગ પર ભૂવો પડશે એવા ડર સાથે વાહનચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે.
ZEE 24 કલાકે AMC રેડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈને પૂછ્યા સવાલ, રસ્તા વચ્ચે પડેલા મસમોટા ખાડા અંગે શું લેવાશે પગલા?
જુઓ Video #Ahmedabad #AhmedabadRain #Monsoon2022 #Potholes #Road #AMC @AmdavadAMC @CollectorAhd @AMC_Complaints pic.twitter.com/18sTIIcpGY
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2022
વડોદરાના લક્ષ્મીપુરા પમ્પિંગ સ્ટેશન પાસે ભૂવો
રાજ્યમાં ખાડાવાદ માત્ર અમદાવાદમાં જ નહીં, વડોદરાના લક્ષ્મીપુરા પમ્પિંગ સ્ટેશન પાસે પણ ભૂવો પડ્યો છે. 20 ફૂટ પહોળો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોર્પોરેશને રોડ પાસે પતરા મારી સંતોષ માન્યો છે. 15 દિવસ વિત્યા છતા રિપેરીંગની કામગીરી ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર છે. ભૂવો પડવાના કારણે આંબેડકરનગર,અનુરાગ સોસાયટી,જલારામ સોસાયટી, સુરભી પાર્ક સહિત અનેક સોસાયટી તરફનો રસ્તો બંધ કરાયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ભાવનગરમાં રોડ-રસ્તા ધોવાયા
ભાવનગર શહેરમાં પણ ભારે વરસાદ બાદ રોડ-રસ્તા ધોવાયા છે. રિંગ રોડ, મુખ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારના માર્ગો ધોવાયા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતાં વાહન ચાલકો અને રાહાદારીઓ પરેશાન દેખાઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા રોડ વરસાદની શરૂઆતમાં જ ધોવાઈ ગયા છે. નવા બનાવાયેલા ડામર રોડ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડ્યા છે ત્યારે મનપાની બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે. ત્યારે બિસ્માર રોડને રિપેરિંગ કરાય તેવી લોકોની માગ.
ZEE 24 કલાકના અહેવાલની અસર, તૂટેલા રોડ અને ભૂવાઓ મામલે બેઠકનું આયોજન..
AMC તંત્રએ બોલાવી બેઠક..#Ahmedabad #AhmedabadRain #Monsoon2022 #Potholes #Road #AMC @AmdavadAMC @CollectorAhd @AMC_Complaints @arpan_kaydawala pic.twitter.com/mxtSdROo3G
— Zee 24 Kalak (@Zee24Kalak) July 17, 2022
રાજકોટ શહેરના રોડ રસ્તાઓ બિસ્માર
શહેરના 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કમર તોડ ખાડાને કારણે અકસ્માત થવાનો ભય વધી ગયો છે. વાહન ચાલકોને ખાડાને કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે ગેરેન્ટી વાળા રસ્તાઓ કોન્ટ્રકરોને જ રીપેર કરવા આદેશ કર્યો છે. 5 વર્ષ જુના રસ્તાઓનું રીપેરીંગ કામ RMC કરશે. કરોડો રૂપિયાના ખાડા પૂરવા રાજકોટ મનપા ખર્ચ કરશે.
મહત્વનું છે કે, રાજ્યમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાંક વેધકો સવાલના જવાબ તંત્ર પાસે છે કે નહીં તે જોવાનું રહ્યું. AMC તંત્ર શું ઊંઘમાં છે? જો અહીંથી વાહન પસાર થયું હોત તો શું થયું હોત? રસ્તાઓ કેમ સ્વિમિંગ પુલ બની જાય છે? આ તે કેવા રસ્તા છે જે 20 ફૂટ સુધી બેસી જાય છે? AMC તંત્ર હવે વાતો જ કરશે કે કંઈ પગલાં પણ લેશે? AMC તંત્રમાં બેસેલા લોકો AC ચેમ્બરમાંથી ક્યારે બહાર નીકળશે? ટેક્સ ભરનાર પ્રજાને AMC શું ખાડા અને ભૂવા આપી રહી છે? બેદરકાર કોની AMCની કે કોન્ટ્રાકટરની? શું રોડ બનાવવામાં પોલંપોલ ચાલી રહી છે? અગાઉ પણ હાઈકોર્ટે AMCને ફટકાર લગાવી હતી. શું હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMC તંત્ર ના જાગ્યું? દર વર્ષે AMC તંત્ર કેમ બહાના બતાવે છે? જેવા અનેક સવાલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે