માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન, 'ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી'

રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, માવઠાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે.

માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન, 'ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી'

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, માવઠાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરની અછત મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે, DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. હવે ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.

માવઠાની આગાહીને પગલે ભાવનગરના ખેડૂતો ચિંતામાં
ભાવનગર યાર્ડમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતો માવઠાની આગાહી વચ્ચે ખુલ્લામાં જણસી મુકવા મજબૂર બન્યા છે. જો માવઠું થશે તો ખેડૂતોનો બધો પાક પલળી જશે. ભાવનગર માર્કેટયાર્ડમાં જણસીની આવકનો પ્રતિબંધ મુક્યાની કોઈ જાહેરાત ન કરાતા ખેડૂતો કપાસ, ડુંગળી, મગફળી, ઘઉં અને ચણા સહિતનો પાક લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે પહોંચ્યા હતા. પરંતુ યાર્ડમાં પૂરતા શેડ સહિતની સુવિધા ન હોવાથી પાક ખુલ્લામાં મુકવાની નોબત આવી છે. જો માવઠું થશે તો પાક પલળી જશે અને ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે.

માવઠાની આગાહી વચ્ચે ઓલપાડની ચાર મંડળીની બેદરકારી
માવઠાની આગાહી વચ્ચે ઓલપાડની ચાર મંડળીની ઘોર બેદરકારી સામે આવી છે. ઓલપાડ ટાઉન ખાતેના જિનમાં ખેડૂતોનો 300 ક્વિન્ટલ કપાસ હજુ પણ ખુલ્લા આકાશ નીચે જ છે. માવઠાની આગાહી છે તેમ છતાં પણ મંડળીએ ખેડૂતોનો કપાસ સલામત સ્થળે નથી ખસેડ્યો. જો માવઠું થશે અને કપાસ પલળી જશે તો જવાબદાર કોણ? માવઠાથી પાક પલળી જાય પછી પૂરતા ભાવ નથી મળતાં અને ખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવે.

રવિ સીઝનમાં યુરિયાની અછતથી ખેડૂતો ચિંતામાં
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. રવિ સિઝનમાં ખેડૂતોએ મસમોટા ખર્ચ કરીને રાયડો, જીરૂ, ઘઉં અને એરંડા સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર તો કર્યું પરંતુ ખાતર નથી મળતું. હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે તેવામાં ખાતરની અછતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ ખાતર મળતું નથી. જો સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર મોટી અસર થશે અને ખેડૂતોને મોટાપાયે નુકસાન થશે. જેથી ખેડૂતો ફરીથી એક વખત પાયમાલ થશે. ખેડૂતોને દર વર્ષે રવિ સિઝનમાં જ ખાતર નથી મળતું. તેમ છતાં કૃષિ વિભાગ ખેડૂતોની માટે કોઈ નક્કર કામગીરી નથી કરતું. ખેડૂતોએ વાવેતર કરીને પિયત પણ કર્યું પણ ખાતરની અછત છે જેથી ખેડૂતોમાં ભારે રોષ છે. વહેલીતકે ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતોએ માગ કરી છે.

25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતમાં 26થી 28 તારીખના રોજ માવઠું થશે. સુરતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. તો કચ્છના કેટલાક વિસ્તાર અને મહેસાણા, પાલનપુરમાં માવઠું થઈ શકે છે. 27 નવેમ્બર પછી ઘઉં, રાયડા અને સરસવના પાક માટે હવામાન સારૂ રહેશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news