અમદાવાદના વૈષ્ણોદેવી-ઝુંડાલ રોડ પર અકસ્માતમાં બે મોત, એક ઘાયલ
ટોરેન્ટ ફાર્માની લક્ઝરી બસે સર્જ્યો ટ્રિપલ અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી બસે બે સાઈકલ ચાલક, એક રીક્ષા અને એક કારને લીધી અડફેટે
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના માર્ગ ઉપર ત્રાગડ ગામ નજીક સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં, જ્યારે અન્ય એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઝુંડાલથી વૈષ્ણોદેવી જવાના માર્ગ ઉપર એક યુવક અને યુવતી ભાડાની સાઈકલ લઈને સાઈકલિંગ કરવા નિકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટોરેન્ટ ફાર્માની બસે સૌથી પહેલાં તેમને અડફેટે લીધા હતા. ત્યાર બાદ બસે આગળ જતી એક કાર અને રીક્ષાને પણ ટક્કર મારી હતી.. સાઈકલ પર જઈ રહેલા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘાયલોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી.
ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.એચ. વાડાએ જણાવ્યું કે, "ઝુંડાલ સર્કલ તરફ જતાં જે ગરનાળું આવે છે ત્યાંથી એક યુવક અને યુવતી માય બાઈક નામની ભાડાની સાઈકલ લઈને જતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે તેમને ટક્કર મારતાં તેઓ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજા પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે મોકલી અપાયો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકના સગા-સંબંધીને શોધીને તેમને જાણ કરાઈ છે. પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે વધુ તપાસ કરી રહી છે."
પ્રાથમિક માહિતી મુજબ ઝુંડાલથી વૈષ્ણોદેવી જવાના માર્ગ પર ત્રાગડ ગામ નજીક થયેલા અકસ્માતમાં જે યુવક અને યુવતીનાં મોત થયા છે તેમનાં નામ રોશન ઠાકુર અને સ્વાતી શર્મા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રોશન ઠાકુર ગોદરેજ ગાર્ડન સીટીની નજીક આવેલા દેવમ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. સ્વાતી ફિયાન્સને મળવા માટે આજે જ રોશનના ઘરે આવી હતી. બંનેની હજુ એક મહિના પહેલાં જ સગાઈ થઈ હતી અને ત્રણ મહિના પછી તેમનાં લગ્ન થવાના હતા.
સ્વાતી મળવા આવી હોવાથી બંને મોડી સાંજે 7 કલાકે માય બાઈક નામની ભાડાની સાઈકલ લઈને સડક પર લટાર મારવા નિકળ્યા હતા. ત્યાં અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું. જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં મૃતક યુવક-યુવતીનાં પરિજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ટોરેન્ટ ફાર્માની બસના ડ્રાઈવરની તબિયત અચાનક ખરાબ થઈ હતી, જેના કારણે તેણે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. બસના ડ્રાઈવરને પેરેલિટિક એટેક આવ્યો હતો અને હાલ ડ્રાઈવરને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસે સૌથી પહેલા સાઈકલ ચાલક યુવક-યુવતીને અડફેટે લીધા હતા અને ત્યાર બાદ એક કાર અને એક રીક્ષાને ટક્કર મારી હતી. જોકે, પોલીસ અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે