પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી! રોડ પર કચરાનો વિશાળ ડુંગર, 10 ગામના લોકોનો સંપર્ક કપાયો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ આવેલી છે જે ડમ્પીંગ સાઈટ પર પાલિકા દ્વારા શહેરનો વેસ્ટ કચરો નાખવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર ખાનગી એજન્સીને છેલ્લા ત્રણ વર્ષથી આપવામાં આવ્યું છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે. સરકારના લાખો રૂપિયા ડમ્પિંગ સાઈટ પર પ્રોટેક્શન વોલ તૈયાર કરવા વાપર્યા બાદ પણ ડમ્પિંગ સાઈટના કચરા માટે જગ્યા ન હોવાના કારણે કચરાના ઢગ રોડ ઉપર આવતા 10 થી વધુ ગામોને પાલનપુર થી જોડી રાખતો રોડ બંધ થયો છે. તો બીજી તરફ ડમ્પિંગ સાઇટ પર પણ કચરો મુકવાની હવે જગ્યા ન બચતા કોન્ટ્રાક્ટરે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓના પૈડા થંભાવી દીધા છે..જોકે હવે શહેરમાં કચરો ન ઉઠાવતા શહેર ગંદકી તરફ ધકેલાય તેવી સ્થિતિ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં માલણ દરવાજા નજીક ડમ્પિંગ સાઈટ આવેલી છે જે ડમ્પીંગ સાઈટ પર પાલિકા દ્વારા શહેરનો વેસ્ટ કચરો નાખવા માટે કરોડો રૂપિયાનું ટેન્ડર ખાનગી એજન્સીને છેલ્લા ત્રણ વર્ષથી આપવામાં આવ્યું છે જેને લઈને ખાનગી એજન્સી ત્રણ વર્ષથી શહેરનો કચરો ડંપિંગ સાઈડ ઉપર ઠાલવી રહી છે જો કે છેલ્લા કેટલાય સમયથી શહેરમાંથી નિકાલ કરાતા આ વેસ્ટ કચરાનો ડમ્પિંગ સાઇટ પરથી કોઈ નિકાલ ન કરાતા આજે ડમ્પીંગ સાઈટ પર કચરાના મોટા ડુંગર ઊભા થઈ ગયા છે.
જોકે પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમય પહેલા લેગસી વેસ્ટના નિકાલની કામગીરી તો આરંભી પરંતુ ગોકળગતીએ થતી આ કામગીરીને પગલે ડમ્પિંગ સાઈટ પર કચરાનો ઢગ દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે અને હવે કચરો ડમ્પિંગ સાઈટ નજીકથી પસાર થતાં 10 ગામને જોડતા માર્ગ ઉપર ઉતરી ગયો છે અને તેને જ કારણે આ માર્ગ પણ બંધ થયો છે. મહત્વની વાત છે કે ડમ્પીંગ સાઈટનો આ કચરો માર્ગ પર ન ઉતરે અને માર્ગ બંધ ન થાય તેને લઈ પાલિકાએ રૂપિયા 45 લાખના ખર્ચે ડમ્પિંગ સાઇટની ફરતે પ્રોટકશન વોલ બનાવવાની શરૂઆત તો કરી અને આગળના ભાગે પ્રોટેક્શન વોલ બની તો ગઈ પરંતુ તે બાદ પણ કચરા નો નિકાલ ન થતા આજે ડમ્પિંગ સાઈટનો કચરો જાહેર માર્ગ પર ઉતરી ગયો અને 10 ગામોને જોડતો માર્ગ બંધ થયો છે.
તો બીજી તરફ ડમ્પિંગ સાઈટ પર શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવી નિકાલ કરતા વાહનોને ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવાની જગ્યા જ ન વધતા હવે ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી એજન્સીના કોન્ટ્રાક્ટરે વાહનોના પૈડા થંભાવી દીધા છે અને તેને જ પગલે હવે ચોમાસા જેવી સ્થિતિ ઋતુમાં શહેરીજનો કચરાનું નિકાલ કરે તો ક્યા કરે તે એક સવાલ ઊભો થયો છે..જોકે આ મામલે એજન્સીના સુપરવાઈઝરે જગ્યા ન હોવાનું કહીને કામ બંધ કર્યું હોવાનું કહીને પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા છે.
પાલનપુર શહેરના નાગરિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે તેવો સમયસર વેરો ભરી રહ્યા છે જોકે પાલિકાએ કચરો ઉપાડવા માટે વર્ષે કરોડોનું ટેન્ડર આપ્યા બાદ પણ ખાનગી એજન્સી દ્વારા રોજે રોજ કચરો ન ઉપાડતા તેમજ હવે કચરો ઉપાડવાનું સદંતર બંધ કરી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેવો પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાથી લોકોના ટેક્ષના પૈસા બરબાદ થઈ રહ્યા હોવાનું કહી સ્થનિકો રોષ ઠાલવી રહ્યા છે તો બીજી બાજુ પાલિકાના વિપક્ષ નેતા પણ ડોર ટું ડોર કચરો ઉઠાવતી એજન્સી અને પાલિકાના સત્તાધીશો ગળાડૂબ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોવાથી પ્રજા પીડાઈ રહી હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે