પટેલના ઘરે ખાલી 4 પંખા હતા અને બિલ આવ્યું 20 લાખથી વધુ, DGVCLવાળાની ભલી થજો!
નવસારીના બીલીમોરા શહેરમાં ખાડા માર્કેટ નજીક SVP રોડ ખાતે રહેતા પંકિતાબહેન અને તેમની દેરાણી દિવ્યાબેનનો પરિવાર સંયુક્ત રીતે રહે છે. જેમનું લાઈટ બિલ પંકીતા બહેનના સસરા સ્વ. અશોકભાઈ સુક્કરભાઈ પટેલના નામે આવે છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનું લાઈટ બિલ કેટલું આવી શકે, તમે ક્યારેક અનુમાન કર્યું છે? ઘણાને તો હજાર રૂપિયા બીલ આવે તો હાંજા ગગડી જતા હોય છે? ત્યારે બીલીમોરાના એક મધ્યમ વર્ગીય પરિવારને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 20 લાખથી વધુનું બિલ પકડાવી દેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે?
નવસારીના બીલીમોરા શહેરમાં ખાડા માર્કેટ નજીક SVP રોડ ખાતે રહેતા પંકિતાબહેન અને તેમની દેરાણી દિવ્યાબેનનો પરિવાર સંયુક્ત રીતે રહે છે. જેમનું લાઈટ બિલ પંકીતા બહેનના સસરા સ્વ. અશોકભાઈ સુક્કરભાઈ પટેલના નામે આવે છે. દર બે મહિને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આવતું બીલ 2,000 રૂપિયાની આસપાસ રહે છે. પરંતુ ગત એપ્રિલ-મે મહિનાનું લાઈટ બિલ અધધ...20,01,902 રૂપિયા નોકરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા પંકીતાબેન અને દિવ્યાબેનના પરિવારના હાંજા ગગડી ગયા હતા.
ઘરમાં 8 ટ્યુબલાઈટ, 4 પંખા, 1 ટીવી, 1 ફ્રીજ અને 1 પાણીની મોટર ઈલેક્ટ્રીકસીટીથી ચાલે છે. પરંતુ તેનું 20 લાખ રૂપિયાનું બીલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ફટકારતા પટેલ પરિવાર ચિંતામાં મુકાયો છે. પરિવારનો વપરાશ પણ એટલો નથી. પરિવારના ત્રણ સભ્યો આખો દિવસ નોકરી પર હોય છે. એક સભ્ય ઘરે હોય છે, તો શું આટલો વપરાશ હોઈ શકે..? આ પ્રશ્ન પરિવારની મહિલાઓ પૂછી રહી છે. સાથે જ અમારી ભૂલ નથી. અમે આટલો વપરાશ કર્યો નથી. જેથી જે રેગ્યુલર બીલ અગાઉ આવતું હતું. એટલું જ બીલ ભરવાની પટેલ પરિવાર તૈયારી બતાવી રહ્યો છે. સાથે જ GEB માં પોતે જઈને સુધારો ન કરે, પરંતુ GEB ના અધિકારીઓ ઘરે આવીને સુધારો કરી આપે તેવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પરિવારે વીજ કંપનીના અધિકારીને બીલ વિશે માહિતી આપી, ત્યારે તેમણે ભૂલ સ્વીકારી બીલમાં સુધારો કરવાની તૈયારી દર્શાવી હોવાનું પટેલ પરિવાર જણાવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે