દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ ગુજરાતમાં આવેલું ભામૈયા ગામ ત્રણ ભાગમાં વહેંચાયું, ગ્રામજનો ત્રાહીમામ
પંચમહાલમાંથી પણ પસાર થતા આ એક્સપ્રેસ રોડના નિર્માણ દરમ્યાન ગોધરાનું એક ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: વડાપ્રધાનના અતિ મહત્વાકાંક્ષી ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલ દિલ્હી બોમ્બે કોરિડોરને લઈ મોટી સમસ્યા સર્જાઇ છે. પંચમહાલમાંથી પણ પસાર થતા આ એક્સપ્રેસ રોડના નિર્માણ દરમ્યાન ગોધરાનું એક ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરા શહેર નજીકથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ અહીં આવેલું ભામૈયા ગામ બે ભાગમાં વહેંચાયું છે. જેથી ગામના તમામ ફળિયાના રહીશો એકબીજાથી હાલ વિખુટા પડી ગયા છે. જેમાં પણ અંદાજિત 400 ઉપરાંતની વસ્તી ધરાવતા પાંડવા ફળિયાના રહીશોની હાલત ખૂબ જ દયનીય બની છે. આ ફળિયામાં વસવાટ કરતા તમામ પરિવારો શ્રમિક પરિવારો છે. જેઓ રોજે રોજ કમાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને સાથે જ ભામૈયા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પોતાના 60 ઉપરાંત બાળકોને અભ્યાસ માટે મોકલી રહ્યા છે.
અંદાજિત ત્રણ કિલોમીટર દૂર આવેલી ભામૈયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ ને હાલ અહીં તેઓના જુના આરસીસી માર્ગ ઉપર ટોલ નાકુ બનાવી દેવામાં આવતાં માર્ગ બંધ થઈ ગયો છે.જેથી હાલ તેઓ ને ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે તેમજ ટોલ નાકુ એમ બે માર્ગ ઓળંગી જોખમી રીતે મજબૂરી વશ શાળાએ જવું પડી રહ્યું છે.
અહીંના વર્ષો જૂના આરસીસી માર્ગને ટોલનાકાના નિર્માણ દરમિયાન બંધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી પોતાના કાયમી માર્ગ બંધ નહીં કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે પ્રાંત અધિકારી સહિત રોડને કામ કરતી ખાનગી ખાનગી કંપનીના સંચાલકોએ સ્થાનિકોને મૌખીક હૈયાધારણા આપી માર્ગ બનાવી આપવાનું જણાવ્યું હતું પરંતુ ટોલનાકુ બની જતા હવે કંપનીના સંચાલકો અને તંત્ર દ્વારા હાથ અધ્ધર કરી દેવામાં આવતા સ્થાનિકો માં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.
અહીંથી નીકળવા માટે અન્ય એક વૈકલ્પિક માર્ગ છે જે અંદાજિત પાંચ કિ.મી ઉપરાંત લાંબો અને જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય ત્યાંથી પોતાના બાળકોને શાળાએ મોકલવામાં વાલીઓને હિંસક પ્રાણીઓ નો હુમલો થવાનો ભય સતાવી રહ્યો છે સાથે જ વર્ષોથી વિદ્યાર્થીઓ એકલા જ નિશાળે જતા હતા અને પરિવારો વહેલી સવારથી મજૂરી કામ માટે નીકળી જતા હતા. ત્યારે હવે વાલીઓને પોતાના બાળકો ને શાળાએ લેવા અને મૂકવા જવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેથી અહીંના રહીશો એ બે દિવસ અગાઉ જ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપી પોતાના કાયમી આર સી સી માર્ગને કાર્યરત રાખવામાં આવે એવી માગણી કરી છે.
પાંડવા ફળિયાના રહીશો ખૂબ જ દુઃખ સાથે પોતાની વેદના રજુ કરતા જણાવી રહ્યા છે કે સરકાર ના વિકાસ કામો માટે તેઓએ પોતાની જમીન આપી દેતા સહેજ પણ વિચાર કર્યો નથી પરંતુ સરકારે તેઓના અવરજવર ના માર્ગની સહેજ પણ ચિંતા કરી નથી. અહીંની વાત કરવામાં આવે તો અહીં અગાઉ પાનમ હાઇ લેવલ કેનાલ પસાર થતી હોવાથી ખેડૂતોએ જમીન સંપાદનમાં આપી હતી.
કેનાલ બન્યા બાદ હાલ જેમાં પણ બાળકો પડી જવાના ભય વચ્ચે રહીશો જીવન વ્યતિત કરી રહ્યા છે.જેના બાદ દિલ્હી મુંબઈ હાઈવે માટે પણ ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન આપી દીધી છે. ત્યારે હવે એક તરફ કેનાલ અને બીજી તરફ ટોલનાકુ આ બંનેની વચ્ચે અહીંના શ્રમજીવી પરિવારો પીસાઈ રહ્યા છે ત્યારે સરકાર પણ તેઓની વ્હારે આવે અને વિદ્યાર્થીઓના બગડી રહેલા અભ્યાસ અંગેની ચિંતા કરે એ પણ એટલું જ જરૂરી જણાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે