બોગસ કોલસેન્ટરનો મોટો કૌભાંડી લાખો રૂપિયાના દાગીના સાથે દારૂની મહેફીલમાં ઝડપાયો
Trending Photos
અમદાવાદ: શહેરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા લોકો પૈકીનો એક નિરવ રાયચુરા પોતાના ત્રણ સાગરિતો સાથે દારૂની મહેફીલ માણતો ઝડપાયો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુની બાતમીના આધારે પોલીસે નિવર રાયચુરાની આનંદનગર ખાતે આવેલી સફલ પ્રોફી ટેર કોમ્પલેક્સમાં આવેલી ઓફીસ પર દરોડા પાડ્યા હતા. 2016માં થાણે ક્રાઇમ બ્રાન્ચે સાગર ઠક્કર ઉર્ફે સેગીના સૌથી મોટા કોલસેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે નિરવ રાયચુરાનું નામ પણ સામે આવ્યું હતું. જો કે હાલ તો તેની દારૂના કેસમાં ધરપકડ કરી છે અને પુછપરછ ચાલી રહી છે.
DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુને મળેલી બાતમીના આધારે તેની ઓફીસ ખાતે સોમવારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. જે સમયે દારૂની મહેફીલ માણી રહેલ નિરવ રાયચુરા, સંતોષ સોંડા અને રાહુલ પુરબીયા તેની સાથે મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે બે વાઇનની બોટલ, આઇડી એડ્રેસ સહિતની અનેક શંકાસ્પદ માહિતી લખેલી ડાયરી, 5 મોબાઇલ ફોન, ચપ્પુ, છરો અને દારૂની 11 બોટલ મળી આવી હતી.
પોલીસે બે આઇફોન અને લેપટોપ પણ કબ્જે કર્યા છે. આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીનાં ડેટા તેને લગતી ચેટ અને વિવિધ મેચમાં લગાવાયેલા સટ્ટાના હિસાબો મળી આવ્યા હતા. હાલ પોલીસે તમામના મોબાઇલ ફોન જપ્ત કરીને FSL માં વધારે તપાસ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત નિરવના મોબાઇલમાંથી અલગ અલગ બુટલેગર સાથેની વાતચીતના મેસેજ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પરાગ નામનો બુટલેગર દારૂ પુરો પાડતો હોવાનું સામે આવતા તેને ઝડપી લેવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા પડાયેલા દરોડામાં નિરવની ઓફીસ ખાતેથી ટેબલના ડ્રોઅરમાં રહેલા હિરા જડિત સોનાના દાગીના કબ્જે કર્યા છે. આ આઠેક જેટલા દાગીનાની કિંમત 39.25 લાખ રૂપિયા થાય છે. ઝેમાં માત્ર 27.60 લાખ રૂપિયાની સોનાની ચેઇનો પણ મળી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે