વલસાડના ઉમરગામમાં કલાકો સુધી શાળામાં પુરાઈ રહી વિદ્યાર્થીની
પટાવાળો અને શિક્ષકો બહારથી તાળુ મારીને જતા રહ્યા, કોઈને ખબર જ ન હતી કે શાળામાં વિદ્યાર્થીની પુરાયેલી છે, વાલીઓ અને ગ્રામજનોમાં સ્કૂલ સંચાલકો સામે ભારે નારાજગી
Trending Photos
ઉમરગામઃ વલસાડના ઉમરગામની એક શાળામાં શિક્ષકો અને પટાવાળાની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનીને કલાકો સુધી સ્કૂલમાં પુરાઈ રહેવું પડ્યું હતું. સોમવારે ગણપતિ વિસર્જનને લઇને શાળા બે કલાક વહેલા છોડી દેવામાં આવી હતી. શાળા છુટવાનો બેલ વગાડવામાં આવ્યો નહોતો. મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં ન હોવાનું વિચારીને પટાવાળા અને શિક્ષકો સ્કૂલને તાળું મારીને ઘરે પહોંચી ગયા.
આ બાજુ, સ્કૂલ છુટવાનો સમય પુરો થઈ ગયા બાદ વિદ્યાર્થીની ઘરે ન પહોંચતા તેના વાલીઓએ તેને શોધવા માટે દોડધામ કરી મુકી હતી. છેલ્લા શોધતા-શોધતા વાલીઓ સ્કૂલ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીની સ્કૂલના ઝાંપાની અંદર બેગ લઈને બહાર કોઈ દેખાય તો બોલાવા માટે શોધી રહી હતી. વાલીઓને જોઈને વિદ્યાર્થીની ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી.
વલસાડના ઉમરગામના નારગોલની જલારામ ન્યૂ હાઈસ્કુલમાં આ ઘટના બની હતી. 7મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલમાં પુરાઈ ગઈ હતી. સ્કૂલમાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને વિદ્યાર્થીઓને બે કલાક વહેલા છોડી દેવાયા હતા. જોકે, સ્કૂલ છૂટવા માટેનો બેલ વગાડવામાં આવ્યો ન હતો.
વિદ્યાર્થીની બાથરૂમમાં ગઈ હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ શિક્ષકો અને પટાવાળો પણ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી હાજર નથી એમ સમજીને બહારથી તાળું મારીને જતા રહ્યા હતા. સ્કૂલ દ્વારા દાખવવામાં આવેલી આવી બેદરકારીને કારણે વાલીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે