PM મોદીના પ્રવાસ પહેલા બંદોબસ્તમાં રહેલા 7 પોલીસ કર્મચારી CORONA પોઝિટિવ આવતા હડકંપ
Trending Photos
છોટાઉદેપુર : જિલ્લામાં આજે એક સાથે 7 પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં બંદોબસ્તમાં જનાર તમામ પોલિસ કર્મીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી અપાયેલ માહિતી પ્રમાણે પોલીસ કર્મી સહિત જિલ્લામાં આજે 700 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એક છોટાઉદેપૂર અને 6 સંખેડાના પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં નહીં મોકલાય અને તેમને કોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના સંક્રમીતોનો કુલ આંક 594 થયો છે. 3 લોકોએ કોરોનાને લઈ જીવ ગુમાવ્યો છે,તો 532 લોકો સાજા થયા છે જ્યારે 42 દર્દીઓ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અનેક પોલીસ કર્મચારીઓ સંક્રમિત થઇ ચુક્યા છે અને મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સાજા થઇને પરત પણ ફરી ચુક્યા છે. જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ કોરોનાને કારણે મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં રહેલા તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. જેમાં આટલા મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા તંત્ર પણ એક તબક્કે દોડતું થયું છે. બીજી તરફ આ તમામ પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાંથી હટાવી દેવા માટે પણ પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના અગાઉ પણ બની ચુકી છે. જેમાં ભાવનગર જિલ્લાનાં મહુવા પોલીસ સ્ટેશનનાં તમામ કર્મચારીઓ એક સાથે કોરોનાની ઝપટે ચડ્યા હતા. જેમાં ડીવાયએસપી, તેના ડ્રાઇવરથી માંડીને પી.આઇ તમામ પીએસઆઇ સહિતનો સમગ્ર સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હતો. માત્ર ત્રણ પોલીસ કર્મચારીઓનાં આધારે સમગ્ર પોલીસ સ્ટેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે