PMOના અધિકારી બની રાજકીય લોકોને ઠગતાં પોતે જ ભરાયા! કુખ્યાત ગેંગના 6ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં દેખાતા આ આરોપીઓના નામ ભરતસિંહ જાંટવ, ઈર્શાદ ખાન નિયાઝમોહંમદ મેવ, ઈર્શાદ રુકુમદ્દીન મેવ, સાબીર મેવ, રકીબ મેવ તેમજ મોહમંદ જહાન મેવ છે. આરોપી ઓ રાજસ્થાન અને હરિયાણાના પલવલ અને રહેવાસી છે.

PMOના અધિકારી બની રાજકીય લોકોને ઠગતાં પોતે જ ભરાયા! કુખ્યાત ગેંગના 6ની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી ભાજપના કાર્યકર્તાને મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું જણાવી છેતરપિંડી આચરવાના પ્રયાસ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા હરિયાણા અને રાજ્યના મેવાતી ગેંગના છ સભ્યોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ જયપુર હાઇ-વેના ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું કહી શરૂઆતમાં 10થી 12 લાખ રૂપિયા આપવાનું કહી પૈસા પડાવતા હતા. આરોપીઓ વડાપ્રધાન અને રાજસ્થાનના માજી મુખ્યમંત્રીના નામે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં દેખાતા આ આરોપીઓના નામ ભરતસિંહ જાંટવ, ઈર્શાદ ખાન નિયાઝમોહંમદ મેવ, ઈર્શાદ રુકુમદ્દીન મેવ, સાબીર મેવ, રકીબ મેવ તેમજ મોહમંદ જહાન મેવ છે. આરોપી ઓ રાજસ્થાન અને હરિયાણાના પલવલના રહેવાસી છે. ફરિયાદ ની વિગતો મુજબ વાત કરવામાં આવે તો ગત 20 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં એક ગુનો નોંધાયો હતો. 

જેમાં અમદાવાદ ના ભાજપના કાર્યકર ને આરોપીઓએ ફોન કરી પીએમઓના ઉચ્ચ અધિકારી તરીકેની પોતાની ઓળખ આપીને જણાવ્યું હતું કે વડાપ્રધાન તેઓની ભાજપના કાર્યકર્તા તરીકે ની કામગીરી થી ખુશ છે અને તેઓ ઇચ્છે છે કે તે કાર્યકર રાજસ્થાન ના માજી મુખ્યમંત્રી ના અધ્યક્ષપણા હેઠળ જયપુર હાઇવે પરના ફાર્મ હાઉસના પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ કરે..આવી વાત કરીને ફરિયાદીની સાથે વોટ્સએપ કોલ તેમજ મેસેજ કરી પ્રોજેક્ટની કિંમત ચાર કરોડથી વધુ છે. 

તેવું જણાવી અત્યારે 10 થી 12 લાખનું રોકાણ કરો અને બાકીની રકમ આપ ને આપવામાં આવનાર ભેટ તરીકે ગણી લેવામાં આવશે તેવું જણાવતા હતા. અમદાવાદ ના ભાજપના કાર્યકર સાથે છેતરપિંડી કરવાની આરોપીઓએ પ્રયત્ન કર્યો હતો તેમજ ફરિયાદીને પ્રોજેક્ટના બનાવટી ફોટા પણ મોકલ્યા હતા. પરંતુ ફરિયાદીને શંકા જતા આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ માં ફરિયાદ નોંધાવી હતી. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદને લઈને ફોન કોલ ના આધારે ટેકનિકલ એનાલિસિસ કરતા ફોન હરિયાણા રાજ્યના પલવલ જિલ્લામાંથી કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરિયાણામાં તપાસ કરતા ત્યાં થી પલવલના હથીમ જિલ્લામાં રહેતા મહમંદ જહાન નામના વ્યક્તિએ દ્વારા તેના મળતીયાઓ સાથે મળીને આ ફોન કોલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ વધુ તપાસ કરતા તમામ આરોપીઓને પલવલ ખાતેથી પકડવામાં આવ્યા છે. 

આરોપી ઓની વધુ તપાસ કરતા સામે આવ્યું કે તેઓ પહેલા નટરાજ કંપની ની પેન્સિલ પેકિંગ માટે વર્ક ફોર્મ હોમ ની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા. જેના આધારે કોઈનો ફોન આવે તો તેઓને વર્ક ફ્રોમ હોમની કામગીરી કરવા માટે મહિને 15 હજાર રૂપિયા આપવાનું કહી રજીસ્ટ્રેશન ના નામે 620 રૂપિયા ઓનલાઇન ભરાવડાવતા હતા. આ રીતે આઠથી દસ લોકોના રૂપિયા આવી જાય તો સીમકાર્ડ તોડી ઠગાઈ આચરતા હતા. જોકે તે કામમાં તેમને સંતોષ ન થતા ઓછા રૂપિયા મળતા હોવાથી મોટા રાજકીય લોકોને ફસાવવાનું નક્કી કર્યુ અને પીએમઓ ઓફિસના અધિકારી તરીકે વાત કરી છેતરપિંડી આચરવા નું શરૂ કર્યું હતું.આરોપી ઓ આ ભાજપ ના કાર્યકર્તા નો ડેટા સોશિયલ મીડિયાના માધ્યમ થી મેળવી ને કોલ કરતા હોવા નું સામે આવું છે. 

પકડાયેલા આરોપીઓ માં ભરતસિંહ જાંટવ પોતાના નામે સીમકાર્ડ ખરીદતો હતો અને ઈર્શાદખાન નિયાઝ મોહંમદ મેવ મારફતે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને સીમકાર્ડ વેચાણ આપતો હતો. કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર આ સીમકાર્ડ અન્ય ઈર્શાદ મેવ તેમજ સાબીર જાફરને વેચાણ આપતો હતો. ઈર્શાદ તેમજ સાબીર બંને જણા રકીબ મેવને સીમકાર્ડ વેચતા હતા અને રકીબ તેના કાકા મોહમંદ જહાન ને વેચાણ કરતો હતો. જે બાદ મહંમદ જહાન આ સીમકાર્ડ નો ફ્રોડ કરવા માટે ઉપયોગ કરતો હતો. 

આરોપીઓને વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ દ્વારા આ રીતે બનાસકાંઠાના એક ભાજપના કાર્યકર ને પણ ફોન કરીને રોકાણ કરાવી છેતરપિંડી નો પ્રયાસ કર્યો હતો અને જે મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. પકડાયેલા આરોપી ઓ અગાઉ હરિયાણાના પલવલ ખાતે અનેક ગુના ઓમાં સામેલ હોય ક્રાઈમ બ્રાન્ચે હાલ એ તપાસ શરુ કરી છે કે આ ગેંગે ગુજરાત અને ભારત ના અન્ય રાજ્યો માં કેટલા કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા કાર્યકરો સાથે છેતરપિંડી આચરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news