કેમિકલ કાંડમાં 37 ના મોત, 89 લોકો અસરગ્રસ્ત; સરકારે ચાર્જશીટ દાખલ કરવાના આપ્યા આદેશ

ગુજરાતના કેમિકલ કાંડમાં અત્યાર સુધી 37 લોકોનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલના બિછાને સારવારમાં છે. જેમાં મોતનો આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે

કેમિકલ કાંડમાં 37 ના મોત, 89 લોકો અસરગ્રસ્ત; સરકારે ચાર્જશીટ દાખલ કરવાના આપ્યા આદેશ

ઝી બ્યુરો, અમદાવાદ: કેમિકલ કાંડે આખા ગુજરાતને હચમચાવી નાંખ્યુ છે. અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે. જ્યારે 89 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મૃતકોએ દારૂ નહીં પરંતુ પાણીમાં કેમિકલ નાંખીને પીધુ હોવાનો ખુલાસો થયો છે. કેમિકલ કાંડ મુદ્દે રાજનિતી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં કયા કયા ગામના કેટલા લોકોના મોત થયા અને આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મુખ્ય આરોપી કોણ છે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડથી મોત બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં કડક પગલાં લેવા સૂચના આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતના કેમિકલ કાંડમાં અત્યાર સુધી 37 લોકોનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલના બિછાને સારવારમાં છે. જેમાં મોતનો આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. ત્યારે બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં 10, દેવગણા ગામમાં 4, ચદરવા ગામમાં 3 અને પોલારપુર ગામમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે રાણપુર, ભીમનાથ, રાણપરી, વેજલકા, વહિયા અને સુંદરણીયા ગામમાં 1-1 લોકોના મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોરડા ગામ એકનું મોત થયું છે. આ ઉપરાંત ધંધૂકામાં 11 લોકોના મોત થયા છે.

કેમિકલ કાંડમાં બોટાદ-ધંધુકા પંથકમાંથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. હાલ 89 લોકો સારવાર હેઠળ છે. જેમાં 70 થી વધુ દર્દીઓ ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય દર્દીઓની અમદાવાદ સિલિવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓમાં હજુ પણ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતદેહોની અંતિમયાત્રા નીકળતા આક્રંદથી દ્રવી ઉઠ્યું આખું ગામ
બોટાદના બરવાળાના રોજિદ ગામે કેમિકલ કાંડથી હાહાકાર સર્જાયો છે. રોજિદ ગામ કેમિકલ કાંડનું મુખ્ય સેન્ટર હતું. મૃતકોમાં સૌથી વધુ બરવાળાના હોવાથી અહીં ચારેતરફ દર્દનાક માહોલ જોવા મળી રહ્યો છે. કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ ગુમાવ્યો. ત્યારે આજે બરવાળાના મૃતકોને આજે અગ્નિદાહ અપાતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રોજિદ ગામમાં હાલ ઝેરી કેમિકલ પીને મોતથી ભેટનારા મૃતદેહોને લાવવામાં આવી રહ્યાં છે. રોજિંદ ગામનો મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે. હાલ 5 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાશે. ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહોની અંતિમયાત્રા નીકળી, આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું છે. હજી પણ અનેક મૃતદેહો સ્મશાન ભૂમિ પર આવશે.

14 બુટલેગરોએ મળીને એવો દારૂ બનાવ્યો કે 37 જણા મોતને ભેટ્યા
બરવાળા પોલીસે કેમિકલ કાંડમાં 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક પાણીમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ દાખલ કરી છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSI એ ફરિયાદ દાખલ કરી છે. બરવાળા ઇન્ચાર્જ પીએસઆઇ બીજી વાળા આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમાં સામે આવ્યુ કે, આરોપીઓ 40 રૂપિયામાં એક પોટલી વેચતા હતા. પિન્ટુએ આ માલ બુટલેગરોને આપ્યો હતો.

જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે અસરગ્રસ્ત દર્દીઓની લીધી મુલાકાત
શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત થયેલ અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇને આરોગ્ય પૃચ્છા કરી હતી. બંને મંત્રીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન સ્વાસ્થય સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર મુલાકાતમાં મંત્રીઓ દ્વારા દાખલ દર્દીઓને માનસિક સધિયારો આપવામાં આવ્યો હતો.

ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે
ગુજરાતમાં કેમિકલ કાંડથી લોકોના મોત થયા બાદ ફરી દારૂબંધી હટાવવાનો મુદ્દો સળગ્યો છે. જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તો પછી દારૂબંધી કેમ એ મુદ્દે ફરી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી સરકાર સામે નિશાન સાધ્યુ છે કે ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ગુજરાતની આ સરકારે આજની લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી.

અમિત ચાવડાએ ગૃહમંત્રીના રાજીનામાની કરી માંગ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતના બરવાળા અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડના કારણે 31થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 20 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે. આ કોઈ લઠ્ઠાકાંડ નહીં પણ સરકાર અને પોલીસ પ્રસાશનની હપ્તાખોરીના પરિણામ સ્વરૂપ હત્યાકાંડ છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની જવાબદારી લઈ તાત્કાલિક દોષીતો સામે પગલા લે અને રાજ્યના નિષ્ફળ ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામુ આપવું જોઈએ.

શુ હતો આસમીબાનુ ઝડકીલાનો રોલ  
લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI આસમીબાનુ ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે આસમીબાનુ ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.

જાણો કઈ રીતે દારૂ બની જાય છે ઝેરી લઠ્ઠો
ગેરકાયદે દેશી દારૂ બનાવનાર પહેલા તો મિથાઈલ આલ્કોહોલની ખરીદી કરે છે. ત્યારબાદ તેમાં ફટકડીનો પાઉડર નાખે છે. મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી ભળી જવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બાદ મિથાઈલ અણુઓ તળીયે બેસી જાય છે અને ઇથાઈલ આલ્કોહોલ ઉપર તરે છે, જે પી શકાય તેવું મનાય છે. ત્યારે આ ઇથાઈલ આલ્કોહોલનું દારુ વેચનારા વેચાણ કરતા હોય છે. જે વિદેશી દારુ કરતા પ્રમાણમાં સસ્તું પડે છે. જોકે, મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી નાખીને જે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી હોય છે. તે સંપૂર્ણ રિતે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી નથી તેથી તેમાં થોડા ઝેરી તત્ત્વો રહી જતા હોય છે. જેના કારણે આ લઠ્ઠો પીનારા લોકો ધીમે ધીમે મરે છે. પરંતુ જો ક્યારેક આ ફટકડીને બદલે ભળતી કોઈ વસ્તુ આવી ગઈ હોય ત્યારે આ ઝેર નીચે બસેતું નથી અને તેને પીધા બાદ પીનારનું તરત મોત થયા છે. એટલે કે દેશી દારુના અડ્ડા પર જ્યારે મિથાઈલ આલ્કોહોલવાળું પીણું આવી જાય ત્યારે તે દિવસે પીનારા તમામ લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news