કોરોનાની રસી લઈને 3 કલાક પૂરા થયા, હજી સુધી કોઈ આડઅસર નહિ

કોરોનાની રસી લઈને 3 કલાક પૂરા થયા, હજી સુધી કોઈ આડઅસર નહિ
  • રાજ્યમાં અન્ય શહેરોમાંથી પણ ક્યાંયથી વેક્સીનની આડઅસરના સમાચાર આવ્યા નથી
  • ફ્રન્ટલાઈન વર્કર્સે રસી લીધા બાદ રસી અંગેની અફવાઓમાં ન આવવા લોકોને અપીલ કરી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજથી રસીકરણ (vaccination) નો પ્રારંભ થયો છે. અમદાવાદની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં વેક્સીનેશનનું કામ ટકોરાબંધ ચાલી રહ્યું છે. ત્યારે આજથી શરૂ કરાયેલા વેક્સીન મહાઅભિયાન (Largest Vaccine Drive) અંગે મોટી અને સારી ખબર એ છે કે, ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થઈને ત્રણ કલાક થઈ ગયા છે. પરંતુ કોરોનાની રસી લેનારા કોઈને આડઅસર થઈ નથી. કોરોનાની રસી (corona vaccine) લેનારા તમામ લોકો સંપૂર્ણ સ્વસ્થ છે. જોકે, રાજ્યમાં અન્ય શહેરોમાંથી પણ ક્યાંયથી વેક્સીનની આડઅસરના સમાચાર આવ્યા નથી. રાજ્યમાં હેલ્થકર્મીઓને હાલ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે ફ્રન્ટલાઈન વર્કર્સે (corona warriors) રસી લીધા બાદ રસી અંગેની અફવાઓમાં ન આવવા લોકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન લીધા બાદ અનેક લોકોને સામાન્ય તકલીફો થતી હોય છે. 

 

વેક્સીન લીધા બાદ શું થશે તેની શક્યતા 
સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી હળવો તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ કોઈપણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી. કંપની તરફથી જારી ફેક્ટશીટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોને આવી મુશ્કેલી આવી શકે છે જે સામાન્ય છે. વેક્સિન (Largest Vaccine Drive) લગાવ્યા બાદ 30 મિનિટ સેન્ટર પર રહેવું પડશે. કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટથી બચવા માટે અલગથી સેન્ટર બનાવવામાં આવ્યા છે. પ્રતિકૂળ પ્રભાવ હોય તો 1800 1200124 (24x7) નંબર પર ફોન કરી શકો છો. 

સિવિલના 7000 કર્મચારીઓને વેક્સીન અપાશે 
અમદાવાદમાં સિવિલમાં ત્રણ કલાકના ગાળામાં 100 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સ વેક્સીન લઈ ચૂક્યા છે. જેમાં 45 ડોક્ટરો તથા અન્ય પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓએ વેક્સીન લીધી છે. હોસ્પિટલમાં ડોક્ટર તથા પેરા મેડિકલ સ્ટાફના કર્મચારી, નર્સિંગ કર્મચારી તથા સફાઈ કર્મચારીઓને વેક્સીન આપવામાં આવનાર છે. જોકે, હજી સુધી તમામ લોકો વેક્સીન લીધા બાદ એકપણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 7000 જેટલા કર્મચારીઓને વેક્સીન આપવાની હોવાથી વેક્સીન સંદર્ભે કોઈ પણ કોરોના વોરિયરને સંકોચ ન થાય તે માટે સિવિલ સુપરિટેડન્ટ, એડિશનસલ સુપરિડેન્ટ, જુદા જુદા વિભાગના ડાયરેક્ટર સહિત અનેક તબીબોએ વેક્સીન લીધી છે. તો સાથે જ એમસીઆઈના પૂર્વ પ્રેસિડન્ટ કેતન દેસાઈએ પણ વેક્સીન લીધી છે. તો એએમએના પૂર્વ પ્રેસિડન્ટ મોના દેસાઈએ પણ વેક્સીન લીધી છે. જેથી ખાનગી હોસ્પિટલમાં કામ કરતા કમચારીઓમાં ઉત્સાહ જાગે, અને મનમાં કોઈ શંકા હોય તો દૂર થાય. વેક્સીનેશન માટે બનાવાયેલી ટાસ્ક ફોર્સના સદસ્યોએ વેક્સીન લઈને ઉદાહરણ પૂરુ પાડ્યું છે. 

વેક્સીન લેનાર તમામને સીએમ અને ડેપ્યુટી સીએમ તરફથી બેજ લગાવવામાં આવ્યો. આ બેજ પર ‘મેં કોરોના વેક્સીન લીધી છે, ગુજરાત સરકાર’ એવુ લખ્યું છે. જેથી કોરોના વોરિયર્સમાં પણ ઉત્સાહ જાગે. ઉલ્લેખનીય છે કે, 28 દિવસ બાદ તમામને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news