કોરોના મહામારી સામે લડવા CM રૂપાણીએ રાહત નિધિનો ખોલ્યો દરવાજો, અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયાની મદદ
કોરોના મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ રાહત નિધિનો દરવાજો ખોલ્યો છે. અત્યાર સુધીમાં કુલ 244 કરોડ રૂપિયાની રાહત નિધિમાંથી નાગરિકોને મદદ કરી છે.
Trending Photos
બ્રિજેશ દોશી, અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા 6 કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સૂત્ર સાથે જંગ છેડી છે. મુખ્યમંત્રી રાહતનિધીમાં કોરોના સામેનીજંગ લડવા પ્રાપ્ત થયેલા દાન ભંડોળમાંથી મુખ્યમંત્રી રૂપાણીએ અત્યાર સુધીમાં રૂ. 244 કરોડ રૂપિયા રાજ્યના શહેરો સહિત છેવાડાના ગ્રામિણ વિસ્તારના નાગરિકોના કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ તેમજ આરોગ્ય સુરક્ષા માટે ફાળવ્યાં છે.
અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 50 કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.10-10 કરોડ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 5-5 કરોડ કોરોનાના સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ફાળવેલા છે. આ ફંડના પરિણામે રાજ્યમાં લગભગ 80 ટકા કોરોના સંક્રમિત લોકો આ સારવારનો લાભ લઈને સાજા થઈ પોતાના ઘરે પહોંચ્યાં.
મુખ્યમંત્રીએ જે મહાનગરોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધુ છે એવા મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, ઘનવંતરી આરોગ્ય રથ, કન્ટેમેન્ટ ઝોન વગેરે માટે પણ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી ફાળવણી કરી છે .
જે ઈન્જેકશનની સૌથી વધુ કાળા બજારી થયાની ફરિયાદો ઉઠી તે માટે પણ મુખ્યમંત્રીએ વિશેષ સહાય કરી. અમદાવાદ મહાનગરમાં રૂ. 1 કરોડના ખર્ચે ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શનની ખરીદી કરીને આશરે 250 દર્દીઓને આ ઇન્જેક્શનથી સારવાર આપવામાં આવી છે.
ગુજરાત મેડિકલ સર્વીસ કોર્પોરેશન લિ. દ્વારા પણ 550 ટોસીલીમીઝૂમેબ ઇન્જેક્શન અમદાવાદ શહેર માટે આપવામાં આવ્યા છે, જેમાંથી 450 દર્દીઓને ઇન્જેક્શન દ્વારા સારવાર આપવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદમાં 110 જેટલા ધનવંતરી રથના માધ્યમથી 6 લાખ જેટલા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સામેની લડાઇ માટે કોરોના સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર અંગે દવાઓ માટે રૂ. 11.46 કરોડ તેમજ જરૂરી મેડિકલ ઇક્વિમેન્ટ માટે રૂ. 4 કરોડ ની રકમ ખર્ચ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ દવાઓ અને સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર કરતા તબીબો માટે પી.પી.ઇ. કીટ માટે રૂ. 13.89 લાખ, ધનવંતરી રથ અન્વયે રૂ. 33.75 લાખ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ પાછળ રૂ.15 લાખથી વધુની રકમ ફાળવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ મુખ્ય મંત્રી રાહત નિધિ માંથી મળેલી રકમ માંથી કોરોના સંક્રમિત વ્યક્તિઓ ની સારવાર માટેના મેડિકલ ઇક્વિમેન્ટ ખરીદી માટે રૂ. 1.72 કરોડથી વધુ ફાળવ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગને પણ મુખ્ય મંત્રી રાહત નિધિમાંથી રૂ. 100 કરોડ ફાળવ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં દૂર સૂદુરના અંતરિયાળ વિસ્તારોને પણ કોરોના સંક્રમણ સામે ઉપચારાત્મક અને આરોગ્ય રક્ષક દવાઓ પૂરી પાડવા જરૂરી દવાઓ ખરીદી માટે રૂ. 11.82 કરોડનો ખર્ચ કર્યો છે.
આરોગ્ય સેવાના તબીબો પેરા મેડિકલ સ્ટાફ વગેરે જેઓ કોરોના સંક્રમિત લોકોની સારવારમાં જોડાયેલા હોય તેમને રક્ષણ આપવા 20,98,485 એન-95 માસ્ક, પી.પી.ઈ કીટ, હેન્ડ ગ્લોવસ અને સેનેટાઇઝર વગેરેની ખરીદી પાછળ રૂ. 15.42 કરોડ નો ઉપયોગ કર્યો છે.
કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે મહત્વપૂર્ણ એવા 938 ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદી માટે રૂ.1.80 કરોડ, 5000 જેટલા લોકોની સ્ક્રિનીંગ તથા ડાઇગ્નોસ્ટીક સેવાઓ રૂ. 19.79 કરોડ તેમજ અન્ય મેડિકલ ઇક્વિમેન્ટ સુવિધાઓ માટે રૂ. 1.89 કરોડ વાપર્યા છે.
જુઓ LIVE TV
મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને કોરોના સંક્રમિતો માટે દવાઓ ઇન્જેક્શન વગેરે ની સેવાઓ પૂરી પાડવા રૂ. 33.92 કરોડ રાહત નિધિ માંથી ફાળવ્યા. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા 26 હજાર વાઇલ ટોસીલીમીઝૂમેબ અને રેમડેસીવીરની ખરીદી પાછળ રૂ. 22.94 કરોડ અને 40 હજાર ટેબલેટની ખરીદી કુલ રૂ. 10.98 ના ખર્ચે કરીને કોરોના સંક્રમણ ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લીધા છે.
મુખ્ય મંત્રી રૂપાણીએ કોરોના વોરિયર્સ તરીકે અવિરત ફરજરત એવા આરોગ્ય, પોલીસ, સફાઇ-કર્મીઓ, તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની કામગીરીમાં સીધા સંકળાયેલા સરકારી કર્મયોગીઓના ફરજ દરમ્યાન અવસાન કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી રૂ. 25 લાખની સહાય આવા દિવંગત કોરોના વોરિયર્સના પરિવારને આપવાનો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવેલો છે.રાજ્યમાં આવા 11 દિવંગત કોરોના વોરિયર્સને અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખની સહાય આપીને તેમના પરિવાર ની વિપદા માં સરકાર પડખે ઊભી રહી છે.
કોરોના દરમ્યાન લોકડાઉન સમયમાં રાજ્ય માં વસતા પરપ્રાંતિય શ્રમિકો પણ પોતાના વતન પરિવાર પાસે એકવાર જઈ શકે તે માટે રેલવે મંત્રાલય સાથે પરામર્શ માં રહીને સમગ્ર દેશમાં સૌથી વધુ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ની વ્યવસ્થા કરીને 14.50 લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાંથી પશ્વિમ રેલવેને રૂ. 6.87 કરોડ આપ્યા છે. અને આ હેતુસર 25 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મુખ્યમંત્રી રાહત નિધિનું આ કોરોના ફંડ રાજ્યમાં કોરોના સામેની લડાઇ માટેના સંસાધનો ઊભા કરીને કોરોના સંક્રમિત લોકોના ત્વરિત સાજા થઈ રોજિંદી પ્રવૃતિઓમાં ફરીથી પૂર્વવત થવામાં અગત્યનું પરિબળ બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે