અક્ષરધામ આતંકી હુમલાના 20 વર્ષ : આજે પણ ગુજરાત નથી ભૂલ્યું ખૌફમાં વિતાવેલા 14 કલાક

Akshardham Attack : એક તરફ આતંકીઓને મારીને ઓપરેશન પૂર્ણ કર્યુ તો બીજી તરફ લાશોના ઢગલા જોઇને અધિકારીઓ અને પોલીસની આંખોમાં આંસું કેદ થઇ રહ્યા હતા.. આ ઓપરેશનમાં સામેલ પોલીસ ફોર્સના એક અધિકારી ડીપી ચુડાસમાએ આપ્યો ઘટનાનો ચિતાર

અક્ષરધામ આતંકી હુમલાના 20 વર્ષ : આજે પણ ગુજરાત નથી ભૂલ્યું ખૌફમાં વિતાવેલા 14 કલાક

અમદાવાદ :ગાંધીનગરનો એ ગોઝારો દિવસ,  24 સપ્ટેમ્બર 2002, ગુરુવારનો દિવસ. આજે પણ એ દિવસ યાદ કરીએ તો હૃદય કંપી ઉઠે. એ ગોઝારી ઘટનાના 20 વર્ષ આજે પૂર્ણ થયા. લાશો પડી હતી, લોહી નીકળતું હતું, લોકો દોડાદોડ કરતા હતા... શું થયું હતું આ દિવસે, અને અક્ષરધામ મંદિરમાં કેમ સંભળાઇ હતી શ્રદ્ધાળુઓની ચીખો. આ ઓપરેશનમાં સામેલ પોલીસ ફોર્સના એક અધિકારી ડીપી ચુડાસમાએ આપ્યો ઘટનાનો ચિતાર  
 
આજના દિવસે તે સમયે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર 2 યુવાનો ઉતર્યા. રેલવે સ્ટેશન પરથી ગાંધીનગર જવા માટે એમ્બેસેડર કાર ભાડે કરી. લગભગ 4 વાગ્યા બાદ સાંજના સુમારે બન્ને યુવાનો ગાંધીનગરના અક્ષરધામ પહોંચ્યા હતા. જેકેટ પહેરલા, ખભા પર મોટી બેગ અને બેગમાં ભારે વજન સાથે બન્ને યુવાનો અક્ષરધામ મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જો કે, સિક્યુરિટીએ તપાસ કરતા જાણ થઈ કે, બંને યુવકો પાસે મોટા પ્રમાણમાં હથિયાર અને ગ્રેનેડ છે. પરંતું તે સમયે હુમલો રોકી શકવા માટે કોઇ અવકાશ બચ્યો ન હતો.

અક્ષરધામમાં અંધાધૂધ ગોળીબાર
અક્ષરધામ મંદિરની અંદર આતંકીઓ ઘૂસી ગયા હતા. લોકોની હળવી ચહલ પહલ વચ્ચે બંને આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કરી રહ્યા હતા. ત્યારે મંદિરના એક કાર્યકર ગર્ભગૃહ તરફ દોડ્યા અને અંદરથી મંદિરનો દરવાજો બંધ કર્યો. જેના કારણે લગભગ 35 લોકો આતંકીઓની ગોળીઓનો શિકાર થતા બચ્યા હતા..

મંદિર પરિસરમાં આતંકીઓનો કબજો
માત્ર થોડી જ વારમાં અક્ષરધામ મંદિર પર બંને આતંકીઓનો કબજો હતો. જો કે, સાંજે 4:30ની આસપાસ આર.બી. બ્રહ્મભટ્ટનો ફોન રણક્યો અને મંદિરમાં આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી. આર.બી. બ્રહ્મભટ્ટ હાલ પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. બ્રહ્મભટ્ટ સાહેબે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરી વધુ પોલીસ ફોર્સની માંગણી કરી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક હાજર ટીમ સાથે અક્ષરધામ મંદિરમાં પહોંચી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો.  

આ જ ઓપરેશનમાં શામેલ પોલીસ ફોર્સના એક અધિકારી ડીપી ચુડાસમાએ કહ્યું કે, મારી કોર્ટમાં મુદ્દત હતી અને મને મેસેજ મળ્યો બાદમાં તરત જ હું ત્યાં પહોંચી ગયો. અમને શરૂઆતમાં ખ્યાલ ન હતો કે શું છે, કેટલા આતંકીઓ છે એ પણ ખબર ન હતી. પોલીસને જેમ જેમ માહિતી મળતી ગઇ તે રીતે કાર્યવાહી ચાલી રહી હતી. મંદિરનો ગેટ ઓટોમેટિક હોવાથી સંતે તાત્કાલિક ગેટ બંધ કર્યો હતો. જેના કારણે ઘણા લોકોનો જીવ બચી ગયા. આ સાથે પોલીસે પણ અંદાજીત 300 થી 400 લોકોને સલામત બહાર કાઢ્યા. આવામાં અંધારું થવાની તૈયારી હતી.. લાઇટ ગોઠવતી વખતે ફાયરિંગ થયું. મંદિર ફરતે પોલીસ ફોર્સ ગોઠવી. ત્યાં હુમલો થયો જેમાં એક કમાન્ડો ઘાયલ થયો. ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા કમાન્ડો બચાવવા એસ.પી. બ્રહ્મભટ્ટનો આદેશ થયો.. અને હાજર પોલીસ ફોર્સમાંથી કેટલાક અધિકારીઓ કમાન્ડોને બચાવવા નીકળ્યા.. એને જે થયું તે કંઇક આ રીતે હતું.

તેમણે આગળ કહ્યું કે, બચાવવા ગયા ત્યારે ફરી ફાયરિંગ થયું તેમાં એસપી સહિત અમને ગોળી વાગી.  સાંજના 8 વાગ્યે પણ પોલીસ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર શરૂ હતો. ગોળીબાર બંધ થાય બાદની અમૂક સેકન્ડ સુધી સ્મશાન જેવી શાંતિ ફેલાઇ જતી. પરંતુ દુખદ વાત એ છે કે, આતંકીઓની ગોળી એક પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગમેટીને ચીરીને જતી રહી. ત્યાં જ પોલીસ કોન્સ્ટેબલ ઢળી પડ્યા અને શરીરનું હલનચલન બંધ થયું. 

સાંજે 5 વાગ્યે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાણ થઇ
સાંજના 5 વાગ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી વાત પહોંચી અને તેઓએ દિલ્હી ખાતે એલ.કે. અડવાણીને ફોન કર્યો અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ કમાન્ડો મોકલવાની વાત કરી. પરંતુ આંખના પલકારામાં ગણતરીની બહાર AK47 માંથી આતંકીઓની ગોળી નીકળી રહી હતી. લગભગ 3 કલાક જેટલો સમય વિત્યો. ત્યાં સુધીમાં દરેક જગ્યાએ સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા કે અક્ષરધામમાં આતંકી હુમલો થયો છે. 

આખી રાત ગુંજતો રહ્યો ગોળીબારીનો અવાજ
કલાકો સુધી આતંકીઓનો ગોળીબાર ચાલ્યો. રાત્રિના લગભગ સાડા અગિયાર સુધીમાં એનએસજી કમાન્ડો અક્ષરધામ આવી પહોંચ્યા. ત્યાં સુધીમાં બન્ને આતંકીઓ મંદિરના એક્ઝિબિશન હોલની બહાર આવેલા ઝાડ પરથી ગોળીબાર કરી રહ્યા હતા. એનએસજી કમાન્ડોએ થોડી જ મિનિટોમાં એક આતંકીને ઠાર માર્યો. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે ઘડિયાળના ત્રણેય કાંટા 12 નો આંકડો વટાવી ચૂક્યા. 24 સપ્ટેમ્બરમાંથી 25 સપ્ટેમ્બર થઇ. તારીખ બદલાઇ પણ સંઘર્ષ યથાવત રહ્યો. આખી રાત આતંકી વિરુદ્ધ ગોળીબારી ચાલી. વહેલી સવારે બીજા આતંકીને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી. સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બીજા આતંકીને ઠાર મરાયો. આખરે પોલીસ સહિત અન્ય એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો અને ફક્ર સાથે છાતી ફૂલાવી. 

એક તરફ આતંકીઓને મારીને ઓપરેશન પૂર્ણ કર્યુ તો બીજી તરફ લાશોના ઢગલા જોઇને અધિકારીઓ અને પોલીસની આંખોમાં આંસું કેદ થઇ રહ્યા હતા.. આ આતંકી હુમલામાં 30 લોકોના મૃત્યુ થયા અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટના બાદ લાલ કૃષ્ણ અડવાણી મળવા આવ્યા. તમામ પોલીસ જવાનોને શાબાશી આપી અને પ્રમાણ પત્ર આપ્યું. આખરે આ દિવસ ગુજરાત સહિત દેશવાસીઓ માટે ગોઝારો સાબિત થયો. આ ઘટના બાદ આજે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનને પાર પાડવા ગુજરાત પોલીસ સજ્જ અને સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news