અસલામત અમદાવાદ; ફિલ્મી સ્ટાઈલથી આ વિસ્તારમાં લાખોની લૂંટ, કેવી રીતે આ ઘટનાને આપ્યો અંજામ?

એલિસબ્રિજ પોલીસની ગિરફતમાં દેખાતા આ બંને શખ્સોના નામ ભરત ગોયલ અને મહાવીરસિંહ દહીયા છે. બંને શખ્સો રાજસ્થાનના પાલીના રહેવાસી છે. બંને જણાએ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.

અસલામત અમદાવાદ; ફિલ્મી સ્ટાઈલથી આ વિસ્તારમાં લાખોની લૂંટ, કેવી રીતે આ ઘટનાને આપ્યો અંજામ?

ઉદય રંજન/અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, રોકડ લઈને નીકળેલા વ્યક્તિને આંતરી બે મિત્રોએ 31 લાખથી વધુની લૂંટ કરી હતી. જોકે આસપાસના લોકોએ અને પોલીસે સમય સુચકતા વાપરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પેટ્રોલ પંપ પર અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને શોર્ટકટમાં પૈસા બનાવવા માટે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 

એલિસબ્રિજ પોલીસની ગિરફતમાં દેખાતા આ બંને શખ્સોના નામ ભરત ગોયલ અને મહાવીરસિંહ દહીયા છે. બંને શખ્સો રાજસ્થાનના પાલીના રહેવાસી છે. બંને જણાએ ભેગા મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાની વાત કરીએ તો રમેશલાલ ચૌધરી નામના 32 વર્ષીય ફરિયાદી નેશનલ હેન્ડલુમમાં 13 વર્ષથી એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 28મી નવેમ્બરના રોજ સવારના સમયે તેઓ નેશનલ હેન્ડલુમની 5 બ્રાન્ચની આવકના 31.20 લાખ રૂપિયા રોકડ લઈને એક્ટિવા પર તેઓની સાથે કામ કરતા રોહિત ભાઈ સાથે એલિસબ્રિજ વિસ્તારમાં બેંકમાં જમા માટે નીકળ્યા હતા. ત્યારે માદલપુર ગરનાળા પાસે એક બાઈક પર પહેલાથી હાજર બે શખ્સોએ રોકડ રકમ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. 

બંને આરોપીઓએ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
ફરિયાદી રમેશલાલ અને રોહિતભાઈ માદલપુર ગરનાળા પાસે પહોંચતા પલ્સર બાઈક પર આવેલા શખ્સોમાંથી એક યુવકે બેગ ઝુંટવાનો પ્રયત્ન કરતા ફરિયાદીએ બેગ પકડી રાખી પ્રતિકાર કર્યો હતો. જેથી આરોપીઓએ તેઓ અને રોહિતભાઈ પર હુમલો કર્યો હતો. જેના કારણે રોહિત ભાઈને લોહી નીકળયુ હતું અને આરોપીઓ બેગ લઈને દોડીને ગુજરાત કોલેજ તરફ ભાગ્યા હતા. જે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સમયસૂચકતા વાપરીને ઘટના સ્થળે પહોંચી ઇન્દર રેસિડેન્સી હોટલના કંપાઉન્ડમાંથી બંને આરોપીઓએ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જાણો કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો?
પકડાયેલા આરોપીઓની તપાસ સામે આવ્યું કે તેઓ થોડા સમય પહેલા જ મિત્ર બન્યા હતા અને નેશનલ હેન્ડલુમમાં થતી આવકની રકમ મોટી હોવાનો અંદાજ લગાવી રેકી કરતા હતા અને અંતે આ ઘટનાને અંજામ આપ્યો છે. જોકે આ ગુનામાં વપરાયેલી બાઈક પર ચોરીની હોવાની હકીકત તપાસમાં ખુલી છે. તેવામાં આ આરોપીઓ અગાઉ કોઈ ગુના આચરી ચુક્યા છે કે કેમ તેમજ આ આરોપીઓ સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news