ગુજરાતના ગામડાઓને કોરોના મુક્ત કરવા ૧૫ દિવસનું અભિયાન નિર્ણાયક સાબિત થશે

જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય.

ગુજરાતના ગામડાઓને કોરોના મુક્ત કરવા ૧૫ દિવસનું અભિયાન નિર્ણાયક સાબિત થશે

સુરતઃ આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી(Bardoli)  સર્કિટ હાઉસ ખાતે ‘‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’’ (Maru Gam, Coronamukt Gam) અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર (State Government) યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” (Maru Gam, Coronamukt Gam)  અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ ૧૫ દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. 

સુરત જિલ્લામાં ૧૨ CHC અને ૫૫ PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા ૫૪૫ ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. દરેક ગામના વડીલો-યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો ચોક્કસ ગામોને કોરોનામુક્ત કરી શકીશું એમ જણાવી મંત્રીએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે, જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય. આઈસોલેટ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવા અને તેમાંથી કોઇ પોઝિટીવ આવે તો ગામમાં જ અલગ સારવાર આપવાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આઈસોલેશન સ્થળે પૂરતા બેડ, ભોજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરાઈ હોવાનું જણાવતા મંત્રીએ ઉમેર્યુ કે, ગામના લોકોને ગામમાં જ સારવાર આપવામાં આવશે તો શહેરોની હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. આ માટે જરૂરી તમામ દવાઓ દરેક CHC, PHC સુધી પહોંચાડી દેવામાં આવી છે. 

ગુજરાત (Gujarat) માં કોરોના સામે ધન્વન્તરિ રથના સફળ મોડેલની જેમ આપણે આગામી ૧૫ દિવસમાં તમામના સહયોગથી “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” (Maru Gam, Coronamukt Gam) અભિયાનને સફળ બનાવીશું એવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. બેઠકના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ ગત.તા.૧ મે થી શરૂ કરવામાં આવેલા આ અભિયાનની કામગીરી અને આયોજનની વિગતો આપી હતી.

બેઠકમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, પ્રાંત અધિકારી રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિત જિલ્લા, તાલુકા પંચાયત સદસ્યો, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news