ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં થતાં નુકસાનને અટકાવવા માટે પોરબંદર જિલ્લામાં ચેરના 1 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે
દિન પ્રતી દિન વધતુ જતુ પ્રદૂષણ અને જે રીતે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના કારણે આજે ગ્લોબલ વોર્મિગ સહિતની કુદરતી આપત્તીઓનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યુ છે. તેમા પણ દરિયા કાંઠા પર સુનામી અને વાવાઝોડા સહિતના ખતરાઓ પણ વધી રહ્યા છે.
Trending Photos
અજય શીલુ, પોરબંદરઃ સમગ્ર વિશ્વમાં આજે ગ્લોબલ વોર્મિંગનાં કારણે સતત કલાઇમેન્ટ ચેન્જ થઇ રહ્યું છે. કલાઇમેન્ટ ચેન્જના કારણે હાલમાં સૌથી વધુ નુકશાન દરિયા કાંઠાના વિસ્તારોમાં થઇ રહ્યું છે. જેની અસરોના ભાગરુપે જ પોરબંદર સહિત રાજ્યનાં દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ ચેન્જની આડઅસરોને રોકી શકાય તે માટે પોરબંદર જિલ્લાનાં દરિયા કાંઠે આવેલ ગામોમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા અને એરિકસન ગ્લોબલ સર્વિસ દ્વારા કલાઇમેન્ટ ચેન્જ અંતર્ગત 1 લાખ ચેરના વૃક્ષોના વાવેતરનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લાના દરિયા કાંઠે વસેલ ગામો કે જ્યાં ગ્લોબલ વોર્મિગના કારણે કુદરતી આપત્તીઓની શક્યતાઓ છે,તેવા ગામોમાં કુદરતી રીતે આ પરિસ્થિતિને કઈ રીતે બદલી શકાય તેવા હેતુથી પોરબંદર જિલ્લાના મિયાણી ગામ ખાતે બ્રહ્માજી મંદિરની પાછળ આવેલ ખાડી વિસ્તારમાં એરિક્સન અને આગાખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયાએ સાથે મળી બાયોડાયવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ-બેઝ્ડ ક્લાઈમેટ ચેન્જ એડેપ્ટેશન પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.
મિયાણી ખાતે યોજાયેલ આ પ્રોજેક્ટ લોન્ચ કાર્યક્રમમાં આગા ખાન એજન્સી ફોર હેબીટેટ ઈન્ડિયા અને એરિક્સન ઈન્ડિયા ગ્લોબલ સર્વિસિસના હોદ્દેદારોએ દ્વારા પણ ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અહી ગ્રામ સખી મંડળની બહેનોના સહયોગથી આશરે પચાસ હજાર જેટલા ચેરના વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એરિક્સન ઈન્ડિયા ગ્લોબલ સર્વિસિસના ડિરેક્ટર અભય કુમાર વૈશે જણાવ્યું હતું કે,અમો આ વિસ્તારમાં 1 લાખ ચેરના વૃક્ષોનું વાવેતર કરીશું. હાલમાં 50 હજાર ચેરના વૃક્ષોનું વાવેતર થઈ ચુક્યુ છે અને વધુ 50 હજાર ચેરના વૃક્ષો લગાવીશું.આ ચેરના વૃક્ષોના વાવેતરના કારણે આ વિસ્તારમાં બાયોડાયવર્સિટી વધશે અને સમુદ્રના મોજાઓને પણ રોકી શકીશુ.ભારતમાં અમારા દ્વારા પ્રથમ વખતે આ કામગીરી કરાઈ રહી છે.
મિયાણી ગામે દરિયા કિનારે ચેરના વૃક્ષોના વાવેતર પ્રસંગે આગાખાન એજન્સી ફોર હેબિટેટ ઈન્ડિયાના સીઈઓ પ્રેરણા લાંગા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ આ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ક્લાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને એરિક્સન ઈન્ડિયા ગ્લોબલ સાથે કોસ્ટલ રિસ્ટોરેશન પ્રોગામ લોન્ચ કર્યો છે. જે પ્રોગામની શરુઆત પોરબંદરથી થઈ છે. ગુજરાતનો દરીયા કિનારો કુદરતી આપત્તિઓ માટે સંવેદનશીલ છે.
જેમાં વાવાઝોડું, દરિયાકાંઠાનું ધોવાણ, દરિયાની સપાટીમાં વધારો, હીટ-વેવ, પૂર અને ભારે વરસાદનો સમાવેશ થાય છે. જેની તીવ્રતા જળવાયુ પરિવર્તનને કારણે વધી જાય છે. આસપાસના પસંદગીના દરિયાકાંઠાના ગામોમાં લગભગ 1 લાખ મેન્ગ્રોવ્સ અને અન્ય છોડની પ્રજાતિઓ વાવવા માટેની પહેલ કરવામાં આવી છે. અમે પોરબંદરથી શરુઆત કરી છે અને સમગ્ર ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
દિન પ્રતી દિન વધતુ જતુ પ્રદૂષણ અને જે રીતે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના કારણે આજે ગ્લોબલ વોર્મિગ સહિતની કુદરતી આપત્તીઓનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યુ છે. તેમા પણ દરિયા કાંઠા પર સુનામી અને વાવાઝોડા સહિતના ખતરાઓ પણ વધી રહ્યા છે. ત્યારે દરિયા કાંઠે ચેરના વૃક્ષો દરિયાની આડે એક કુદરતી દિવાલ તથા જમીનમાંથી ક્ષારને ઓછુ કરવા સહિતના અનેક ઉપયોગી ગુણધર્મ ધરાવે છે. ત્યારે જે રીતે આ સંસ્થા દ્વારા ચેરના વૃક્ષોના વાવેતરની કામગીરી હાથ ધરાઈ છે તેના કારણે ભવિષ્યમાં આ વિસ્તારને તેનો ચોક્કસ લાભ મળશે તેમ કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે