Birthday Special : એક સમયે થતો હતો પૈસાનો વરસાદ પણ ઘડપણમાં ધક્કા ખાધા બસની લાઇનમાં 

તેમણે પોતાના જીવનમાં જેટલી જાહોજલાલી જોઈ છે એટલો જ સંઘર્ષ જીવનના અંત સમયે અનુભવ્યો છે.

Birthday Special : એક સમયે થતો હતો પૈસાનો વરસાદ પણ ઘડપણમાં ધક્કા ખાધા બસની લાઇનમાં 

મુંબઈ : બોલિવૂડના 50થી 60ના દાયકાના સુપરસ્ટાર ગણાતા ભારત ભૂષણનો આજે જન્મદિવસ છે. તેમનું જીવન વળાંકોથી ભરપુર હતું. તેમણે પોતાના જીવનમાં જેટલી જાહોજલાલી જોઈ છે એટલો જ સંઘર્ષ જીવનના અંત સમયે અનુભવ્યો છે. આજે જન્મદિવસે જાણીએ તેમના જીવનની રસપ્રદ હકીકતો વિશે...

પિતાની નારાજગી
ભારત ભૂષણનો જન્મ ૧૪ જૂન, 1920ના દિવસે ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં થયો હતો. તેમના પિતા રાયબહાદુર મોતીલાલ અંગ્રજોના જમાનાના સરકારી વકીલ હતા. મોતીલાલ આર્ય સમાજના પ્રખર અનુયાયી હોવાથી ઘરમાં શિસ્તનું વાતાવરણ હતું. ભારત ભૂષણને યુવાન વયથી જ ગીત-સંગીતનો અને ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. પુત્રના આવા શોખથી મોતીલાલ ગુસ્સે થતા અને આ મામલે તેમને માર પણ પડતો  હતો. માતાના અવસાન પછી ભારત ભૂષણ તેમના મામાના ઘરે અલીગઢ રહેવા ગયા અને ત્યાં જ ગ્રેજ્યુએટ પણ થયા. આમ છતાં ફિલ્મના શોખથી પિતાની નારાજી છતાં ભારત ભૂષણ પહેલાં કોલકાતા ગયા અને ત્યારબાદ મુંબઇ પોતાની ફિલ્મી કરિયર માટે આવી ગયા હતા.

ફિલ્મ કરિયર
ભારત ભૂષણને સંઘર્ષ બાદ દિગ્દર્શક કેદાર શર્માની ફિલ્મ ચિત્રલેખા (1942)માં તક મળી.  જો કે અમુક સૂત્રોના કહેવા મુજબ ભારત ભૂષણની પહેલી ફિલ્મ ભક્ત કબીર (1942) હતી. ભક્ત કબીરની સફળતાના પગલે ભારત ભૂષણને બીજી ફિલ્મ સુહાગ રાત (1948) મળી. ભારત ભૂષણ દેખાવમાં બહુ હેન્ડસમ હોવાથી સુહાગ રાતની સફળતા બાદ તેમને કવિ, લેખક, સંગીતકાર વગેરે જેવી સર્જનાત્મક ભૂમિકાઓ મળવા લાગી. બૈજુ બાવરા ફિલ્મમાં ભારત ભૂષણને શાસ્ત્રીય સંગીતના ગાયકની યાદગાર ભૂમિકા મળી અને તેમને કરિયર પુરપાટ દોડવા લાગી. 

મધુબાલા સાથે લગ્નનો ચાન્સ
મળતી માહિતી પ્રમાણે બોલિવૂડની ટોચની એક્ટ્રેસ મધુબાલા લગ્ન કરીને ઠરીઠામ થવા માગતી હતી ત્યારે તેની જિંદગીમાં ભારત ભૂષણ, પ્રદીપકુમાર અને કિશોરકુમારની એન્ટ્રી થઈ. ત્રણે અલગ અલગ મિજાજના હતા. મધુ હવે પોતાના જીવનને એક નક્કર આધાર આપવા ઇચ્છતી હતી. એ લગ્ન કરીને સાચા અર્થમાં ઠરીઠામ થવા આતુર હતી. એણે કેટલાક નિકટના લોકોની આ અંગે સલાહ પણ લીધી. ભારત ભૂષણ શ્રીમંત હતા અને વિધૂર હતા. પ્રદીપકુમાર અને કિશોરકુમાર બન્ને પરણેલા હતા. પ્રદીપકુમારનું તો એ સમયે માલા સિંહા સાથે અફેર પણ ચાલતું હતું. માલાનું ઠીક ઠીક હદ સુધી એમની પર પ્રભુત્વ પણ હતું. બધાએ કહ્યું કે ભારત ભૂષણ સાથે એની જિંદગી સુરક્ષિત રહેશે, પરંતુ ઉદાસ મધુને અંદરથી કિશોરકુમારનો સાથ વધુ ગમતો હતો. આખરે મધુબાલાએ લગ્ન માટે કિશોરકુમારની પસંદગી કરી હતી. 

વળતા પાણી
જોકે થોડા સમય પછી ભારત ભૂષણની કરિયરના વળતા પાણી થવા લાગ્યા હતા. જોકે 1969માં નિર્માતા નાસીર હુસૈને ફિલ્મ પ્યાર કા મૌસમમાં ભારત ભૂષણને હીરો શશીકપૂરના પિતાની ભૂમિકા આપીને તેને સાચવી લીધા. પૈસાનું તેમણે યોગ્ય વ્યવસ્થાપન ન કર્યું હોવાના કારણે તેમની આર્થિક પરિસ્થિત પણ કથળી હતી. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક વખત તેમના બ્લોગમાં બહુ દુ:ખ સાથે લખ્યું હતું, હું મોટરમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે મેં ભારત ભૂષણજીને બસની લાઇનમાં ઉભેલા જોયા હતા. આખરે 27 જાન્યુઆરી, 1992માં તેમનું અવસાન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news