LIC IPO Listing: એલઆઈસી IPO એ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા શેર
LIC Share Listing: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ અને રોકાણકારોને રોવડાવી ગઈ. સરકારી વીમા કંપની એલઆઈસીના શેર આજે ઓપન માર્કેટમાં લિસ્ટ થઈ ગયા.
Trending Photos
LIC Share Listing: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ અને રોકાણકારોને રોવડાવી ગઈ. સરકારી વીમા કંપની એલઆઈસીના શેર આજે ઓપન માર્કેટમાં લિસ્ટ થઈ ગયા. જો કે શેરબજારમાં શેરની શરૂઆત સારી ન જોવા મળી. બીએસઈ પર એલઆઈસીના શેર 8.62 ટકાના ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા. જો કે એ તો પહેલેથી જ એવું લાગી રહ્યું હતું કે એલઆઈસીના શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ પર થવાનું છે. પરંતુ આટલા મોટા ઘટાડા સાથે શરૂઆત થશે તે અંદાજો નહતો.
પ્રી ઓપનમાં ભારે ઘટાડો જોવા મળ્યો
દેશના સૌથી મોટો આઈપીઓ ગણાતા એલઆઈસના શેરે બીએસઈ પર આજે પહેલા દિવસની શરૂઆત 81.80 રૂપિયા (8.62 ટકા)ના ઘટાડા સાથે 867.20 રૂપિયા પર કરી. જ્યારે NSE પર શેર 77 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 872 રૂપિયા પર લિસ્ટ થયો. આ અગાઉ એલઆઈસીના શેરે બીએસઈ પર પ્રી ઓપન સેશનમાં 12 ટકાથી વધુના ઘટાડામાં ટ્રેડની શરૂઆત કરી હતી. પ્રી ઓપનમાં એલઆઈસીના શેરે પહેલા દિવસની શરૂઆત 12.60 ટકા એટલે કે 119.60 રૂપિયાના નુકસાન સાથે 829 રૂપિયા પર કરી. એક સમયે આ શેર પ્રી ઓપનમાં 13 ટકાના ઘટાડા સુધી પહોંચી ગયો હતો.
એલઆઈસીનો આઈપીઓ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ આઈપીઓ માટે 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરાઈ હતી. પહેલીવાર કોઈ આઈપીઓ વીકેન્ડ સમયે પણ ખુલ્લો રહ્યો. રેકોર્ડ 6 દિવસસુધી ખુલ્લા રહેલા આઈપીઓને લગભગ દરેક કેટેગરીમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. જો કે ગ્રે માર્કેટમાં એલઆઈસી આઈપીઓના પ્રીમિયમ લિસ્ટિંગ પહેલા નિગેટિવમાં હતું. જેનાથી એ તો સંકેત મળી ગયા કે રોકાણકારોને પહેલા દિવસે નુકસાન થવાનું છે.
એલઆઈસી આઈપીઓના લિસ્ટિંગના એક દિવસ પહેલા સોમવારે શેરનું જીએમપી શૂન્યથી 25 રૂપિયા સુધી નીચે પડ્યું હતું. આજે તેમાં થોડો સુધારો આવ્યો અને લિસ્ટિંગ પહેલા તે 20 રૂપિયા નેગેટિવમાં ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક સમયે તે ગ્રે માર્કેટમાં 92 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 8.45 વાગે સરકારી વીમા કંપનીનો લિસ્ટિંગ સમારોહ શરૂ થઈ ગયો હતો. લિસ્ટિંગ સમારોહમાં બીએસઈના સીઈઓ અને એમડી આશીષ કુમાર ચૌહાણ, દીપમ સચિવ તુહિન કાંત પાંડે સહિત એલઆઈસીના મોટાભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
થોડા સમય બાદ હળવી રિકવરી
જો કે લિસ્ટિંગના થોડા સમય બાદ શેરમાં સામાન્ય રિકવરી જોવા મળી અને તે 918 રૂપિયાના સ્તર સુધી ગયો. અત્રે જણાવવાનું કે આ શેરમાં રોકાણકારોએ 9મી મે સુધી પૈસા લગાવ્યા હતા. ત્યારબાદ બોલી લગાવનારાઓને 12મેના રોજ શેર અલોટ થયા હતા. સરકારની વીમા કંપનીના આ 20,557 કરોડ રૂપિયાના આઈપીઓને ઘરેલુ રોકાણકારોનો બંપર રિસ્પોન્સ મળ્યો હતો. સરકારે પ્રાઈસ બેન્ડ 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. પોલીસી હોલ્ડર્સ, અને રિટેલ રોકાણકારોને ક્રમશ: 889 રૂપિયા અને 904 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે અલોટ કરવામાં આવ્યા હતા.
લિસ્ટિંગ બાદ શું કરવું
તજજ્ઞો દ્વારા રોકાણકારોને લોંગ ટર્મ માટે રોકાણની સલાહ આપવામાં આવી હતી. એસ્કોર્ટ્સ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલનું કહેવું છે કે એલઆઈસીના શેર લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. તેમની સલાહ છે કે લિસ્ટિંગ દરમિયાન આ શેર પ્રીમિયમ સાથે લિસ્ટ થાય કે ન થાય પરંતુ સારું એ રહેશે કે રોકાણકારો તેની સાથે રહે. તેમનું કહેવું છે કે 1000 રૂપિયાથી નીચા સ્તરે તેની ખરીદી લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. ઝી બિઝનેસના મેનેજિંગ ડાઈરેક્ટર અનિલ સિંઘવીનું કહેવું છે કે રોકાણકારોએ આ સ્ટોકમાં મીડિયમથી લોંગ ટર્મનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે