અપહરણ, આતંકીઓની ચુંગાલ...મોતના મુખમાં પણ કેમ ના થયો વાળ વાંકો? અદાણીને કોણે બચાવ્યાં?

Happy Birthday Gautam Adani: આજે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો 62મો જન્મદિવસ. ગૌતમ અદાણીનું એક સમયે અમદાવાદમાંથી પૈસા માટે ખંડણીખોરોએ અપહરણ કર્યું હતું. ત્યાર પછી મુંબઈમાં થયેલાં આતંકી હુમલા વખતે પણ અદાણી તાજ હોટલની બેજમેન્ટમાં છુપાયા હતાં.

અપહરણ, આતંકીઓની ચુંગાલ...મોતના મુખમાં પણ કેમ ના થયો વાળ વાંકો? અદાણીને કોણે બચાવ્યાં?
  • આજે ગૌતમ અદાણીનો 62મો જન્મદિવસ
  • જાણો ઉદ્યોગપતિ અદાણી વિશેની અજાણી વાતો
  • ગૌતમ અદાણીનું અપહરણ થયું ત્યારે શું થયું હતું?
  • આતંકી હુમલા વચ્ચે તાજ હોટલના બેજમેન્ટમાં કઈ રીતે સંતાયા હતા અદાણી?

Happy Birthday Gautam Adani: હિસાબ કિતાબમાં કાબા, પાક્કા ગુજરાતી અને દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે 62મો જન્મ દિવસ છે. ગૌતમ અદાણી વિશે આમ તો ઘણી વાતો જાણીતી છે. પણ આ આર્ટિકલમાં આપણી વાત કરીશું કેટલીક એવી અંતરંગત વાતો વિશે જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. શું તમને ખબર છે કે ઉદ્યોગપતિ બનવા માટે ગૌતમ અદાણીએ સૌથી પહેલાં શું કર્યું હતું? એકવાર ખંડણીખોરોએ તેમનું અપહરણ કર્યું હતું ત્યારે શું થયું હતું એ તમે જાણો છો? મુંબઈ પરના આતંકી હુમલામાં અદાણી પણ તાજહોટલમાં ફસાયેલાં હતા અને કઈ રીતે તેમણે પોતાનો જીવ બચાવ્યો એ તમે જાણો છો? આ આર્ટિકલમાં અદાણી વિશેની આવી જ કેટલીક અજાણી વાતો વિશે વાત કરીશું. 

60 હજાર કરોડ રૂપિયાનું દાન:
વર્ષ 20222માં ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીનું જન્મશતાબ્દી વર્ષની પણ ઉજવણી કરાઈ હતી. આ સાથે જ ગૌતમ અદાણી પણ પોતાનો 60મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. જે અંતર્ગત અદાણી પરિવાર સામાજિક કાર્યો જેવાં કે સ્વાસ્થ્ય, શિક્ષા અને કૌશલ વિકાસ માટે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ દાનનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. જેને વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી સહિતના ઉદ્યોગપતિઓએ આવકાર્યો.

અદાણીની નેટવર્થ કેટલી છે?
આજે સૌથી ધનિક વ્યક્તિઓની રેસમાં રિલાયન્સના મુકેશ અંબાણીને ટક્કર આપનારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 95 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. વર્ષ 2021-22માં અદાણીની સંપત્તિ 72.5 બિલિયન ડોલર વધી. M3M Hurun Global Rich List પ્રમાણે વર્ષ 2021માં ગૌતમ અદાણીની સંપત્તિમાં 49 બિલિયન ડોલરનો વધારો થયો હતો, જ્યારે બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 2022માં તેમની સંપત્તિમાં 23.5 બિલિયન ડોલરનો વધારો થયો હતો. જોકે, આ સંપત્તિના આંકડામાં સતત વધઘટ થતી રહે છે. જે માર્કેટ, બિઝનેસને આધિન છે. 

20 વર્ષની ઉંમરે બની ગયા હતા લખપતિઃ
ગૌતમ અદાણીનો જન્મ ટેક્સટાઈલ બિઝનેસ ધરાવતા પરિવારમાં થયો હતો. પણ અદાણીએ કોલેજ અધવચ્ચે મુકીને મુંબઈમાં ડાયમંડ બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ ડાયમંડ સોર્ટર તરીકે મહિન્દ્રા બ્રદર્સના ત્યા બેથી ત્રણ વર્ષ કામ કર્યું હતું અને બાદમાં પોતાનો જ ડાયમંડ બ્રોકરેજનો ધંધો શરૂ કર્યો હતો અને જેને કારણે તેઓ 20 વર્ષની ઉંમરે જ તેઓ લાખોપતિ બની ગયા હતા.

રાજધાનીમાં આવેલું છે અદાણી હાઉસઃ
દેશની રાજધાની દિલ્હીમાં ગૌતમ અદાણી સૌથી મોંઘી સંપત્તિમાંની એક સંપત્તિના માલિક છે. તેઓએ 400 કરોડ રૂપિયામાં દિલ્હીના મંડી હાઉસ પાસે આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ નામની સંપત્તિ ખરીદી હતી, જે આજે અદાણી હાઉસના નામે ઓળખાય છે.

માત્ર 100 કલાકમાં પાર પાડી હતી 6000 કરોડ રૂપિયાની ડીલ:
એક પાક્કો ગુજરાતી ભાવતાલમાં હંમેશા આગળ જ રહે છે, તેમ વર્ષ 2018માં ગૌતમ અદાણીની જબરદસ્ત નેગોશિયેશન સ્કીલને કારણે માત્ર 100 કલાકની અંદર જ Udupi Power Corporation Limited ડીલ અદાણી પાવરે 6000 કરોડ રૂપિયામાં પાર પાડી હતી.

ભારતના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટના માલિક:
કચ્છ ખાતે આવેલું મુંદ્રા પોર્ટ એ ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ કોમર્શિયલ પોર્ટ છે અને તેનું સંચાલન અદાણી જૂથ દ્વારા કરવામાં આવે છે.

પોર્ટ-રેલ લિંકેજ પોલિસીનો વિચાર:
ભારતની પોર્ટ-રેલ લિંકેજ પોલિસીનો આઈડિયા સૌપ્રથમ વખત ગૌતમ અદાણીને આવ્યો હતો, જે બાદ તેઓએ તે સમયના રેલમંત્રી નિતિશ કુમારને આ આઈડિયા અને સ્કીમ અંગે જાણકારી આપી હતી. અને બાદમાં સરકાર દ્વારા પોર્ટ-રેલ લિંકેજ પોલિસી બહાર પાડવામાં આવી હતી.

અદાણી ગ્રૂપ ઉપર છે કેટલું દેવું?
મીડિયા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022 માટે અદાણી ગ્રૂપ ઉપર 2.21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. (આ આંકડો વર્ષ 2022નો છે અત્યારે એમાં ફેરફાર હશે)

જ્યારે ખંડણીખોરોએ કર્યું હતું અદાણીનું અપહરણ:
વર્ષ 1998માં ગૌતમ અદાણીનું કેટલાંક ખંડણીખોરોએ અપહરણ કર્યું હતું. અને તેમના ચુંગાલમાંથી છુટવા માટે ગૌતમ અદાણીએ તે સમયે 6 કરોડ રૂપિયા આપ્યાં હોવાની વાત પણ તે સમયે પછી બહાર આવી હતી. છેલ્લે પૈસા આપતા ખંડણીખોરોએ ગૌતમ અદાણીને એસજી હાઈવે નજીકની અવાવરું જગ્યાએ આંખ પર પટ્ટી બાંધેલી હાલતમાં છોડી મુક્યાં હતાં એવી પણ ચર્ચા સામે આવી હતી. જોકે, આખાય મામલાની પોલીસ છૂપી રીતે તપાસ કરતી હતી. અને જ્યારે આરોપી પકડાયો ત્યારે આ મામલો મીડિયા સમક્ષ પ્રકાશમાં આવ્યો હતો.

26/11ના મુંબઈ પરના આતંકી હુમલામાં માંડ બચ્યા હતા:
વર્ષ 1998માં ગૌતમ અદાણીનું 6 કરોડ રૂપિયાની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2008માં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં જ્યારે આતંકવાદીઓ તાજ હોટેલમાં ઘૂસી ગયા હતા, ત્યારે ગૌતમ અદાણી પણ આ હોટેલમાં રોકાયા હતા. આતંકી હુમલો થતાં તેઓ હોટેલના બેઝમેન્ટમાં છૂપાઈ ગયા હતા અને બીજા દિવસે જ્યારે કમાંડોએ હોટેલ પર કાબૂ મેળવ્યો ત્યારે તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ધંધો કરવા છોડ્યું હતું ભણતરઃ
શું તમને ખબર છે કે, ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. ગૌતમ અદાણીને અભ્યાસમાં ખાસ રસ નહોતો. તેઓ પોતાનો વ્યવસાય કરવા માંગતા હતાં. તેથી તેઓએ કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડ્યો હતો. ઉદ્યોગપતિ બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગૌતમ અદાણીએ કોલેજના બીજા વર્ષે જ અભ્યાસ છોડી દીધો હતો.

અદાણી વિશે બીજું કેટલું જ જાણવા જેવુઃ

  • ગૌતમ અદાણી પાસે આજે 106 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ ભારત જ નહીં સમગ્ર એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. 
  • સમગ્ર વિશ્વમાં ગૌતમ અદાણી આજની તારીખમાં 14માં સૌથી ધનિક વ્યક્તિ છે.
  • નાણાંકિય વર્ષ 2023-2024માં ગૌતમ અદાણીએ કુલ મળીને 9.26 કરોડ રૂપિયાનો પગાર મેળવ્યો છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીને પગાર ભારતમાં લગભગ તમામ મોટા પરિવારની માલિકીના જૂથોના વડાઓ કરતાં ઓછો છે.
  • જોકે, અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. પરંતુ ગૌતમ અદાણીને માત્ર જ બે જ કંપનીઓમાંથી જ પગાર મળે છે.

પદ્માવતી માતાના ભક્ત છે અદાણીઃ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર વર્ષોથી નવરાત્રીમાં પૂજા-પાઠ કરે છે. માં જગદંબાની સાથો-સાથ ગૌતમ અદાણી અને તમનો સમગ્ર પરિવાર પદ્માવતી માતાની ખુબ પૂજા-અર્ચના કરે છે. એવી પણ વાત સૂત્રો જણાવી રહ્યાં છેકે, અમદાવાદમાં આવેલાં પદ્માવતી માતાના એક ખાસ મંદિરમાં ગૌતમ અદાણી અને તેમના પરિવારના સભ્યો અવારનવાર કોઈપણ પ્રકારની સુરક્ષા વિના કોઈપણ તામજામ વિના દર્શન કરવા આવતા હોય છે. અને કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે તેઓ દર્શન કરીને ત્યાંથી નીકળી જતા હોય છે. માતાજીમાં અપાર શ્રદ્ધાને કારણે તેઓ હંમેશા તમામ સંકટોમાંથી સરળતાથી બહાર નીકળી ગયા છે. ગૌતમ અદાણી પોતે ઘણીવાર પોતાના ઈન્ટરવ્યૂમાં એ વાતની કબૂલાત કરી ચુક્યા છેકે, અપહરણકારો હોય કે આતંકીઓ જીવનમાં જ્યારે પણ તેઓ કોઈ સંકટમાં ફસાયા ત્યારે તેઓ ચિંતા કરવાને બદલે બધુ જ માતાજી પર છોડી દે છે અને માતાજી જ હરહંમેશ એમની રક્ષા કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news