ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ : આજે વાર્ષિક ટર્નઓવર રૂ. ત્રણ કરોડ

Successful Startups: તમારી પાસે માત્ર એક પ્રોજેક્ટ હોય એટલે કે એક સાર્થક વિચાર હોય અને સરકાર તમને રૂ. 25 લાખની લોન નજીવા દરે આપી દે અને એમાં પણ રૂ. 11.25  લાખ તો સબસિડીરૂપે પરત મળે તો !. 

ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ : આજે વાર્ષિક ટર્નઓવર  રૂ. ત્રણ કરોડ

Start Up Success Story : ‘..અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. સફળ થવાનો દ્રઢ નિશ્ચય તો કરી લો, સરકાર તમારી સાથે છે. ગુજરાતીઓના તો લોહીમાં જ સાહસિકતા છે. બજાર મેળવવાની કોઠાસૂઝ હોય અને સરકાર પડખે ઉભી હોય, પછી શું ઘટે ? સરકારની યોજનાઓનો લાભ લઈને લોકોના જીવનમાં કેવા-કેવા ગુણાત્મક પરિવર્તનો આવ્યા છે, તેની અનેક સાફલ્યગાથાઓ આપણે વાંચીએ છીએ અને આપણે સૌ પરિચિત પણ છીએ જ.

પરંતુ, તમારી પાસે માત્ર એક પ્રોજેક્ટ હોય એટલે કે એક સાર્થક વિચાર હોય અને સરકાર તમને રૂ. 25 લાખની લોન નજીવા દરે આપી દે અને એમાં પણ રૂ. 11.25  લાખ તો સબસિડીરૂપે પરત મળે તો !. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પી. એમ. ઈ. જી. પી.). આ યોજનાનું એક-એક બિંદુ તમને સમજાવીશું વડોદરા જિલ્લાના રવાલ ગામના લાભાર્થી શ્વેતાબેન પટેલની સાફલ્યગાથા થકી.

સફળ મહિલા ઉદ્યોગ સાહસિક બનવાની યાત્રા
સફળ મહિલા ઉદ્યોગ સાહસિક શ્વેતાબેન પટેલની કહાની સમજવા માટે થોડા વર્ષો પહેલાથી આ સાફલ્યગાથાની શરૂઆત કરવી પડશે. પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે સંજોગો અને પૈસા બંનેની કમીથી મૂંઝાતા શ્વેતાબેનને તેમના મિત્રના માધ્યમથી પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમની જાણ થઈ. વર્ષ-2018 માં તેમણે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી અને વર્ષ-2019 માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સહકારથી યોજના અંતર્ગત લોન સહાયની રકમ મંજૂર થઈ અને રૂ.  25 લાખની લોન ખાતામાં જમા પણ થઈ ગઈ. આ સાથે જ શરૂ થઈ શ્વેતાબેનની સફળ મહિલા ઉદ્યોગ સાહસિક બનવાની યાત્રા.

ઘર આંગણે જ શરૂ કર્યો બિઝનેસ
વાઘોડીયા તાલુકાના રવાલ ગામમાં રહેતા શ્વેતાબેન પોતાના ઘરઆંગણે જ ઉદ્યોગ સ્થાપવા માગતા હતા. એટલે આસપાસના ગ્રામ્ય અને કૃષિ વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમણે સાંઈકૃપા ઈન્ડસ્ટ્રીઝના નામથી પોતાના ગામના પાદરે કાંટા તાર અને ફેન્સીંગ જાળીનું ઉત્પાદન શરૂ કર્યું. વર્ષ-2019 થી શરૂ થયેલો તેમનો ઉદ્યોગ દિવસે ને દિવસે વધતો ગયો. લાખો રૂપિયામાં શરૂ થયેલું ટર્ન ઓવર આજે ત્રણ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ત્રણ મશીનરી થકી તેઓ કાંટા તાર અને ફેન્સીંગ જાળીનું મબલખ ઉત્પાદન અને વેચાણ કરે છે. માત્ર આસપાસના ગામના ખેડૂતો કે લોકો જ નહીં, પરંતુ વડોદરા જિલ્લાભરમાંથી ઉપરાંત રાજપીપળા, બોડેલી અને વન વિભાગમાં પણ અહીંથી કાંટા તાર-ફેન્સીંગ જાળી વેચાણ થકી પહોંચે છે. 

5 ટકાના વ્યાજે 25 લાખની લોન સહાય
પ્રધાનમંત્રી રોજગાર યોજના અને ગ્રામીણ  રોજગાર નિર્માણ કાર્યક્રમ – આ બંનેને ભેગા કરીને બનેલી પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ નામની આ યોજનાનો લાભ લઈને માત્ર શ્વેતાબેન પટેલ જ આર્થિક રીતે પગભર થયા અને સફળ ઉદ્યોગ સાહસિક બન્યા એવું નથી. આજે તેઓ પોતાના ગામના જ 12 યુવાનોને રોજગારી આપી રહ્યા છે, એટલે કે તેમના ગામના ૧૨ પરિવારો પણ આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. આ યોજના થકી શ્વેતાબેન પટેલને માત્ર પાંચ ટકાના વ્યાજદરથી રૂ. 25 લાખની લોન સહાય મળી, એમાં પણ કેન્દ્ર સરકારના ૨૫ ટકા અને રાજ્ય સરકારના 20 ટકા એટલે કે કુલ 45 ટકા (રૂ. 11.25 લાખ) તો તેમને સબસિડી મળી ! 

રોજગા૨ની તકો ઊભી કરવાનો ઉદ્દેશ્ય
કેન્દ્ર સરકારની આ યોજનાનું સંચાલન લઘુ, નાના અને મઘ્યમ કદના ઉદ્યોગોના મંત્રાલય દ્વારા ક૨વામાં આવી રહ્યું છે. રાજ્ય સ્તરે આ યોજના રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ હેઠળ કામ ક૨તી નિયામક કચેરીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો અને બેંકો દ્વારા અમલીકરણ થઈ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં સ્વરોજગા૨ માટેના ઉદ્યોગ સાહસો/૫રિયોજનાઓ/નાના ઉદ્યોગો શરૂ કરી રોજગા૨ની તકો ઊભી ક૨વી અને રોજગારના વૃદ્ધિ દ૨માં વધારો ક૨વાનો છે. 

અહીં કરો ઓનલાઇન અરજી
ઉત્પાદન ક્ષેત્રમાં રૂ.10 લાખથી વધુ અને વેપાર/સેવા ક્ષેત્રમાં રૂ.5 લાખથી વધુ ખર્ચવાળી પરિયોજના સ્થા૫વા માટે લાભાર્થીએ ઓછામાં ઓછું આઠમું ધો૨ણ પાસ કરેલું હોવું જોઈએ અને લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. લોનની મર્યાદાની વાત કરીએ તો, ઉત્‍પાદન ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમ માટે મહત્તમ રૂ. 25 લાખ તેમજ સેવા ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમ માટે મળવાપાત્ર મહત્તમ લોન રૂ. 10 લાખ છે. આ યોજના માટે ખાદી ઈન્ડિયાની વેબસાઈટ થકી ઓનલાઈન અરજી આપવાની રહે છે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પણ મુલાકાત પણ લઈ શકાય છે. 

‘અગ્રેસર ગુજરાત’ મહત્વનો ફાળો
‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ સાથે સતત આગળ વધી રહેલા ગુજરાતીઓ ક્યારેય પાછા પડ્યા નથી. વેપાર કરનાર આવા સાહસિકોનો ‘અગ્રેસર ગુજરાત’ મહત્વનો ફાળો છે. શ્વેતાબેન પટેલ જેવા ગુજરાતના આવા અનેક મહિલા ઉદ્યોગ સાહસિકોને સફળતા મળે તો શી નવાઈ ! એટલે જ તો ગુજરાતમાં ઔદ્યોગિક જુવાળ પ્રસરેલો છે. ‘વિકસિત ભારત’ની આગેવાની માટે સરકારની કલ્યાણલક્ષી અને નાગરિકકેન્દ્રી યોજનાઓના લાભો થકી ગુજરાતમાં ઉદ્યોગોનો આંક દિવસે ને દિવસે વધતો જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news