યૂરોપિયન યૂનિયનનું સભ્ય બનશે યૂક્રેન? તો શું રશિયા સામે ઉતરી જશે 27 દેશની સેના? જાણો શું થવા બેઠું છે

રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેને યૂરોપિયન યૂનિયનમાં સામેલ થવાના પ્રયાસો તેજ કરી દીધા છ. યૂક્રેનના રાષ્ટ્રપતિએ ઝડપથી યૂક્રેનને ઈયૂની સભ્યતા આપવાની માગણી કરી છે.

યૂરોપિયન યૂનિયનનું સભ્ય બનશે યૂક્રેન? તો શું રશિયા સામે ઉતરી જશે 27 દેશની સેના? જાણો શું થવા બેઠું છે

જયેશ જોશી, અમદાવાદઃ રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેને નવી રણનીતિ અપનાવી છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેન્સ્કીએ યૂરોપિયન યૂનિયનમાં ઝડપથી સભ્યતા આપવાની માગણી કરી છે. યૂરોપિયન સંસદે રાષ્ટ્રપતિ જેલેન્સ્કીની અરજીને માની લીધી છે પરંતુ હજુ પણ તેમના માટે આ રસ્તો સરળ નથી. યૂરોપિયન યૂનિયનમાં સામેલ થવા માટે ચાર સ્ટેપ હોય છે. યૂક્રેને હજુ બે સ્ટેપ પાર કર્યા છે અને બીજા બે સ્ટેપ પાર કરવાના બાકી છે. તે વધારે મહત્વના છે.

 

શું હોય છે ચાર સ્ટેપ:
1. અરજી:
યૂરોપિયન યૂનિયનનું સભ્ય બનવા માટે કોઈપણ દેશે સૌથી પહેલાં અરજી કરવાની હોય છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બે દિવસ પહેલાં જ યૂરોપિયન યૂનિયનના સભ્યવાળા અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.

2. કેન્ડિડેટ સ્ટેટસ:
અરજીને મંજૂર કરવામાં આવે છે કે નહીં તેને લઈને યૂરોપિયન સંસદમાં મતદાન  થાય છે. સોમવારે યૂક્રેનની અરજી પર યૂરોપિયન સંસદમાં મતદાન  થયું હતું. જેમાં તેના પક્ષમાં 637 મત પડ્યા. તેની સાથે જ યૂક્રેન હવે કેન્ડિડેટ સ્ટેટસના સ્ટેપ પર પહોંચી ગયો છે.

3. નેગોસિયેશન:
સૌથી મહત્વનું સ્ટેપ આ હોય છે. અને તેમાં સૌથી વધારે સમય લાગે છે. તેમાં યૂરોપિયન યૂનિયન અને દેશની વચ્ચે નેગોસિયેશન હોય છે. તેમાં નક્કી થાય છે કે જે દેશ યૂરોપિયન યૂનિયનનો સભ્ય બનવા માગે છે,તે સંઘના બધા નિયમ-કાયદાનું પાલન કરશે. તેની સાથે જ યૂરોપિયન યૂનિયનની બધી શરત પણ માનવી પડશે અને યૂરોને પણ અપનાવવો પડશે.

4. સભ્યતા:
નેગોસિયેશનની પ્રક્રિયા પૂરી થયા પછી મામલો યૂરોપિયન કાઉન્સિલ પાસે જશે. અહીંયા બધા 27 સભ્ય દેશોની મંજૂરી હોવી જરૂરી હશે. જો એકપણ દેશ તેના વિરોધમાં જાય તો તે દેશને સભ્યતા મળતી નથી. યૂક્રેનના મામલામાં આજ મુશ્કેલી છે. કેટલાંક દેશ એવા છે જે ઈચ્છતા નથી કે યૂક્રેન યૂરોપિયન દેશનું સભ્ય બને.

સભ્ય બનવામાં કેટલો સમય લાગે છે:
યૂરોપિયન યૂનિયનની વેબસાઈટ પર સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ દેશને એક રાતમાં યૂરોપિયન યૂનિયનનો સભ્ય બનાવી દેવામાં આવતો નથી. તેની એક લાંબી પ્રક્રિયા હોય છે. જેમાં અનેક વર્ષો લાગે છે. છેલ્લે યૂરોપિયન યૂનિયનમાં ક્રોએશિયાને સભ્યતા આપવામાં આવી હતી. તેને 2013માં યૂરોપિયન યૂનિયનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને સભ્ય બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા. જ્યારે સૌથી ઓછા સમયમાં ઓસ્ટ્રિયા,ફિનલેન્ડ અને સ્વીડનને સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ ત્રણને માત્ર 2 જ વર્ષમાં સભ્ય બનાવવામાં આવ્યા હતા.

જો યૂક્રેન સભ્ય બનશે તો તેના માટે શું બદલશે:

1. આર્થિક રીતે:
યૂક્રેનને યૂરોપિયન યૂનિયનનું ખુલ્લું બજાર મળી જશે. તેનો સામાન કોઈપણ જાતના પ્રતિબંધ વિના યૂરોપિયન યૂનિયનના દેશો સુધી સરળતાથી પહોંચી શકશે. તેની સાથે જ યૂરોપિયન યૂનિયન તરફથી તેને આર્થિક મદદ પણ મળી શકશે.

2. સૈન્ય રીતે:
યૂરોપિયન યૂનિયનના કાયદામાં એક ક્લોઝ હોય છે. જેમાં લખેલું છે કે જો કોઈપણ સભ્ય દેશ પર કોઈ બહારનું આક્રમણ કરે છે તો બીજા દેશ તેની સૈન્ય મદદ કરશે. જો યૂક્રેનને તરત સભ્યતા મળી જાય છે તો યૂનિયનના બીજા સભ્ય ખુલીને રશિયાની સામે તેની મદદ કરી શકે છે. હજુ પણ યૂનિયનના સભ્ય દેશ યૂક્રેનની સૈન્ય મોરચે મદદ કરી રહ્યા છે. પરંતુ પોતાની સેના ત્યાં મોકલી રહ્યા નથી. પરંતુ યૂનિયનમાં આવ્યા પછી સભ્ય દેશ યૂક્રેન જઈને તેની મદદ કરી શકે છે.

3. નાગરિકોને:
યૂરોપિયન યૂનિયનના સભ્ય બનવા પર યૂક્રેનના નાગરિકોને પણ અનેક ફાયદા થશે. તેમને અનેક એવા અધિકાર મળી જશે. યૂક્રેનના નાગરિક કોઈપણ જાતની અડચણ વિના યૂરોપિયન યૂનિયનના સભ્ય દેશમાં  અવર-જવર કરી શકશે.

યૂરોપિયન યૂનિયનમાં કેટલાં દેશ છે:
યૂરોપિયન યૂનિયનમાં 27 દેશ છે. જેમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, સાઈપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ઈસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, હંગેરી, આયરલેન્ડ, ઈટલી, લેટેવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડનનો સમાવેશ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news