Ukraine Crisis: રશિયાને NATO કેમ આંખમાં કણાની જેમ ખટકે છે? જાણો સાત દાયકા જૂની દુશ્મનાવટની કહાની
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય ઓપરેશન શરૂ કરવાના આદેશ આપી દીધા છે. આ અગાઉ સોમવારે પુતિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક અને લુંહસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ ત્યાં સેના મોકલી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે આ વિવાદનું મૂળ NATO હોવાનું કહેવાય છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય ઓપરેશન શરૂ કરવાના આદેશ આપી દીધા છે. આ અગાઉ સોમવારે પુતિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક અને લુંહસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ ત્યાં સેના મોકલી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે આ વિવાદનું મૂળ NATO હોવાનું કહેવાય છે. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન જેને 1949માં શરૂ કરાયું હતું. યૂક્રેન NATO માં સામેલ થવા માંગે છે પરંતુ રશિયા એમ ઈચ્છતું નથી.
રશિયાને લાગે છે કે જો યૂક્રેન NATO માં જોડાયું તો NATO દેશના સૈનિકો અને ઠેકાણા તેની સરહદ પાસે આવીને ઊભા રહી જશે. પરંતુ સવાલ એ છે કે રશિયા નાટોથી આટલું ચિડાય છે કેમ? આ સમજવા માટે પહેલા NATO ને સમજવું જરૂરી છે.
વાત જાણે એમ છે કે 1939થી 1945 વચ્ચે બીજુ વિશ્વ યુદ્ધ થયું. ત્યારબાદ સોવિયેત સંઘે પૂર્વ યુરોપના વિસ્તારોથી સેનાઓ હટાવવાનો ઈન્કાર કરી દીધો. 1948માં બર્લિનને પણ ઘેરી લુધુ. ત્યારબાદ અમેરિકાએ સોવિયેત સંઘની વિસ્તારવાદી નીતિને રોકવા માટે 1949માં NATO ની શરૂઆત કરી. જ્યારે નાટો બન્યું ત્યારે તેમાં 12 સભ્ય દેશ હતા. જેમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઈટલી, નેધરલેન્ડ, આઈસલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબ્રગ, નોર્વે, પોર્ટુગલ અને ડેનમાર્ગ સામેલ છે આજે આ સંગઠનમાં 30 દેશ સામેલ છે.
NATO એક સૈન્ય ગઠબંધન છે. જેનો હેતુ જોઈન્ટ સુરક્ષા નીતિ પર કામ કરવાનો છે. જો કોઈ બહારનો દેશ કોઈ નાટો દેશ પર હુમલો કરે તો તે હુમલો તેના બાકી સભ્ય દેશો પર હુમલો ગણવામાં આવશે અને તેની રક્ષા માટે તમામ દેશ મદદ કરશે.
હવે રશિયાને કેમ ગુસ્સો ચડ્યો?
બીજુ વિશ્વ યુદ્ધ ખતમ થયા બાદ દુનિયામાં બે ભાગલા પડી ગયા. બે સુપર પાવર બની ચૂક્યા હતા. એક અમેરિકા હતું અને બીજુ સોવિયેત સંઘ. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયેત સંઘ તૂટી ગયું. નવા 15 દેશ બન્યા. આ 15 દેશ હતા આર્મિનિયા, અઝરબૈજાન, બૈલારૂસ, ઈસ્ટોનિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, કીર્ગીસ્તાન, લાતવિયા, લિથુઆનિયા, માલદોવા, રશિયા, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, યૂક્રેન અને ઉઝ્બેકિસ્તાન.
સોવિયેત સંઘના વિખરાયા બાદ દુનિયામાં અમેરિકા એક માત્ર સુપરપાવર રહી ગયું. અમેરિકાના નેતૃત્વવાળું NATO પોતાનો દાયરો વધારતો ગયો. સોવિયેત સંઘથી તૂટીને અલગ બનેલા દેશ નાટોના સભ્ય બનતા ગયા. 2004માં ઈસ્ટોનિયા, લાતવિયા, અને લિથુઆનિયા નાટોમાં સામેલ થઈ ગયા. 2008માં જોર્જિયા અને યૂક્રેનને પણ નાટોમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું હતું. પરંતુ બંને દેશ સભ્ય બની શક્યા નહીં.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન નાટોના વિસ્તાર પર આપત્તિ જતાવી ચૂક્યા છે. ગત વર્ષ ડિસેમ્બરમાં તેમણે કહ્યું હતું કે અમે સ્પષ્ટ કહી દીધુ છે કે પૂર્વમાં NATO નો વિસ્તાર મંજૂર નથી. અમેરિકા અમારા દરવાજે મિસાઈલો સાથે ઊભું છે. જો કેનેડા કે મેક્સિકોની સરહદ પર મિસાઈલો તૈનાત કરી દેવાય તો અમેરિકાને કેવું લાગશે?
જો કે એવું પણ કહેવાય છે કે એક સમયે પુતિન રશિયાને નાટોના સભ્ય બનાવવા માંગતા હતા પરંતુ હવે પુતિન NATO થી ચીડાય છે. રશિયાની સરહદ સાથે જોડાયેલા ઈસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને તુર્કી નાટોના સભ્ય દેશ છે. જો યૂક્રેન પણ હવે નાટો સાથે જોડાઈ જાય તો રશિયા સંપૂર્ણ રીતે ઘેરાઈ જશે અને તે તેને મંજૂર નથી. પુતિનનો તર્ક એવો છે કે જો યૂક્રેન નાટોમાં જોડાય તો ભવિષ્યમાં નાટોની મિસાઈલો યૂક્રેનની ધરતી પર મિનિટોમાં આવી જશે, જે રશિયા માટે પડકાર છે.
રશિયા અને NATO માં કોઈ મુકાબલો ખરો?
સૈન્ય તાકાત હોય કે રક્ષા પર ખર્ચ બંને મામલે રશિયા અને નાટોનો કોઈ મુકાબલો નથી. નાટો મુજબ 2021માં તમામ 30 દેશોનો અંદાજિત સંયુક્ત ખર્ચ 1174 અબજ ડોલર કરતા વધુ છે. 2020માં નાટોના દેશોએ 1106 અબજ ડોલર ખર્ચ કર્યો હતો. જ્યારે રશિયાએ 2020માં પોતાની રક્ષા પર 61.7 અબજ ડોલર ખર્ચ કર્યો હતો.
નાટોના 40 હજારથી વધુ સૈનિકો ગમે ત્યારે ભેગા થવા તૈયાર છે. જ્યારે યુદ્ધમાં જો સીધી રીતે NATO સામેલ થયું તો તેની પાસે 33 લાખથી વધુ જવાનો છે. જ્યારે રશિયા પાસે લગભગ 12 લાખની સેના છે જેમાંથી 8 લાખ જવાન સક્રિય છે.
શું ઈચ્છે છે રશિયા?
રશિયા ઈચ્છે છે કે પૂર્વ યુરોપમાં નાટો પોતાનો વિસ્તાર બંધ કરે. પુતિન યુક્રેનના નાટોમાં સામેલ નથવાની ગેરંટી માંગી રહ્યા છે. તેઓ એવું પણ ઈચ્છે છે કે પૂર્વ યુરોપમાં નાટો પોતાનો વિસ્તાર 1997ના સ્તર પર લઈ જાય અને રશિયાની આસપાસ હથિયારોની તૈનાતી બંધ કરે.
આ ઉપરાંત રશિયાએ તે 14 દેશોને નાટોના સભ્ય બનાવવાને પણ પડકાર ફેંક્યો છે જે વાર્સા સંધિ (Warsaw Pact) નો ભાગ હતા. 1955માં નાટોના જવાબમાં વાર્સા સંધિ થઈ હતી. જેનો હેતુ પણ તમામ સભ્ય દેશોને સૈન્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો હતો. જો કે સોવિયેત સંઘ તૂટ્યા બાદ આ સંધિનું કોઈ મહત્વ રહ્યું નહીં.
યુક્રેનને કેમ જવું છે નાટો સાથે?
1917 અગાઉ રશિયા અને યુક્રેન રશિયન સામ્રાજ્યનો ભાગ હતા. રશિયન ક્રાંતિ બાદ જ્યારે સામ્રાજ્ય વિખરાયું તો યૂક્રેને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો. પરંતુ ગણતરીના વર્ષોમાં સોવિયેત સંઘમાં જોડાઈ ગયો. 1991માં યૂક્રેનને આઝાદી મળી. યુક્રેનના બે ભાગ છે. પહેલો પૂર્વ અને બીજો પશ્ચિમ. પૂર્વ યુક્રેનના લોકો પોતાને રશિયાની નજીક માને છે જ્યારે પશ્ચિમ યુક્રેન માટે યુરોપિયન યૂનિયન.
પૂર્વ યુક્રેનના અનેક વિસ્તારો પર રશિયા સમર્થિત અલગાવવાદીઓનો કબજો છે. અહીંના ડોનેત્સ્ક અને લુહંસ્કને પણ રશિયાએ અલગ દેશ તરીકે માન્યતા આપી છે. 2014માં રશિયાએ હુમલો કરીને ક્રિમિયાને પોતાનામાં ભેળવી લીધુ હતું. રશિયાની સરખામણીમાં યૂક્રેનની સેના નાની છે. રશિયા પાસે જ્યાં 8.5 લાખથી વધુ સક્રિય જવાનો છે ત્યાં યૂક્રેન પાસે 2 લાખ સક્રિય જવાનો છે. રશિયાનું રક્ષા બજેટ પણ યુક્રેનથી 10 ગણું છે. આવામાં પોતાની આઝાદીને જાળવી રાખવા માટે યૂક્રેનને એવા સૈન્ય સંગઠનની જરૂર છે જે તેની રક્ષા કરી શકે અને NATO થી ઉત્તમ કોઈ અન્ય સંગઠન હોઈ શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે