UAE જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પરવેઝ મુશર્રફ, ગુપ્ત રીતે મળવા પહોંચ્યા આર્મી ચીફ બાજવા

Pakistani Army Chief Meets Pervez Musharraf: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ યૂએઈમાં છેલ્લા શ્વાસ ગણી રહેલા પરવેઝ મુશર્રફને મળવા પહોંચ્યા છે. મુશર્રફ વર્ષ 2018માં પાકિસ્તાન છોડી યૂએઈ પહોંચ્યા હતા. 

UAE જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પરવેઝ મુશર્રફ, ગુપ્ત રીતે મળવા પહોંચ્યા આર્મી ચીફ બાજવા

દુબઈઃ સંયુક્ત અરબ અમીરાતમાં છેલ્લા શ્વાસ ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને મળવા માટે સેના પ્રમુખ કમર જાવેદ બાજવા દુબઈ ગયા હતા. પાકિસ્તાની મીડિયાએ આ મોટો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં જનરલ બાજવાની સાથે તેના પત્ની અને પાકિસ્તાની સેનાના ટોચના ડોક્ટર પણ હાજર હતા. મુશર્રફ પર પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા કરાવવા સહિત ઘણા આરોપ છે અને તે જેલથી બચવા માટે વર્ષ 2018થી યૂએઈમાં રહે છે. 

મુશર્રફના પરિવારે જનરલ બાજવાનું સ્વાગત કર્યું. મુશર્રફ અમાઇલોઇડોસિસ નામની બીમારીથી પીડિત છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અનુસાર આ અમાઇલોઇડોસિસ બીમારી શરીરના અંગો અને પેશીઓમાં અમાઇલોઇડ નામના અસામાન્ય પ્રોટીનના નિર્માણને કારણે થાય છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ પહેલાં મુશર્રફે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ સારવારની સુવિધા ન હોવાને કારણે પરિવાર હજુ તેને લઈ જવા તૈયાર નથી. 

અદાલતે મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા
મુશર્રફને Daratumumab દવાની જરૂર છે, જે તેને પાકિસ્તાનમાં મળશે નહીં. પાકિસ્તાની સેના અને સરકારે આશ્વાસન આપ્યું છે કે મુશર્રફને સ્વદેશ વાપસી કરવા દેવામાં આવશે. મુશર્રફે વર્ષ 1999માં નવાઝ શરીફની સરકારનો તખ્તાપલટ કરી પાકિસ્તાન પર કબજો કરી લીધો હતો અને 2001થી 2008 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા. તાનાશાહને કારણે ઘણા વર્ષો સુધી દેશનિકાલનો સામનો કરનાર નવાઝ શરીફે પણ દુશ્મની ભૂલતા મુશર્રફની વાપસીનો વિરોધ કર્યો નથી. 

નોંધનીય છે કે 17 ડિસેમ્બર 2019ના પાકિસ્તાનની એક વિશેષ કોર્ટે મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને મોતની સજા ફટકારી હતી. આ સુનાવણીને નવાઝ શરીફે શરૂ કરાવી હતી. નવાઝ શરીફ વર્ષ 2013માં ત્રીજીવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. જનરલ મુશર્રફ પહેલા એવા આર્મી ચીફ હતા જેણે રાજદ્રોહનો સામનો કરવો પડ્યો અને આ મામલા પર પાકિસ્તાની સેનાની નજર હતી. પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે ચોક્કસપણે તે રાજદ્રોહી ન હોઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news