એર સ્ટ્રાઈક બાદ બાલાકોટ છોડીને આ વિસ્તારોમાં પગ જમાવી રહ્યાં છે આતંકીઓ

બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલી એર સ્ટ્રાઈક બાદથી આતંકીઓએ પોતાના ઠેકાણા બદલવાનું શરૂ કરી દીધુ છે.

એર સ્ટ્રાઈક બાદ બાલાકોટ છોડીને આ વિસ્તારોમાં પગ જમાવી રહ્યાં છે આતંકીઓ

કાબુલ: બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરાયેલી એર સ્ટ્રાઈક બાદથી આતંકીઓએ પોતાના ઠેકાણા બદલવાનું શરૂ કરી દીધુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દાવો કર્યો છે કે જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાના આતંકીઓએ અફઘાનિસ્તાનમાં સક્રિયા હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન જેવા સંગઠનો સાથે હાથ મિલાવ્યાં છે. કહેવાય છે કે બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈકની કાર્યવાહીથી આતંકીઓ ડરી ગયા છે અને તેઓ પોતાના માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યાં છે. 

સૂત્રોનું કહેવું છે કે હક્કાની અને તાલિબાન જેવા સંગઠનોની મદદથી લશ્કર અને જૈશ પોતાના બેઝ અફઘાનિસ્તાનના કંદહાર અને કુનારમાં બનાવવાની કોશિશ કરી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશના આતંકીઓએ સ્યૂસાઈડ એટેક કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. 

દુનિયાભારમાં આતંકવાદના ફંડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ  (Financial Action Task Force, FATF)એ આ વર્ષે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન આતંકને ઉછેરતા સંગઠનોને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ત્યારબાદ આતંકીઓએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. 

ભારત ઈચ્છે છે કે FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટ  કરે. જેથી કરીને તેની સીધી અસર ત્યાંની અર્થવ્યવસ્થા પર પડે પરંતુ આ વર્ષે તેવું બની શક્યું નહીં. સતત આંતરરાષ્ટ્રીય દબાણ અને દુનિયાભરમાં ઊભી થઈ રહેલી નકારાત્મક છબીના પગલે પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકીઓને હટાવીને તાલિબાન પ્રભાવિત અફઘાનિસ્તાનની સરહદમાં તેમને શિફ્ટ કરી રહ્યું છે. 

જુઓ LIVE TV

જૈશ અને લશ્કરના આતંકીઓના અફઘાનિસ્તાનમાં શિફ્ટિંગને લઈને કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસ અહીંની સરકારને અનેકવાર અલર્ટ કરી ચૂક્યું છે. આતંકી સંગઠન કાબુલથી ભારતીય દૂતાવાસને નુકસાન પહોંચાડવા માંગે છે. ભારતના દબાણમાં અફઘાનિસ્તાની સુરક્ષાદળોએ જૈશના આતંકી સિદ્દકી અકબર અને અતાઉલ્લાહની આ વર્ષે જલાલાબાદથી ધરપકડ  કરી હતી. 

સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે હક્કાની નેટવર્ક જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને અફઘાનિસ્તાનમાં આવીને રહેવાનું પણ કહી ચૂક્યુ છે. હાલ મસૂદ અઝહર પાકિસ્તાનના બહાવલપુરમાં પાકિસ્તાની સેનાની સુરક્ષામાં રહે છે. 

અત્રે જણાવવાનું કે વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં લશ્કર એ તૈયબાનો હાથ હતો. ત્યારબાદ આ સંગઠનને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકી સંગઠન જાહેર કર્યું છે. અફઘાનિસ્તાનમાં જૈશ એ મોહમ્મદ અને લશ્કરની વધતી ગતિવિધિઓને જોતા સુરક્ષા દળોને અલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news