હાય રે કોરોના...એક પુત્રની અપાર વેદના, પિતાએ જીવ ગુમાવ્યો અને માતા પણ કોરોના પીડિત
Trending Photos
ચીનના વુહાનમાથી નીકળેલા કોરોના વાયરસે આખી દુનિયાને પોતાના વિકરાળ ભરડામાં લઈ લીધુ છે. અમેરિકામાં તો હાહાકાર મચી ગયો છે. 4 લાખ ઉપર પોઝિટિવ કેસ છે. જ્યારે આ સંક્રમણના કારણે અમેરિકામાં 12722 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1839 લોકોના મોત થયા છે. અમેરિકાની સ્થિતિ જે રીતે વણસી છે તે જોતા આગળ શું પરિસ્થિતિ હશે તે કલ્પના બહાર છે. પરંતુ એક કેસ એવો સામે આવ્યો છે કે જે કોરોના અને લોકડાઉનને ગંભીરતાથી લેતા નથી તેમને વિચારતા કરી મૂકશે.
NBC ન્યૂયોર્કમાં એંકર તરીકે કામ કરતા આદમ કુપરસ્ટેઈન (anchor Adam Kuperstein)ના માતા અને પિતા બંને કોરોનાની ચપેટમાં આવી ગયાં. કોરોના વાયરસથી સંક્રમિત પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે માતામાં માઈલ્ડ અસરના કારણે સ્થિતિ ચિંતાજનક નથી. આદમે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને કોરોનાથી તેના કુટુંબ પર તૂટી પડેલા આભની હ્રદયદ્રાવક સ્થિતિ રજુ કરી. આ ફોટો તે તેમના સ્વર્ગસ્થ પિતા સાથેનો છેલ્લો ફોટો હતો. આદમનો પરિવાર સાથે આ છેલ્લી તસવીર છે. ઈન્ડિયાનાપોલીસના આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા તેમના પિતાનું સોમવારે કોરોનાથી અવસાન થયું. તે સમયે તેમના પરિવારમાંથી કોઈ જ ત્યાં હાજર નહતું અને અજાણ્યા વ્યક્તિનો હાથ પકડેલી અવસ્થામાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમનો પુત્ર એપિસેન્ટર જેવા ન્યૂયોર્કમાં કોરોના સંકટમાં કામમાં ફસાયેલો હતો. માતા પોતે કોરોના પોઝિટિવ હોવાના કારણે ઘરમાં ક્વોરન્ટાઈન હતાં. આદમે કહ્યું કે, "પિતાની છેલ્લી ઘડી વખતે અમે બધા અલગ અલગ હતાં, નર્સે અમને ફોન દ્વારા જાણ કરી કે તેમના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધુ ત્યારે અમારા ગળે ડૂમો ભરાઈ ગયો હતો."
આદમના જણાવ્યાં મુજબ તેમના માતા કે જેઓ 43 વર્ષથી તેમના પિતાની સાથે હતાં, તેઓ તે સમયે ઘરમાં એકલા રહેવા માટે મજબુર હતાં. તેમની માતા પણ કોવિડ-19 પોઝિટિવ આવ્યાં હતાં પણ સ્થિતિ સામાન્ય હતી. તેમણે કહ્યું કે, "જ્યારે તેમને અમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે જ હું તેમને એકલા રહેવા દેવા માટે મજબુર હતો. મારી માતાને હું ભેટી શકું તેમ પણ નથી." આદમે કહ્યું કે તેમના પિતા જ્યારે અમેરિકા આવ્યાં ત્યારે કશું જ નહતું પણ મહેનતથી ઘણું બધુ મેળવ્યું. પરિવાર માટે ઘણો ત્યાગ કર્યો અને તેમના છોકરાઓને એક સારા વ્યક્તિ તરીકે જીવતા શીખવાડ્યું. બદલામાં કશું જ માંગ્યું નહતું અને ફક્ત પ્રેમ આપ્યો. આદમે ભારે સૂરમાં કહ્યું કે "હાલની સ્થિતિમાં તમે તમારા સ્નેહીજનો અને તમારી કાળજી ખાસ લો. આમ કરીને તમે મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપશો."
આદમે એમ પણ કહ્યું કે, "કોરોનાને જરાય હળવાશમાં ન લો. તમને કફ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી ન હોય કે બીજા કોઈ પણ લક્ષણ ન હોય તેનો અર્થ એ નથી કે તમને કોરોના નથી. મારા પિતાને શરૂઆતમાં પાચનમાં તકલીફ હતી અને મારી માતાએ શરૂઆતમાં સૂંઘવાનું અને સ્વાદનું ભાન ભૂલાવ્યું હતું."
અત્રે જણાવવાનું કે અમેરિકામાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે અને સમગ્ર દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસની ચપેટમાં 14,28,428 લોકો છે. જ્યારે આ વાયરસથી કુલ 82,020 લોકોના મોત થયા છે. આ વાયરસથી પીડાતા જોકે 3,00198 લોકો સાજા પણ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે