તાલિબાનનો ખાસમખાસ કમાન્ડર IS ના હુમલામાં માર્યો ગયો, પાકિસ્તાનને મોટો ઝટકો
તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં કબજો મેળવી શક્યું છે પરંતુ ઈસ્લામિક સ્ટેટ (IS) એ તેના નાકમાં દમ કરી નાખ્યો છે. આતંકી સંગઠન IS એ તાલિબાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપતા તેના ખાસમખાસ કમાન્ડરનો ખાતમો કરી નાખ્યો છે.
Trending Photos
કાબુલ: તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં કબજો મેળવી શક્યું છે પરંતુ ઈસ્લામિક સ્ટેટ (IS) એ તેના નાકમાં દમ કરી નાખ્યો છે. આતંકી સંગઠન IS એ તાલિબાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપતા તેના ખાસમખાસ કમાન્ડરનો ખાતમો કરી નાખ્યો છે. આ કમાન્ડર પાકિસ્તાનના ઈશારે નાચતા તાલિબાનના હક્કાની નેટવર્ક સાથે જોડાયેલો હતો. વાત જાણે એમ છે કે બુધવારે કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં તાલિબાન સરકારમાં ગૃહમંત્રી બનેલા હક્કાની નેટવર્કના મુખિયા સિરાજુદ્દીન હક્કાનીના મુખ્ય સૈન્ય રણનીતિકાર અને કાબુલના કમાન્ડર હમદુલ્લાહ મુખલિસનું મોત થયું છે.
આઈએસના આતંકી સામે લડવા ગયો હતો
હમદુલ્લાહ મુખલિસ તાલિબાનની અફઘાનમાં વાપસી બાદ મોતને ભેટેલો સૌથી સીનિયર અને મહત્વનો વ્યક્તિ છે. તાલિબાન મીડિયા અધિકારીએ કહ્યું કે જ્યારે હમદુલ્લાહને સૂચના મળી કે સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થઈ રહ્યો છે તો કાબુલ કોરનો કમાન્ડર મુખલિસ તરત ઘટનાસ્થળે પહોંચ્યો અને ત્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ સાથે લડાઈમાં માર્યો ગયો. તાલિબાની અધિકારીએ જણાવ્યું કે તેને રોકવાની કોશિશ કરાઈ હતી પરંતુ તે ન માન્યો અને હસીને ચાલ્યો ગયો.
ખુરશી પર બેઠેલો ફોટો થયો હતો વાયરલ
કહેવાય છે કે કાબુલ પર કબજા બાદ અશરફ ગનીના કાર્યાલયમાં સૌથી પહેલા ઘૂસનારો વ્યક્તિ હમદુલ્લા જ હતો. અશરફ ગનીની ઓફિસમાં ખુરશી પર બેઠેલા જે વ્યક્તિની તસવીર વાયરલ થઈ હતી તે હક્કાનીનો કમાન્ડર હમદુલ્લા હતો. તેનું મોત હક્કાની નેટવર્ક માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી. અત્રે જણાવવાનું કે કાબુલના મુખ્ય સૈનિક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 19 લોકોના મોત થયા હતા અને 50થી વધુ ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન (આઈએસ-કે)એ લીધી છે.
પાકિસ્તાનના હક્કાની નેટવર્ક સાથે નીકટના સંબંધ
હક્કાની નેટવર્ક અને પાકિસ્તાન વચ્ચે ખુબ નીકટના સંબંધ રહ્યા છે. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવા માટે સમયાંતરે આ નેટવર્કનો સહારો લેતું રહ્યું છે. આ ગ્રુપની સ્થાપના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી. પાકિસ્તાને આ નેટવર્કની પૈસા અને હથિયારની રીતે ખુબ મદદ કરી હતી. તાલિબાની ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સૈયદ ખોસ્તીએ વિસ્ફોટની ગણતરીની મિનિટોમાં તેની પુષ્ટિ કરીને જણાવ્યું કે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. જો કે તેમણે કોઈ વિવરણ આપ્યું નહતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે