ભારતમાં નકલી નોટો ઘુસાડવા માટે 'ISI' અને 'D' કંપનીએ શોધ્યો નવો રસ્તો
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના એક વ્યક્તિને રૂ.10 લાખના મૂલ્યની નકલી નોટો સાથે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પર પકડવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં નકલી નોટો ઘુસેડવાનું છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયું હતું, પરંતુ હવે ફરીથી ભારતના પૂર્વ સરહદીય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં નકલી નોટો દેશના બજારમાં ઘુસાડવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા થયેલી તપાસમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI અને D કંપનીની સાંટગાંઠથી દેશમાં નકલી નોટો ઘુસાડવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં જ નેપાળમાં પકડાયેલા નકલી નોટોનો વેપાર કરતી ટૂકડીના મુખ્ય સૂત્રધાર યુનુસ અનસારીની પુછપરછમાં આ સાંઠગાંઠ પરથી પડદો ઊંચકાયો છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પછી તેની નેપાળમાં ધરપકડ કરાઈ હતી.
ભારતીય અધિકારીઓનું માનવું છે કે, યુનુસ અનસારી દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ છે અને તે આઈએસઆઈ માટે કામ કરે છે. તે નકલી નોટોનો વેપાર કરતી ટૂકડીનો સૌથી મોટો ખેલાડી છે. અનસારીની સાથે ત્રણ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ હતી, જેમની ઓળખ મોહમ્મદ અખ્તર, નાદિયા અનવર અને નસીરૂદ્દીન તરીકે થઈ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે, અનસારીને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તેના સાથીદારો પાસેથી 7 કરોડની કિંમતની નકલી નોટો મળી આવી હતી. અનસારીની પુછપરછમાં એ પણ જાણવા મળ્યું કે, ભારતમાં નકલી નોટો ઘુસેડવાનો માર્ગ હવે નેપાળ રહ્યો નથી, પરંતુ બાંગ્લાદેશને અડીને આવેલી ભારતની પૂર્વ સરહદથી નકલી નોટો ઘુસેડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અગાઉ ભારતમાં નકલી નોટો ઘુસાડવા માટે નેપાળના માર્ગનો ઉપયોગ કરતો હતો. હવે, NIAની તપાસમાં આ નવો માર્ગ શરૂ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં જ દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પરથી પશ્ચિમ બંગાળના એક વ્યક્તિને રૂ.10 લાખના મૂલ્યની નકલી નોટો સાથે પકડવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યું કે, આ નકલી નોટો બાંગ્લાદેશમાં છાપવામાં આવી હતી અને તેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વ્યસ્ત બજારો અને દુકાનોમાં વટાવવાની યોજના હતી.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે