આ ગ્લેશિયરમાં પડી ખતરનાક તિરાડો, શહેર જેટલો મોટો હિસ્સો તૂટીને પડી શકે છે, તબાહી મચાવશે!

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર  (Thwaites Glacier) થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે. ડૂમ્સ ડે ગ્લેશિયર(Doomsday Glacier) ના નામથી ઓળખાતા આ ગ્લેશિયરમાં ખતરનાક તિરાડો સામે આવી છે.

આ ગ્લેશિયરમાં પડી ખતરનાક તિરાડો, શહેર જેટલો મોટો હિસ્સો તૂટીને પડી શકે છે, તબાહી મચાવશે!

વોશિંગ્ટન: એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર  (Thwaites Glacier) થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે. ડૂમ્સ ડે ગ્લેશિયર(Doomsday Glacier) ના નામથી ઓળખાતા આ ગ્લેશિયરમાં ખતરનાક તિરાડો સામે આવી છે. એવું મનાઈ રહ્યું છે કે આગામી થોડાક વર્ષોમાં તેનો અમેરિકાના ફ્લોરિડા જેટલો મોટો હિસ્સો તૂટી શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે જો આમ થયું તો તેનાથી વૈશ્વિક સમુદ્ર જળ સ્તરમાં  અચાનક ખુબ વધારો થઈ શકે છે. એટલે કે અનેક વિસ્તારો ડૂબી શકે છે અને લોકોએ વિસ્થાપિત થવું પડી શકે છે. 

નબળી પડી રહી છે ગ્લેશિયરની પકડ
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ સોમવારે બહાર પાડવામાં આવેલા ડેટાથી જાણવા મળે છે કે મહાસાગરોના ગરમ થવાથી થ્વાઈટ્સ ઈસ્ટર્ન આઈસ શેલ્ફ (TIES) સબમરીન શોલ, કે બેંક પર પોતાની પકડ ગુમાવી રહ્યું છે. જે તેને બાકીના ગ્લેશિયર સાથે જોડી રાખવા માટે એક પિનિંગ પોઈન્ટ તરીકે કામ કરે છે. જેના કારણે તેનામાં તિરાડો પડી રહી છે. અમેરિકી ભૂ-ભૌતિકીય યુનિયન(American Geophysical Union) ની વાર્ષિક બેઠકમાં પ્રસ્તુત સેટેલાઈટ તસવીરોથી TIES ની મોટી તિરાડો અંગે જાણવા મળ્યું છે. બેઠકમાં રિસર્ચર્સે કહ્યું કે જો આ તરતો આઈસ શેલ્ફ તૂટી જાય તો સમુદ્રના જળસ્તરમાં લગભગ 25 ટકાનો વધારો થઈ જશે. 

ઝડપથી બદલાઈ રહ્યા છે હાલાત
ગ્લેશિયોલોજિસ્ટ પ્રો ટેડ સ્કેમ્બોસે જણાવ્યું કે હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. આગામી એક દાયકાથી પણ ઓછા સમયમાં આ ગ્લેશિયરની સ્થિતિમાં નાટકિય ફેરફાર થવા જઈ રહ્યા છે. થ્વાઈટ્સ ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યો છે અને હવે તેના એક શહેર જેટલો મોટો હિસ્સો તૂટવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે નિશ્ચિત રીતે ચિંતાનો વિષય છે. આ બાજુ ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના એરિન પેટિટ (Erin Pettit) એ હાલની તિરાડોની સરખામણી કારની વિન્ડશીલ્ડ સાથે કરતા કહ્યું કે જે પ્રકારે એક નાની ટક્કરથી વિન્ડશીલ્ડ સેંકડો ટૂકડામાં વેરવિખેર થઈ શકે છે તેવું કઈક થવાનું છે. તેમણે કહ્યું કે ગ્લેશિયરના ટુકડા તૂટીને પડશે તો તેનાથી થ્વાઈટ્સ ગ્લેશિયરનો પૂર્વ એક તૃતિયાંશ હિસ્સો હજુ વધુ  ઝડપથી ઓગળશે. આ ઘટનાથી ગ્લેશિયર ઓગળવાની સ્પીડ ત્રણ ગણી થઈ જશે. 

આ છે Doomsday ના ઓગળવાનું કારણ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધરતીના વધતા તાપમાનના કારણે થ્વાઈટ્સ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે. જે સમગ્ર દુનિયા માટે એક મોટા જોખમનો સંકેત છે. એન્ટાર્કટિકાના પશ્ચિમી વિસ્તારમાં આવેલો આ ગ્લેશિયર સમુદ્રની અંદર અનેક કિલોમીટરોની ઊંડાઈએ ડૂબેલો છે અને તેમાંથી સતત બરફના મોટા મોટા ભાગ તૂટી રહ્યા છે. વર્ષ 1980 બાદથી તેણે ઓછામાં ઓછો 600 બિલિયન ટન બરફ ખોયો છે. થ્વાઈટ્સના કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો તે બ્રિટનથી થોડો જ નાનો હશે. આવામાં તેનું ઓગળવું સમગ્ર દુનિયાના કાંઠા વિસ્તારોને તબાહ કરી શકે છે. 

પહેલા પણ આવ્યો હતો આવો ડરામણો રિપોર્ટ
આ વર્ષની શરૂઆતમાં પણ થ્વાઈટ્સ ગ્લેશિયર  (Thwaites glacier) અંગે એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે સમુદ્રની અંદર ગ્લેશિયરમાં કાણા પડી રહ્યા છે. નાસાના વૈજ્ઞાનિકોના હવાલે જણાવવામાં આવ્યું હતું કે ગ્લેશિયરમાં એક મોટું કાણું પડી ચૂક્યું છે જે અમેરિકાના મેનહટ્ટન શહેરનો બે તૃતિયાંશ છે. આ ઉપરાંત તે 1100 ફૂટ ઊંચો છે. આ કાણાને જોઈને અંદાજો લગાવવામાં આવ્યો હતો કે ઓગળેલો બરફ લગભગ 14 ખર્વ ટન રહ્યો હશે. હવે સામે આવેલી સેટેલાઈટ તસવીરોએ પણ એક ગંભીર જોખમ તરફ ઈશારો કર્યો છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું કે ગ્લેશિયરનો ભાગ તૂટવાથી દુનિયાભરના સમુદ્રોનું જળસ્તર 5 ટકા સુધી વધી જશે. જેના કારણે કાંઠા વિસ્તારો પાણીમાં ડૂબી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news